ટૅબ્લેટના ભાવના મુદ્દે વિધાનસભામાં CM અને ધાનાણી વચ્ચે થઈ બોલાચાલી

Published: 4th March, 2020 12:12 IST | Gandhinagar

ગુજરાત વિધાનસભામાં વિદ્યાર્થીઓને ટૅબ્લેટ આપવાના ભાવ વિશે ફરી એક વાર સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપબાજીઓ થતાં ગૃહમાં હંગામો મચી ગયો હતો.

પરેશ ધાનાણી
પરેશ ધાનાણી

ગુજરાત વિધાનસભામાં વિદ્યાર્થીઓને ટૅબ્લેટ આપવાના ભાવ વિશે ફરી એક વાર સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપબાજીઓ થતાં ગૃહમાં હંગામો મચી ગયો હતો. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટૅબ્લેટનો મામલો ઊભો કરતાં મુખ્ય પ્રધાને વળતો જવાબ આપ્યો કે તમે જે આક્ષેપ કર્યો હતો કે ૧૪૦૮ રૂપિયામાં ટૅબ્લેટ મળે છે કે નહીં એનો ખુલાસો કરો પછી ચર્ચા કરો. મુખ્ય પ્રધાનના જવાબથી વિપક્ષના સભ્યો ઊભા થઈ ગયા હતા અને ગૃહમાં હોબાળો મચાવી દીધો હતો.

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ બાદ પરેશ ધાનાણીએ ટૅબ્લેટ વિશે પોતાનો ખુલાસો રજૂ કરવાની માગ કરી હતી અને ગૃહમાં બેઠેલા તમામ સભ્યો સમક્ષ ઉલ્લેખ કર્યો હતો કે આ મુદ્દે મુખ્ય પ્રધાને મને ખુલાસો કરવા માટે સમય આપ્યો હતો તેમ કહી સરકાર પર ફરી આક્ષેપ કર્યો હતો કે આ ખરીદીમાં રાજ્ય સરકારે ૮૬૪ કરોડ રૂપિયા વધારાના ચૂકવ્યા છે.

બીજી તરફ વિજયભાઈ રૂપાણીને પરેશ ધાનાણીને સ્પષ્ટ સંભળાવ્યું હતું કે વિપક્ષી નેતા સ્પષ્ટતા કરવાને બદલે ગૃહને ગેરમાર્ગે દોરે છે. તેમણે તો માત્ર એટલી જ સ્પષ્ટતા કરવાની છે કે તેમણે કરેલો આક્ષેપ તો સાચો છે કે ખોટો.

એટલો જ ખુલાસો ગૃહમાં કરે એવી માગ વિજયભાઈએ કરતાં ગૃહમાં ‘પરેશભાઈ માફી માગો માફી માગો’ના નારા બીજેપીના સભ્યોએ શરૂ કરતાં ગૃહમાં હોબાળો મચ્યો હતો.

મારી ભૂલ થતી હોય તો હું માફી માગવા તૈયાર છું: ધાનાણી

નીતિન પટેલે જણાવ્યું હતું કે સરકારને બદનામ કરવા ખોટું બોલે છે એટલે તેમણે માફી માગવી જોઈએ એમ કહી પરેશ ધાનાણીને જણાવ્યું હતું કે ગૃહમાં તમામ સભ્યો વચ્ચે દિલગીરી વ્યક્ત કરી દો. જોકે તેમના આ નિવેદનથી પરેશ ધાનાણીએ સ્પષ્ટતા કરી હતી કે મારી ભૂલ થતી હોય તો હું માફી માગવા તૈયાર છું એમ કહેતાં અમિત ચાવડા પરેશ ધાનાણીના બચાવમાં આવી ગયા હતા અને સ્પષ્ટતા કરી હતી કે તમામ પ્રકારની ચકાસણી અધ્યક્ષ કરે અને ત્યાર બાદ નિર્ણય કરે એવી અપીલ કરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK