Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કચ્છનો કેડો નથી મૂકતા મેઘરાજા, અબડાસામાં 4 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ

કચ્છનો કેડો નથી મૂકતા મેઘરાજા, અબડાસામાં 4 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ

30 August, 2020 12:00 PM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કચ્છનો કેડો નથી મૂકતા મેઘરાજા, અબડાસામાં 4 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આ વર્ષે મેઘરાજા જાણે કે ગુજરાતના કચ્છ જિલ્લાનો કેડો મૂકતા ન હોય તેમ કચ્છ જિલ્લામાં સમયાંતરે મેઘમહેર રહેવા પામી છે. ગઈ કાલે પણ કચ્છ જિલ્લામાં વ્યાપક વરસાદ પડ્યો હતો. કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં તો ૪ કલાકમાં ૮ ઇંચ જેટલો સાંબેલાધાર વરસાદ પડતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. બીજી તરફ ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ગુજરાતના ૧૪૩ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો.

કચ્છના અબડાસા તાલુકામાં ગઈ કાલે સવારે ૬ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીમાં ૨૦૮ મિ.મી. એટલે કે ૮ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ખાસ કરીને બપોરે ૧૨ વાગ્યાથી ૪ વાગ્યા દરમ્યાન સાંબેલાધાર ૧૯૬ મિ.મી. એટલે કે ૮ ઇંચ જેટલો વરસાદ ૪ કલાકમાં ખાબક્યો હતો. આ ઉપરાંત કચ્છના મુંદ્રા તાલુકામાં ૯૪ મિ.મી. એટલે કે ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. જેમાં સવારે ૧૦થી ૧૨ વાગ્યા દરમ્યાન બે કલાકમાં ૭૦ મિ.મી. એટલે કે ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જ્યારે નખત્રાણા તાલુકામાં ૬૯ મિ.મી., માંડવી તાલુકામાં ૫૬ મિ.મી. અને લખપત તાલુકામાં ૪૦ મિ.મી., ભુજમાં ૨૬ મિ.મી. વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે અબડાસા, મુંદ્રા, નખત્રાણા તાલુકામાં જનજીવન પ્રભાવિત થયું હતું. નખત્રાણા – ભુજના રસ્તા પર જાણે કે નદી વહેતી હોય તેવાં દૃશ્યો સર્જાયાં હતાં.



આ વર્ષે કચ્છ પર મેઘરાજા મહેરબાન થયા હોય તેમ અત્યાર સુધીમાં સરેરાશ વરસાદની સામે કચ્છ જિલ્લામાં ૨૨૬.૩૭ ટકા વરસાદ પડ્યો છે. આ વર્ષે કચ્છમાં અત્યાર સુધીમાં ૯૩૩ મિ.મી. વરસાદ એટલે કે ૩૭ ઇંચ વરસાદ પડી ચૂક્યો છે.


ગઈ કાલે કચ્છ જિલ્લા ઉપરાંત નવસારી, દેવભૂમિ દ્વારકા, સુરત, વલસાડ, જૂનાગઢ, જામનગર અને તાપી જિલ્લામાં ૨ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. સાંજે ૬ વાગ્યા સુધીમાં ગુજરાતના ૧૪૩ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો.

નર્મદા ડૅમના ૨૩ દરવાજા ખોલાતાં વડોદરા, ભરૂચ જિલ્લાના કિનારાનાં ગામો અલર્ટ પર


ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડૅમની સપાટીમાં છેલ્લા ૯ દિવસથી સતત વધારો નોંધાઈ રહ્યો છે. હાલમાં નર્મદા ડૅમના ૨૩ દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી નર્મદા ડૅમમાં ૫ લાખ ક્યુસેક પાણી ઓમકારેશ્વર ડૅમમાં છોડવામાં આવ્યું હોવાથી ૨૩ ગેટ ખોલવાની ફરજ પડી છે. ૨૩ ગેટમાંથી ૩ લાખ ૬૫ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે ત્યારે નર્મદા ડૅમની જળસપાટી ૧૩૧.૨૫ મીટર પર પહોંચી છે.

સતત વધતી જળસપાટીને કારણે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના નદી કિનારાનાં ગામોને અલર્ટ કરવામાં આવ્યાં છે. એવામાં રિવરબેડ પાવરહાઉસનાં પાંચ ટર્બાઇનો શરૂ કરવામાં આવ્યાં હતાં, સાથે જ ડૅમમાંથી પાણી છોડાતાં નદી ફરી બન્ને કાંઠે વહેતી થઈ હતી, જેના પગલે ગરુડેશ્વર વિયર કમ કોઝ-વે છલકાઈ ગયો હતો. આ બાદ નર્મદા નદી કાંઠાનાં ગામમાં રહેતા લોકોને સાવધાન કરવામાં આવ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

30 August, 2020 12:00 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK