Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાત: નવરાત્રીમાં ગરબા નહીં થાય, માત્ર આરતી અને સ્થાપનાની જ પરવાનગી

ગુજરાત: નવરાત્રીમાં ગરબા નહીં થાય, માત્ર આરતી અને સ્થાપનાની જ પરવાનગી

09 October, 2020 11:05 AM IST | Gandhinagar
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગુજરાત: નવરાત્રીમાં ગરબા નહીં થાય, માત્ર આરતી અને સ્થાપનાની જ પરવાનગી

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


ઘણા સમયથી ચર્ચાઓ થઈ રહી હતી કે ગુજરાતમાં આ વર્ષે નવરાત્રીનું આયોજન થશે કે નહીં? રાજ્ય સરકાર ગરબા રમવાની પરવાનગી આપશે કે નહીં? આખરે આજે ગુજરાત રાજ્ય સરકારે તહેવારો માટે નવી ગાઇડલાઇન્સ જાહેર કરતા આ વાતની સ્પષ્ટતા થઈ ગઈ છે. ગુજરાત સરકારે આગામી તહેવારોને લઈને માર્ગદર્શિકા જાહેર કરી દીધી છે. સરકાર તરફથી નવરાત્રીના ગરબા, દશેરા, દિવાળી, બેસતું વર્ષ, શરદ પૂનમના તહેવારોની ઉજવણી સંદર્ભે વિવિધ માર્ગદર્શન સૂચનાઓ બહાર પાડવામાં આવ્યા છે. સરકારની સૂચના પ્રમાણે નવરાત્રી દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી કે મૂર્તિની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે. જોકે, આ દરમિયાન ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય અને પ્રસાદ વિતરણ પણ નહીં કરી શકાય. આ કાર્યક્રમ ફક્ત એક કલાક માટે જ યોજી શકાશે તેવી શરત પણ મૂકવામાં આવી છે. આ ઉપરાંત આ કાર્યક્રમ માટે તંત્રની મંજૂરી લેવી પણ આવશ્યક છે. રાજ્ય સરકારે જે સૂચનો આપ્યા છે તેનો અમલ આગામી 16મી ઓક્ટોબરથી કરવાનો રહેશે.

આ છે સરકારની ગાઇડલાઇન્સના મહત્વના મુદ્દાઓ:



  • નવરાત્રી દરમિયાન રાજ્યમાં કોઈપણ ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહીં, એટલે કે રાજ્યમાં જાહેર કે શેરી ગરબા સહિત કોઈપણ પ્રકારના ગરબા યોજી શકાશે નહીં
  • નવરાત્રી દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/ મૂર્તિની સ્થાપના અને પૂજા-આરતી કરી શકાશે, પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે પ્રસાદ વિતરણ પણ નહીં કરી શકાય
  • ગરબી/ મૂર્તિની સ્થાપના માટે સ્થાનિક વહીવટીતંત્રની મંજૂરી લેવી આવશ્યક રહેશે
  • 200થી વધુ વ્યક્તિ એકત્રિત થઈ શકશે નહીં તેમજ આ કાર્યક્રમનો સમય એક કલાકનો જ રહેશે, તમામ એસઓપીનું પાલન અવશ્ય કરવાનું રહેશે
  • કન્ટેન્ટમેન્ટ ઝૉન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક સમારોહનાં આયોજનમાં પણ કેટલીક ચોક્ક્સ શરતોને આધીન પરવાનગી અપાશે
  • છ ફૂટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સ અને એ માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે
  • સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને ઢાંકવું/માસ્ક પહેરવું ફરજિયાત રહેશે
  • થર્મલ સ્કેનર, સેનિટાઇઝર સાથે ઓકસી મીટરની સુવિધા તેમજ સ્ટેજ, માઇક, ખુરશીને સમયાંતરે સેનિટાઇઝ કરવાનાં રહેશે
  • તમામ કાર્યક્રમો દરમિયાન તબીબી સુવિધાઓ ત્વરાએ ઉપલબ્ધ થાય એનો જરૂરી પ્રબંધ પણ કરવાનો રહેશે
  • સમારંભ દરમિયાન થૂંકવા તેમજ પાન-મસાલા, ગુટખા સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે
  • આ સૂચનાઓનો ભંગ થવાના કિસ્સામાં સંબંધિત સ્થળ-સંચાલક, આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
  • દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, બેસતા વર્ષ-નૂતન વર્ષના સ્નેહમિલન, ભાઈબીજ-શરદપૂર્ણિમા જેવા ઉત્સવો-પૂજા ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે કરવા સલાહભર્યું છે
  • મેળા, રેલી, પ્રદર્શનો, રાવણદહન, રામલીલા, શોભાયાત્રા જેવા સામૂહિક કાર્યક્રમો કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય એના પર પ્રતિબંધ રહેશે
  • 65થી વધુ વયના વયસ્ક નાગરિકો, 10 વર્ષથી નીચેની વયનાં બાળકો, સગર્ભા માતાઓ તેમ જ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિઓ આવા સમારંભોમાં ભાગ ન લે એ હિતાવહ છે
  • જો આવા સમારંભો હોલ, હોટલ, બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ, જ્ઞાતિ સમાજોની લગ્નવાડી, ટાઉન હોલ કે અન્ય બંધ સ્થળે યોજવામાં આવે ત્યારે આવા સ્થળની કેપેસિટીના 50 ટકા કે વધુમાં વધુ 200 વ્યક્તિની મર્યાદામાં જ યોજી શકાશે
  • લગ્ન-સત્કાર સમારંભ જેવી ઉજવણીમાં 100 વ્યક્તિ ભાગ લઈ શકશે
  • મૃત્યુ બાદની અંતિમક્રિયા - ધાર્મિક વિધિમાં મહત્તમ 100 વ્યક્તિની મર્યાદા રહેશે

નોંધનીય છે કે, રાજ્ય સરકારે જે સૂચનો આપ્યા છે તેનો અમલ આગામી 16મી ઓક્ટોબરથી કરવાનો રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

09 October, 2020 11:05 AM IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK