રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન સૌરાષ્ટ્રમાં એની મહેર યથાવત્ રાખી છે. રાજ્યના ૧૧૭ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. રાજ્યમાં છેલ્લા ૩ દિવસથી મેઘરાજા અવિરત મેઘમહેર વરસાવી રહ્યા છે. તેમાં પણ સૌરાષ્ટ્ર-કચ્છ પર મેઘો મહેરબાન થયો છે. ત્યારે આજે પણ સવારે ૧૦ વાગ્યા સુધી રાજ્યમાં ૧૧૭ તાલુકામાં વરસાદ નોંધાયો છે. હજી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ પર વેલ માર્ક લૉ પ્રેશર અને સાઇક્લોનિક સરક્યુલેશન એમ બે સિસ્ટમ એકસાથે સક્રિય થતાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. બે દિવસ ભારે વરસાદ બાદ નવમી જુલાઈથી ક્રમશઃ વરસાદનું જોર ઘટશે. ઉપલેટાના મોટી પાનેલીમાં બે દિવસમાં ૨૯ ઇંચ વરસાદ પડ્યો છે અને આખું ગામ જાણે પાણીમાં ડૂબી ગયું છે. આ ઉપરાંત મોજ અને વેણુ ડૅમ ઓવરફ્લો થયા છે. રાજ્યમાં એસડીઆરએફની ૧૧ ટીમ તહેનાત કરવામાં આવી છે અને તેમના દ્વારા વિવિધ સ્થળે બચાવ કામગીરી પણ હાથ ધરાઈ છે.
રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે, ત્યારે આ ભારે વરસાદનાં કારણે અંદાજિત ૨૦૦૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. દરિયા અને નદીકિનારે વસવાટ કરતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. લોકોને સલામત સ્થળે ખસેડવા માટે એસડીઆરએફની ૧૧ ટીમ તહેનાત કરી દેવામાં આવી. સૌરાષ્ટ્રના ખંભાળિયા, દ્વારકા, જામનગર, મોરબી અને પોરબંદર જિલ્લામાં લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને પગલે મોટા ભાગનાં જળાશયો છલકાયાં છે. જામનગરની જીવાદોરી સમાન સસોઈ ડૅમ છલકાતા ખેડૂતોના હૈયે હરખની હેલી ઊમટી છે. સસોઈ ડૅમમાંથી આસપાસનાં ૩૦ જેટલાં ગામડાઓને સિંચાઇ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. તો રાજકોટના બે સહિત સૌરાષ્ટ્રના ૧૩ ડૅમ ઓવરફલો થયા છે. રાજકોટના આજી ડૅમ-૨ અને ન્યારી ડૅમ તેમ જ લાલપરી તળાવ ઓવરફલો થયું છે. પડધરીનાં ખીજડિયામાં ભારે વરસાદ પડતાં ગૌશાળામાંથી ૪૦ જેટલાં પશુઓ પાણીના વેગમાં તણાયાં હતાં. તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વરસાદથી ફાયદો પણ થયો છે. મેઘમહેરના કારણે ઘોધ, નદી તેમ જ તેનો આસપાસનો નજારો ખીલી ઉઠ્યો છે.
દ્વારકા જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ યથાવત્ છે. આજે ફરી ખંભાળિયા, કલ્યાણપુર, ભાણવડ, દ્વારકા પંથકમાં વરસાદ વરસ્યો. દ્વારકા જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેને લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ભારે વરસાદના લીધે પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે. ગુજરાતભરમાં ચોમાસું બરાબરનું જામ્યું છે અને અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ આગામી ૩ દિવસ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
મેયરને ધમકી આપનાર ગુજરાતી યુવાન જામનગરનો કરિયાણાવાળો નીકળ્યો
7th January, 2021 10:36 ISTરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગરમાં બનાવશે વિશ્વનું સૌથી મોટું ઝૂ
21st December, 2020 12:35 ISTજામનગરમાં હાથરસવાળી: 17 વર્ષની યુવતીને ઊંઘની દવા આપી તેના પર ગૅન્ગરેપ
5th October, 2020 14:04 ISTગુજરાત: જામનગરમાં ગુરુ ગોવિંદ સિંહ સરકારી હૉસ્પિટલના ICU યૂનિટમાં આગ
25th August, 2020 20:06 IST