ગુજરાત : બ્રહ્મસેના ૮૫ હજાર જેટલા કર્મકાંડી બ્રાહ્મણોની મદદ લેશે પ્રચારક તરીકે

Published: 5th November, 2012 02:59 IST

ગુજરાતમાં કોળી સમાજ, સિંધી સમાજ અને લેઉવા પટેલ સમાજ બાદ હવે બ્રાહ્મણ સમાજે પણ કરી દીધી પોતાની જ્ઞાતિના ઉમેદવારો માટે બેઠકો ફાળવવાની માગણીઅમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે બ્રહ્મસેનાએ પણ ગુજરાતમાં ૧૮૨ વિધાનસભાની બેઠકોમાંથી બીજેપી, કૉન્ગ્રેસ અને ગુજરાત પરિવર્તન પાર્ટી પાસે ઓછામાં ઓછી ૧૫-૧૫ બેઠકો પર બ્રાહ્મણ ઉમેદવારોને ટિકિટ ફાળવે એવી માગણી કરી છે એટલું જ નહીં; પરંતુ સમગ્ર ગુજરાતમાં ૮૫,૦૦૦ જેટલા કર્મકાંડી  બ્રાહ્મણો ચૂંટણી દરમ્યાન બ્રહ્મસેનાના પ્રચારકની ભૂમિકા ભજવશે.

અમદાવાદના દિનેશ હૉલમાં ગઈ કાલે બ્રહ્મસેનાની બેઠક મળી હતી, જેમાં ગુજરાતભરમાંથી બ્રહ્મસેનાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ઠરાવ કરવામાં આવ્યો હતો. બ્રહ્મસેનાના પ્રમુખ ભાવેશ રાજ્યગુરુએ પત્રકારોને કહ્યું હતું કે ‘ગુજરાતમાં બ્રાહ્મણોની સંખ્યા ૧૧ ટકાથી વધુ છે, જેમાં અંદાજે ૩૫ લાખ જેટલા બ્રાહ્મણ મતદારો છે. સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં ૪,૭૧,૨૩૫  મતદારો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી જે વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટાયા છે એ અમદાવાદની મણિનગર બેઠકમાં સૌથી વધુ ૫૯,૪૦૦ બ્રાહ્મણ મતદારો છે. ગુજરાતમાં ૫૦ બેઠકો એવી છે જ્યાં ૨૦,૦૦૦થી વધુ બ્રાહ્મણ મતદારો છે. એમાં અમદાવાદની એલિસબ્રિજ અને વેજલપુર બેઠક અને ભાવનગર બેઠક પર ૫૦ હજારથી વધુ મતદારો છે, જ્યારે ૧૮ બેઠકો પર ૩૦ હજારથી વધુ બ્રાહ્મણ મતદારો છે. આવા સંજોગોમાં ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકોમાંથી ઓછામાં ઓછી ૧૫ બેઠકો દરેક રાજકીય પક્ષ તેમના બ્રાહ્મણ ઉમેદવારોને ફાળવે એવો ઠરાવ બ્રહ્મસેનાની બેઠકમાં કરવામાં આવ્યો છે. જોકે તેમણે એમ પણ કહ્યું કે બ્રહ્મસેનાના એક પણ હોદ્દેદાર ટિકિટની માગણી નહીં કરે.’

ભાવેશ રાજ્યગુરુએ કહ્યું હતું કે ગુજરાતમાં કર્મકાંડી બ્રાહ્મણો ૮૫ હજાર છે તેઓ દરેક તેમના ૫૦ યજમાન સુધી બ્રહ્મસેનાનો રોલ પહોંચાડશે અને પ્રચાર કરશે અને આ રીતે અમે ૫૦ લાખ પરિવારો સુધી પહોંચીશું. જોકે તેમણે ચીમકી ઉચ્ચારતાં કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટની ફાળવણીમાં જો બ્રાહ્મણોને અન્યાય કરવામાં આવશે તો જે-તે રાજકીય પક્ષોના પાર્લમેન્ટરી ર્બોડના આગેવાનોને આગામી ચૂંટણીમાં બ્રહ્મસેના ટાર્ગેટ કરીને તેમનો પરાજય થાય એ માટે સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે આશ્ચર્યજનક રીતે જુદા-જુદા સમાજો જાહેરમાં જે-તે પક્ષ પાસેથી તેમના સમાજને ટિકિટ ફાળવવા આગળ આવ્યા છે. આવી જ રીતે ગઈ કાલે બ્રહ્મસેના પણ બહાર આવી છે.

ગુજરાતમાં પહેલાં કોળી સમાજ, સિંધી સમાજ અને લેઉવા પટેલ સમાજ સહિતના જુદા-જુદા સમાજો બાદ હવે બ્રહ્મસેના પણ મેદાનમાં ઊતરી છે અને બીજેપી, કૉન્ગ્રેસ અને કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટી પાસે ૧૫-૧૫ બેઠકોની માગણી માટે અવાજ ઉઠાવ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK