રાજ્યમાં ભરઉનાળે અષાઢી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત

કચ્છ | Apr 16, 2019, 08:25 IST

ભુજ, કંડલા સહિત આસપાસના વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો, કેરીના પાકને નુકસાન, સૌરાષ્ટ્રનાં વિવિધ શહેરોમાં સવારથી જ આકાશમાં વાદળા સાથે ધૂળિયું વાતાવરણ

રાજ્યમાં ભરઉનાળે અષાઢી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત
ખેડૂત

કાળઝાળ ગરમીનો માહોલ વચ્ચે સોમવારે સવારથી જ સૌરાષ્ટ્ર તથા કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગાંધીધામ ભુજ કંડલા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વાવાઝોડા જેવો પવન ફૂંકાવા લાગ્યો છે. કેટલાક વિસ્તારોમાં માવઠું પડયું છે. જ્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં સવારથી જ વાદળા સાથે ધૂળિયું વાતાવરણ છવાઈ ગયું છે. જેના લીધે ઉનાળે અષાઢી માહોલ સર્જા‍યો હોય તેવી સ્થિતિ જોવા મળે છે.

છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર કચ્છ ગરમી કાળઝાળ બની હતી. આ સ્થિતિ વચ્ચે સોમવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે કચ્છમાં મીની વાવાઝોડા જેવો માહોલ સર્જા‍યો હતો. જેના કારણે અરબી સમુદ્રમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેની અસરથી ગાંધીધામ, કંડલા, ભુજ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. કેટલા પંથકમાં માવઠુ પડ્યાના અહેવાલો છે.

અરબી સમુદ્રમાં લો-પ્રેશરની સિસ્ટમ સર્જા‍તાં અચાનક હવામાન પલટાયું છે. અમદાવાદમાં સવારથી આંશિક વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાતા લોકોએ આકરી ગરમીમાં રાહત મેળવી હતી. જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડમાં સોમવારે સવારે કમોસમી વરસાદ પડવાથી કેરીના પાકને નુકસાન થતા ખેડૂત આલમ ચિંતાતૂર બન્યો હતો.

અમદાવાદમાં સોમવારે અરબી સમુદ્રમાં ઉદ્દભવેલી લો-પ્રેશર સિસ્ટમના કારણે હવામાનમાં આંશિક ઠંડક પ્રસરી ગઇ હતી. સવારના આઠ વાગ્યાથી સૂર્યનારાયણનો આકરો તાપ અનુભવતા નાગરિકોએ વાદળછાયા વાતાવરણના કારણે રાહત અનુભવી હતી. જોકે સવારે શહેરનું લઘુતમ તાપમાન ર૬.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું કે જે સામાન્ય તાપમાન કરતા ત્રણ ડિગ્રી વધુ હતું. આગામી ૪૮ કલાક દરમ્યાન હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડે તેવી આગાહી કરાઇ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ હવામાન વિભાગ દ્વારા અપાઇ છે.

સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત વિવિધ શહેરોમાં પણ સવારથી આકાશમાં વાદળો છવાઈ ગયા હતા. જેના કારણે ઝાંખો સૂર્યપ્રકાશ વર્તાતો હતો તો ધુળિયુ વાતાવરણ સર્જા‍યું હતું.

જામનગરના વાતાવરણમાં સવારથી જ પવનની ગતિ સાથે વાતાવરણમાં ફેરફાર થયો છે. પવનની ગતિને લઇને વાહન ચાલકોને પણ પરેશાની પડી હતી.

મોરબી જિલ્લામાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા અંધારપટ જેવો માહોલ છવાયો છે. ચોમાસા જેવો ઠંડો ફેકવા લગાતા લોકોને ગરમીમાં રાહત મળી હતી.

આ પણ વાંચો : સરદાર પટેલ ન હોત તો સોમનાથ પાકિસ્તાનનો હિસ્સો હોત: શાહ

વાતાવરણમાં અચાનક પલટો આવવાને કારણે તાપી જિલ્લામાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. જિલ્લાના વ્યારા, કપુરા,ડોલવણ ,વાલોડ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. અતિશય પડી રહેલી ગરમીમાંથી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અને લોકોને ગરમીથી રાહત મળી હતી.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK