ગુજરાત ચેતે : પાંચ એપ્રિલ સુધી કોરોનાના કેસ વધશે

Published: Mar 29, 2020, 18:29 IST | GNS | Mumbai Desk

રાજ્યમાં કોરોના રોગની લોકલ ટ્રાન્સમિશન પ્રક્રિયા શરૂ થઈ : આરોગ્ય સચિવનો ધડાકો

દેશમાં ફેલાયેલી મહામારી કોરોના વાઇરસ રોગચાળાના પૉઝિટિવ કેસોની સંખ્યા અન્ય કેટલાંક રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ચિંતાજનક રીતે વધી રહી હોય તેમ આજે વધુ ૬ પૉઝિટિવ કેસ બહાર આવતાં રાજ્યમાં કોરોનાના પૉઝિટિવ કેસની સંખ્યા ૫૦ને પાર કરીને ૫૩ ઉપર પહોંચી ગઈ છે અને ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશનની એટલે કે ઝડપથી રોગ ફેલાવવાની પ્રક્રિયા અને રાજ્યમાં ઇન્ક્‌યુબેશન પિરિયડ્‌સ ચાલુ હોવાથી કોરોના પૉઝિટિવ કેસમાં વધારો થઈ શકે છે. આગામી ૫ એપ્રિલ સુધી કેસમાં વધારો થાય તેવી સંભાવના છે. હાલ રાજ્યમાં લોકલ ટ્રાન્સમિશન કેસ વધ્યા છે જે તબીબોના મતે ત્રીજા તબક્કામાં ખૂબ જ ખતરનાક કહી શકાય.

દરમ્યાન આજે ગુજરાતમાં કોરોના વાઇરસથી વધુ એક મહિલાનું મોત નીપજ્યું છે જે એસવીપી હૉસ્પિટલમાં દાખલ હતી. મહિલા ડાયાબિટીસ અને બ્લડપ્રેસરથી પીડિત હતી. કોરોના વાઇરસથી અમદાવાદમાં મૃત્યુ આંક ૨ થયો છે જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે મોતનો આંક ૪ ઉપર પહોંચ્યો છે.
ગુજરાતના આરોગ્ય સચિવ જયંતી રવિએ આજે પત્રકાર પરિષદમાં ગુજરાતમાં કોરોનીની તાજા સ્થિતિ અંગેની માહિતી આપતાં ગુજરાતના લોકોને ફરીથી સાવચેત કર્યા હતા અને આ રોગના ચેપથી બચવા લૉકડાઉનના સમયગાળામાં ઘરમાં જ રહેવાની ભારપૂર્વકની ચેતવણી આપી હતી. તેમનું કહેવું છે કે રાજ્યના તમામ નાગરિકોએ લૉકડાઉનનો વ્યવસ્થિત અને સંપૂર્ણ અમલ કરવાની ખાસ જરૂર છે. બહુ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવાનું રાખો. ગુજરાતમાં આજથી ઈન્ક્‌યુબેશન પિરિયડ્‌સ ચાલુ હોવાથી કેસ વધવાની પૂરી શક્યતા છે. દરમ્યાન મધ્ય ગુજરાતના આણંદ જિલ્લામાં કલમ ૧૪૪ના ભંગ અંગેની ૧૩૫ ફરિયાદ નોંધાઈ છે તો પોલીસે ૧૯૫ લોકોની ધરપકડ કરી છે. એક ચિંતાજનક બનાવમાં જીવતા બૉમ્બ સમાન રાજકોટમાં કોરોનાને કારણે ક્વૉરન્ટીન કરાયેલી એટલે કે અલગ રખાયેલી એક યુવતી ભાગી જતાં તેની ફરિયાદ થઈ છે. આ યુવતી જેના સંપર્કમાં આવે તેને પણ કોરોના થવાની શકયતા છે.
તેમણે રાજ્યમાં ઇન્ક્‌યુબેશન પિરિયડ્‌સ(ખતરનાક તબક્કો) ચાલુ હોવાથી કોરોના પૉઝિટિવ કેસમાં વધારો થઈ શકે છે. આગામી ૫ એપ્રિલ સુધી કેસમાં વધારો થાય તેવી સંભાવના છે. હાલ રાજ્યમાં લોકલ ટ્રાન્સમિશન વધ્યા છે. આમ ખુદ સરકાર જ જ્યારે કહી રહી છે કે ૫ એપ્રિલ સુધી કેસ વધવાની શક્યતા છે ત્યારે સરકારે તો સજાગતા રાખીને હૉસ્પિટલોમાં તેની તૈયારીઓ રાખી છે. તેમ છતાં લોકોએ લૉકડાઉનનો અમલ કરીને ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ, એમ પણ સરકારી સૂત્રોએ કહ્યું હતું.
જયંતી રવિએ એમ પણ કહ્યું કે હજી ૫ એપ્રિલ સુધી કેસ વધવાની પૂરી સંભાવના છે, ત્યારે હાલમાં ૯૯૩ સેમ્પલમાંથી ૯૩૮ નેગેટિવ આવ્યા છે જે એક સારા સમાચાર પણ છે. ગુજરાતમાં ૮૦૦૦થી વધુ વેન્ટિલેટર્સ હાલ ઉપલબ્ધ છે તેમ જ ગુજરાતમાં માસ્કની અછત નથી.
ગુજરાત બહારથી આવેલા લોકો અંગે તેમણે કહ્યું કે ૨૨ તારીખથી ફ્લાઇટ બંધ છે પરંતુ એ પહેલાં ઘણા લોકો ગુજરાતમાં આવ્યા હતા. તેથી આગામી ૧૦-૧૪ દિવસમાં કેસમાં વધારો થઈ શકે છે. હાલ કુલ ૧૯,૩૪૦ લોકો ક્વૉરન્ટીનમાં છે અને ક્વૉરન્ટીનનો સમય પૂરો થવાથી આ સંખ્યા ઘટશે. જોકે સરકારી ક્વૉરન્ટીનના કેસમાં વધારો થયો છે. ૬૫૭ લોકોને સરકારી ક્વૉરન્ટીનમાં રાખવા પડ્યા છે. ગુજરાત રાજ્યમાં વધુ ૬ નવા કોરોના પૉઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિત દરદીઓની કુલ સંખ્યા ૫૩ પહોંચી ગઈ છે. જ્યારે કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ ૩ લોકોનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય અગ્ર સચિવે આ અંગે માહિતી આપતાં જણાવ્યું છે કે અમદાવાદમાં ૩, વડોદરા, ગાંધીનગર અને મહેસાણા ૧-૧ નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. અમદાવાદમાં ૧૮, વડોદરામાં ૯, રાજકોટમાં ૮, ગાંધીનગરમાં ૮, સુરત ૭ જ્યારે કચ્છ, ભાવનગર અને મહેસાણામાં ૧-૧ કેસ નોંધાયા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK