Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રાજકોટ (પૂર્વ)ની બેઠક પર બે વેવાઈ છે આમને-સામને

રાજકોટ (પૂર્વ)ની બેઠક પર બે વેવાઈ છે આમને-સામને

10 December, 2012 05:57 AM IST |

રાજકોટ (પૂર્વ)ની બેઠક પર બે વેવાઈ છે આમને-સામને

રાજકોટ (પૂર્વ)ની બેઠક પર બે વેવાઈ છે આમને-સામને





નવા સીમાંકન મુજબ રાજકોટ-૧ બેઠક હવે રાજકોટ (પૂર્વ) બની છે. આ બેઠકની સૌથી મોટી વિશેષતા એ છે કે આ બેઠક પરથી એક પણ ઉમેદવાર ક્યારેય રિપીટ નથી થયો. આ બેઠક છેલ્લી ચાર ટર્મથી બીજેપી પાસે રહી છે. એક સમય હતો કે જ્યારે આ બેઠક પરથી લડનારાઓ વિધાનસભામાં મહત્વના પદ પર બિરાજે એવી માન્યતા હતી. રાજકોટના રાજવી મનોહરસિંહ જાડેજા, બીજેપીના કેશુભાઈ પટેલ અને ચીમનભાઈ શુકલ જેવી હસ્તીઓ આ બેઠક પરથી ઇલેક્શન લડીને મહત્વના પદ પર પહોંચી હોવાથી આવી માન્યતા સર્જાઈ હોઈ શકે છે. આ વખતે આ બેઠક પરથી કૉન્ગ્રેસે ગુજરાતના સૌથી શ્રીમંત એવા ઇન્દ્રનિલ રાજ્યગુરુને ટિકિટ આપી છે તો તેમની સામે જનસંઘ, આરએસએસ અને બીજેપીના એક સમયના થિન્ક ટેન્ક ગણાતા ચીમન શુક્લના દીકરા કશ્યપ શુક્લને ટિકિટ આપવામાં આવી છે. બન્ને બળિયા છે અને બન્ને મનીપાવર, મસલપાવરમાં પૂરતા છે અને એમ છતાં પણ રાજકોટ (પૂર્વ)ની આ બેઠક પર સંયમથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ સંયમ પાછળનું કારણ એ છે કે રાજ્યગુરુ અને શુક્લ બન્ને એકબીજાના વેવાઈ છે. કશ્યપ શુક્લનાં બહેન કાશ્મીરા નથવાણીના દીકરા સાથે ઇન્દ્રનીલ રાજ્યગુરુની બહેનની દીકરીનાં મૅરેજ થયાં છે. કશ્યપ શુક્લ કહે છે, ‘ઇલેક્શન ડિક્લેર થયા પછી કોઈ એવો પ્રસંગ નથી બન્યો કે અમારે એક ઘરે ભેગા મળવાનું હોય, પણ જો એવું બનશે તો અમે એકબીજાની બાજુમાં ઊભા રહેતાં સહેજ પણ ખચકાઈશું નહીં. રાજકારણ અમારું પૅશન છે અને રિલેશનશિપ અમારી જવાબદારી છે.’

રાજકોટ (પૂર્વ)ની બેઠકમાં કુલ ૨,૧૦,૧૭૨ મતદારો છે જેમાં લેઉવા પટેલ, કોળી, દલિત અને મુસ્લિમ મતદારો ૩૦,૦૦૦થી ૩૨,૦૦૦ વચ્ચે એટલે કે લગભગ સમાન વસ્તી ધરાવે છે તો ૨૫,૦૦૦ ક્ષત્રિય મતદારો પણ વોટિંગમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ બેઠક પર આ વખતે જીત માટે કૉન્ગ્રેસ મુશ્તાક છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ કહે છે કે ‘મને નવ મહિના પહેલાંથી જ કહી દેવામાં આવ્યું હતું કે આ વિસ્તારની તમારી ટિકિટ કન્ફર્મ છે એટલે મેં પહેલેથી તૈયારી શરૂ કરી દીધી હતી. મારી તૈયારીઓ વોટિંગમાં સ્પષ્ટ દેખાઈ આવશે.’

કશ્યપ શુક્લ ઇન્દ્રનીલ રાજ્યગુરુ સામે નબળો પડતો હોવાના રિપોર્ટ મળ્યા પછી નરેન્દ્ર મોદીએ પોતાનો આખો રૂટીન પ્લાન બદલીને ગુરુવારે આ વિસ્તારમાં જાહેર સભા કરવા આવવું પડ્યું હતું. બીજેપીના એક સિનિયર નેતાએ કહ્યું હતું કે એ સમયે નરેન્દ્ર મોદીએ કશ્યપ શુક્લને કહ્યું હતું કે સંબંધોની શરમ ઘરે રાખવાની.

મજાની વાત એ છે કે કશ્યપ શુક્લની સગી બહેન કાશ્મીરા નથવાણી કૉન્ગ્રેસ સાથે છે. આ અગાઉ ૧૯૯૮, ૨૦૦૨ અને ૨૦૦૭માં કાશ્મીરા નથવાણી (કૉન્ગ્રેસ) રાજકોટ-૨ની બેઠક પર વજુભાઈ વાળાની સામે ઉમેદવારી નોંધાવી ત્રણ વાર હાર ખમી ચૂક્યાં છે. કૉન્ગ્રેસ હાઈ કમાન્ડે ત્રણ વખત હારનારા ઉમેદવારોને ટિકિટ નહીં આપવાનો નર્ણિય કર્યો હોવાથી આ વખતે કાશ્મીરા નથવાણીને વજુભાઈ સામે ટિકિટ આપવાને બદલે ઇન્દ્રનીલ રાજ્યગુરુને જિતાડવાની જવાબદારી આપવામાં આવી છે. પક્ષના ઉમેદવારને જિતાડવાનો સીધો અર્થ એવો પણ છે કે સગા નાના ભાઈને હરાવવો. આમ, એકબીજા વેવાઈ વચ્ચેનો જંગ છે તો બીજી તરફ ભાઈ અને પક્ષ પ્રત્યેની દ્વિધા પણ આ બેઠક પર સતત ઝળૂંબ્યા કરે છે.

બીજેપી = ભારતીય જનતા પાર્ટી


Whatsapp-channel Whatsapp-channel

10 December, 2012 05:57 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK