ગુજરાત: સુરતના માંડવીમાં 6 જ કલાકમાં 10 ઇંચ વરસાદ

Published: 18th August, 2020 12:43 IST | Shailesh Nayak | Ahmedabad

સૌરાષ્ટ્રના તાલાલામાં ૭ ઇંચથી વધુ વરસાદથી જળબંબાકાર : પૂર્ણા નદીના પાણી નવસારીમાં ફરી વળ્યાં

ફાઈરલ તસવીર
ફાઈરલ તસવીર

ગુજરાતમાં ખાસ કરીને ગઇકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર મેઘો મુશળધાર વરસ્યો હતો.ભારે વરસાદથી તાપી જિલ્લો તરબતર થયો હતો જ્યારે સુરત જિલ્લામાં સાંબેલાધાર વરસાદ અને ડાંગ જીલ્લામાં દે ધનાધન વરસાદ ખાબક્યો હતો.આ ઉપરાંત ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો.તેમાં પણ સુરત જીલ્લાના માંડવી શહેર અને તાલુકામાં છ કલાકમાં ૨૪૯ મિ.મી.એટલે કે ૧૦ ઇંચ જેટલો વરસાદ પડતા જનજીવનને ભારે અસર પહોંચી હતી.

ગુજરાતમાં ગઇકાલે સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં ૧૭૭ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. સુરત જીલ્લાના માંડવી તાલુકામાં ૧૦ ઇંચ સાંબેલાધાર વરસાદ પડ્યો હતો તો તાપી જીલ્લાના ડોલવણ તાલુકામાં ૮ ઇંચથી વધુ,સૌરાષ્ટ્રના તલાલા તાલુકામાં ૭ ઇંચથી વધુ,તાપી જીલ્લાના વાલોડ તાલુકામાં અને નવસારી જીલ્લાના વાંસદા તાલુકામાં ૬ ઇંચથી વધુ વરસાદ પડયો હતો.

ભારે વરસાદના કારણે ગુજરાતમાં નદી – નાળા છલકાતા કેટલાક બ્રીજ અને કોઝવે પર તેમજ રસ્તાઓ પર નદીઓના પાણી ફરી વળતા વાહનચાલકોની સલામતીને ધ્યાનમાં લઇ ગુજરાતના ૧૬ સ્ટેટ હાઇવે સહીત ૩૯૩ માર્ગો બંધ કરાયા હતા. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે અંબિકા અને પૂર્ણા નદીમાં જળ સ્તર વધી ગયું હતું.અંબીકા નદીના પાણી ગણદેવી – અમલસાડ બ્રીજ પર ફરી વળતા આ બ્રીજ વાહન ચાલકો માટે બંધ કરાયો હતો.

પૂર્ણા નદીના પાણી નવસારીના કાસીવાડા, જેસતખાડા અને શાંતાદેવી રોડ પર ફરી વળ્યાં હતા.પૂર્ણા નદી ૨૩ ફુટે વહી રહી હતી અને પાણી નવસારીમાં ઘૂસતા નાગરીકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું.

ગીર સોમનાથની સરસ્વતી નદીમાં પુર આવતા પ્રાચીતીર્થનુ માધવરાયજી મંદિર અડધા ઉપર ડુબી ગયું હતું. કચ્છના નખત્રાણામાં ચાર ઇંચથી વધુ વરસાદ પડતા નખત્રાણા પંથક પાણી પાણી થઇ ગયો હતો.નખત્રાણા શહેરની વચ્ચેથી ધસમસતો પાણીનો પ્રવાહ વહેતા સ્થાનિક રહીશો ચિંતીત થઇ ગયા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK