ગુજરાતના ઇલેક્શનમાં કૉન્ગ્રેસ પાસે ૧૫ બેઠકોની શરદ પવારની માગણી

Published: 11th October, 2012 06:01 IST

ગઈ કાલે વડોદરામાં યોજાયેલા રાષ્ટ્રીય અધિવેશનમાં એનસીપીએ મૂકેલી શરત નહીં સ્વીકારાય તો ૧૮૨ બેઠકો પર ઉમેદવારો ઉતારવાની તૈયારીગુજરાત વિધાનસભાના ઇલેક્શનમાં બીજેપી, કૉન્ગ્રેસ અને જીપીપીની સાથે હવે એનસીપી પણ પૂરેપૂરું ઝુકાવે એવી સંભાવના છે. જોકે આ સંભાવના સાચી પુરવાર કરવી કે પછી સેટલમેન્ટ કરવું એ કૉન્ગ્રેસના હાથમાં છે. બન્યું છે એવું કે એનસીપીએ કૉન્ગ્રેસ પાસે શરત મૂકી છે કે જો ગઠબંધનમાં ગુજરાતમાં લડવું હોય તો ગુજરાતની વિધાનસભાની ૧૮૨ બેઠકમાંથી એનસીપીને કુલ ૧૫ સીટ આપવી પડશે અને કૉન્ગ્રેસે ૧૬૭ બેઠક પર પોતાના ઉમેદવાર રાખવા પડશે. ગઈ કાલે એનસીપીના રાષ્ટ્રીય અધિવેશન માટે વડોદરા આવેલા એનસીપીના પ્રેસિડન્ટ અને કેન્દ્રીય કૃષિપ્રધાન શરદ પવારે કહ્યું હતું કે ‘જો કૉન્ગ્રેસ ૧૫

સીટ આપવા તૈયાર ન હોય તો એનસીપી એકલા હાથે ૧૮૨ બેઠક પર ઇલેક્શન લડવા તૈયાર છે, કૉન્ગ્રેસ અમારો સામનો કરવા તૈયાર રહે.’

૨૦૦૭ની વિધાનસભાના ઇલેક્શનની શરૂઆતના દિવસોમાં કૉન્ગ્રેસ એનસીપીને બેઠક આપવા તૈયાર નહોતી; પણ છેવટે પાર્ટીએ ૧૦ બેઠક એનસીપીને આપવી પડી હતી, જેમાંથી એક પણ બેઠક એનસીપીને મળી નહોતી. એમ છતાં પણ આ વખતે એનસીપીએ ૧૦ને બદલે ૧૫ બેઠક માગી છે.

ગઈ કાલના અધિવેશનમાં એનસીપીના પ્રમુખપદની વરણી કરવામાં આવી હતી, જે માત્ર પાંચ મિનિટમાં પૂરી થઈ હતી અને ફરી એક વાર આવતાં ત્રણ વર્ષ માટે શરદ પવારને એનસીપીના પ્રેસિડન્ટ પસંદ કરવામાં આવ્યા હતા.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK