Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈની ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર અમદાવાદમાં લેશે દીક્ષા

મુંબઈની ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર અમદાવાદમાં લેશે દીક્ષા

28 January, 2020 10:08 AM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

મુંબઈની ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર અમદાવાદમાં લેશે દીક્ષા

માતા મીનાબહેન અને પિતા પારસભાઈ સાથે ઉષ્મા મંડલેચા.

માતા મીનાબહેન અને પિતા પારસભાઈ સાથે ઉષ્મા મંડલેચા.


મુંબઈના કલ્યાણમાં રહેતી અને અન્ડર 19 વુમન ક્રિકેટની ઇન્ડિયન ટીમમાં એક સમયે મીડિયમ પેસર તરીકે ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ સહિત ૮ દેશો સામે મૅચ રમનાર અને બે વાર હૅટ-ટ્રિક વિકેટ ઝડપનાર ૩૨ વર્ષનાં ઉષ્મા પારસભાઈ મંડલેચા અમદાવાદમાં દીક્ષા ગ્રહણ કરશે. આવતી કાલે બુધવારે અમદાવાદમાં વર્ષીદાન યાત્રા નીકળશે.

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આચાર્યદેવ શ્રીમદ વિજયમુક્તિપ્રભસૂરીશ્વરજી મ.સા. સહિત અનેક સાધુ–સાધ્વીજીઓની નિશ્રામાં ગુરુવારે યોજાનાર દીક્ષા મહોત્સવમાં મુંબઈના ૮ મુમુક્ષુઓ સહિત ૨૨થી વધુ મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરશે, જેમાં કલ્યાણમાં રહેતી ઉષ્મા મંડલેચા પણ દીક્ષા લેશે.



અમદાવાદ આવેલાં એક સમયનાં મહિલા ક્રિકેટર ઉષ્મા મંડલેચાએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘ઇન્ટર કૉલેજ, ડિસ્ટ્રિક્ટ લેવલ તેમ જ મહારાષ્ટ્ર અને વેસ્ટ ઝોનની મહિલા ક્રિકેટ ટીમમાંથી તેમ જ અન્ડર 19ની ઇન્ડિયન ટીમમાંથી હું મીડિયમ પેસર તરીકે ક્રિકેટ રમતી હતી. હું ઇંગ્લૅન્ડ, પાકિસ્તાન, ઑસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, ન્યુ ઝીલૅન્ડ, બંગલા દેશ, ફિનલૅન્ડ તેમ જ આયરલૅન્ડ ટીમ સામે મીડિયમ પેસર તરીકે તેમ જ મિડલ ઑર્ડરમાં એક ખેલાડી તરીકે બૅટિંગ કરતી હતી. અન્ડર 19 ટીમમાંથી રમતાં પુણેના નેહરુ સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ સામે હૅટ-ટ્રિક વિકેટ ઝડપી હતી આ ઉપરાંત સાઉથ આફ્રિકા સામેની મૅચમાં પણ હૅટ-ટ્રિક વિકેટ ઝડપી હતી.’


ક્રિકેટ રમતાં રમતાં પોતાના જીવનમાં આવેલા ટર્નિંગ પૉઇન્ટની વાત કરતાં ઉષ્મા મંડલેચાએ કહ્યું હતું કે ‘એક મૅચ બાદ ઘરે આવી ત્યારે મમ્મીએ મને આશીર્વાદ લેવા મોકલી હતી અને મારા જીવનમાં ટર્ન આવ્યો. હું એક વખત ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેની મૅચ રમીને ઘરે આવી હતી ત્યારે મારાં મમ્મી મીનાબહેને મને મંદિરે જઈને ભગવાનનાં દર્શન કરવા અને આશીર્વાદ લેવા જવા કહ્યું હતું તેમ જ ઉપાશ્રયમાં સાધ્વીજી ભગવંતના પણ આશીર્વાદ લેવા માટે પણ કહ્યું હતું. હું ત્યાં દર્શન કરવા ગઈ ત્યારે ભગવાનને જોઈને અલગ અનુભૂતિ થઈ.

સાધ્વી ભગવંતના પાસે ગઈ તો વાતાવરણ કંઈક અલગ જ હતું. શાંતિપૂર્ણ અને પવિત્ર વાતાવરણ હતું. તેમનું જીવન કેટલું શાંત છે, કંઈ નહીં હોવા છતાં પણ ગુરુ ભગવંતોનો આનંદ મારા હૃદયને સ્પર્શી ગયો. આપણી પાસે ઘણું બધું હોવા છતાં સમાધાન અને સંતોષ જીવનમાં નથી. આ વાતથી જૈન ધર્મ અને સંયમ જીવન તરફ લગાવ થયો. મને ૨૨ વર્ષની ઉંમરથી દીક્ષાભાવ છે. સાધ્વીજી ભગવંતોના આનંદનો અનુભવ કર્યો અને એના કારણે હું આ માર્ગ ઉપર ચાલી નીકળી.’


બીએમસીસી કૉલેજમાંથી બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશનમાં ગ્રૅજ્યુએટ થયેલા અને હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, મરાઠી, રાજસ્થાની, સંસ્કૃત અને પ્રાકૃતમાં પારંગત એવા ઉષ્મા મંડલેચાએ કહ્યું હતું કે ‘મેં જૈનિઝમનો અભ્યાસ કર્યો છે. સાધુ – સાધ્વીજી ભગવંતો સાથે અભ્યાસ કરાવતા સત્સંગ થયો અને જીવનનો માર્ગ દેખાયો.’

પોતાના પિતાના જ્વેલરી બિઝનેસમાં રીટેલ – સેલ્સ ડિપાર્ટમેન્ટનું કામકાજ સંભાળતા ઉષ્મા મંડલેચાના પિતા પારસભાઈ મંડલેચાએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘ઉષ્માએ એજ્યુકેશન અને સ્પોર્ટ્સમાં સારી ઉપલબ્ધિ મેળવી હતી છતાં પણ ધર્મની સમજણ મેળવી એના પરિણામે વૈરાગ્ય ઊભો થયો અને તેણે નિર્ણય કર્યો એ સાચો અને સારો છે.’

આ પણ વાંચો : એસીપી તરીકે બાકી રહેલું કામ આઇપીએસ વિધિ ચૌધરીએ ડીસીપી બની પૂરું કર્યું

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં યોજાનારા દીક્ષા મહોત્સવમાં મુંબઈના ૮ મુમુક્ષુઓ પૈકી એક જ પરિવારના ચાર સભ્યો માતા – પિતા અને ભાઈ – બહેન દીક્ષા લેશે જેમાં સંદીપ જૈન, તેમનાં પત્ની સેજલબહેન અને તેમનાં દીકરા – દીકરી વજ્રકુમાર અને લબ્ધિ દીક્ષાગ્રહણ કરશે. આ ઉપરાંત મુંબઈના ધીરકુમાર જૈન, પ્રિયાંશી જોગાતર અને ચારુબહેન દોશી પણ દીક્ષા લેશે.

Whatsapp-channel Whatsapp-channel

28 January, 2020 10:08 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK