કચ્છમાં અત્યારથી અસર : વાદળછાયું હવામાન, ઠંડી ગાયબ

Published: Dec 06, 2019, 08:54 IST | Utsav Vaidya | Bhuj

માવઠા જેવું વાતાવરણ સર્જાતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ગ્લોબલ વૉર્મિંગની અસર હેઠળ આવી પરિસ્થિતિ સર્જાઈ છે અને અરબી સમુદ્રમાં વાવાઝોડાં કેન્દ્રિત થવાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે

કચ્છનું વાતાવરણ
કચ્છનું વાતાવરણ

ભારતીય હવામાનના ૧૫૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર મેથી નવેમ્બર મહિના દરમ્યાનની અરબી સમુદ્રમાં કેન્દ્રિત થતી વાવાઝોડાની મોસમ દરમ્યાન આ વખતે ફરી બે વાવાઝોડાંની ચેતવણી હવામાન ખાતાએ આપતાં વાવાઝોડાં કેન્દ્રિત થવાના અત્યાર સુધીના તમામ રેકૉર્ડ તૂટી ગયા છે. આ વર્ષે મે મહિનાથી શરૂ કરીને નવેમ્બર મહિના સુધી આઠ જેટલાં વાવાઝોડાં કેન્દ્રિત થયાં હતાં, પણ હવે વધુ બે વાવાઝોડાં ત્રાટકવાની ચેતવણી હવામાન ખાતાએ જાહેર કરતાં આ સંખ્યા એટલે કે વાવાઝોડાં બનવાની સંખ્યા ૧૦ પર પહોંચવા પામી છે.
મળતી વિગતો પ્રમાણે દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં હાલ કર્ણાટક અને ગોવાથી દૂર એક વાવાઝોડું કેન્દ્રિત થઈ રહ્યું છે જે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે એવી જ રીતે હવાનું બીજું એક હળવું દબાણ મુંબઈથી દક્ષિણ-પશ્ચિમે ૬૦૦ કિલોમીટર દૂર ઊભું થવા પામ્યું છે અને આ બન્ને હળવાં દબાણો આગામી એક સપ્તાહમાં વાવાઝોડામાં પરિવર્તિત થવાની પૂરેપૂરી શક્યતા છે.
આ વાવાઝોડાં મોટા ભાગે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની શક્યતા હોઈ ગુજરાતના સાગરકાંઠે પણ તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે. જોડિયાં વાવાઝોડાંની આગાહી સાથે જ કચ્છમાં પણ આજે સાંજથી વાતાવરણ પલટાયું છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થવા પામ્યો છે.
માવઠા જેવું વાતાવરણ સર્જાતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ગ્લોબલ વૉર્મિંગની અસર હેઠળ આવી પરિસ્થિતિ સર્જાઈ છે અને અરબી સમુદ્રમાં વાવાઝોડાં કેન્દ્રિત થવાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ વર્ષે છેલ્લાં ૧૦૦ વર્ષોમાં સૌથી વધુ હવાનાં હળવાં દબાણો અરબી સમુદ્રમાં કેન્દ્રિત થયાં છે જેમાંથી મોટા ભાગનાં વાવાઝોડાંમાં પરિવર્તિત થયાં છે. સામાન્ય રીતે અરબી સમુદ્રમાં ચાર વાવાઝોડાં કેન્દ્રિત થતાં હોય છે, પણ ચાલુ વર્ષે એની સંખ્યા દસ પર પહોંચી છે. વાવાઝોડાને કારણે આ વર્ષે ચોમાસા પૂર્વેના વરસાદે ગુજરાત તેમ જ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગોવા અને કર્ણાટકમાં ખેતીવાડીને ભારે નુકસાન પહોંચાડ્યું છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK