ગુજરાતના વિકાસ વિશે વાદવિવાદ

Published: 8th October, 2011 17:42 IST

અમદાવાદ : ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત સરકારે શાંતિ, વિકાસ અને સદ્ભાવનાથી સીમાચિહ્નરૂપ વિકાસગાથા આલેખી છે અને નરેન્દ્ર મોદીએ ૧૦ વર્ષ સુધી વિકાસની ચોક્કસ દિશા સાથે ગુજરાતને સફળ નેતૃત્વ આપ્યું છે જેને પરિણામે દેશ-વિદેશમાં ગુજરાતના વિકાસની ચર્ચા છે એમ બીજેપીના રાષ્ટ્રીય-ઉપાધ્યક્ષ પરસોતમ રૂપાલાએ કહ્યું હતું.વિરોધીઓની વાતોનો છેદ ઉડાડતાં પરસોતમ રૂપાલાએ કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસના મિત્રો અને ઘણા લોકો કહે છે, પરંતુ અમે પણ એ વાત કહીએ છીએ કે ગુજરાતનો વિકાસ પહેલેથી જ હતો. અમે કાલે આવીને કર્યું છે એવું નથી કહેતા, પરંતુ અમે નવું જે કર્યું છે એ કહીએ છીએ.’

આ દસકામાં કૃષિક્ષેત્રે વિકાસ થયો, કૃષિમહોત્સવથી ગુજરાતના ખેડૂતોને જાગ્રત કર્યા. બીટી કૉટન માટે સત્તાવાર માન્યતા બિયારણ વાવવા મેળવી, જેને પરિણામે પચીસ લાખની જગ્યાએ આજે એક કરોડ પચીસ લાખ ગાંસડીનું ઉત્પાદન થાય છે. આજે વિદેશના માર્કેટમાં ‘ગુજરાતનું કૉટન જોઈએ છે’ એવી માગણી થાય છે એ ક્વૉલિટીને કારણે લોકો બોલતા થયા છે. ગુજરાતના સરકારી કર્મચારીઓને માટે ૨૨૫૦ કરોડ મંજૂર કર્યા. સરકાર સાથે લોકભાગીદારીનાં કામો કયાર઼્, રોજગારી આપવામાં દેશમાં કુલ રોજગારીના ૭૦ ટકા રોજગારી આપવાનો ગુજરાતનો નંબર છે. ઑટોક્ષેત્રે ગુજરાત હવે હબ બની રહ્યું છે. શિક્ષણમાં વિદ્યાસહાયકો, ગરીબ કલ્યાણ મેળા, વાઇબ્રન્ટ તાલુકો, ઈ ગ્રામ સહિતના જનલક્ષી પ્રકલ્પો અમલમાં મૂકીને વિકાસનાં ફળ છેવાડાના માનવી સુધી પહોંચાડી એકાત્મ માનવવાદને સરકારે સાર્થક કર્યો છે. વિકાસનો એક દસકો નરેન્દ્ર મોદીએ સફળતાપૂર્વક પૂરો કર્યો છે અને નવા યશસ્વી દસકાનું પ્રસ્થાન શરૂ થયું છે.

છેતરવાનું બંધ કરો : કૉન્ગ્રેસ

અમદાવાદ: ગુજરાત સરકારે ૧૦ વર્ષની ઉજવણી નિમિત્તે વિકાસની વાતોનો આધાર લીધો છે એમાં ૧૦ વર્ષમાં ગુજરાતમાં કોઈ પણ ક્ષેત્રમાં એના વિકાસનો રેશિયો અને ગતિ ઘટ્યાં છે, વધ્યાં નથી. આ વાણી-વિલાસ છે, વિકાસ નથી એવા આક્ષેપ સાથે ગુજરાત કૉન્ગ્રેસ ચૂંટણી કૅમ્પેન સમિતિના ચૅરમૅન શંકરસિંહ વાઘેલાએ ગુજરાત સરકારની જાહેરાતોને છેતરામણી ગણાવતાં કહ્યું હતું કે લોકોને છેતરવાનું ઉપવાસ પછી તો બંધ કરો.

ગુજરાત સરકાર સામે પ્રહારો અને આક્ષેપ કરતાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ‘ગુજરાત સરકાર નિષ્ફળતાને વરી છે, પ્રજાના ખર્ચે પોતાની કહેવાતી લોકપ્રિયતા ટકાવી રાખવાના એ પ્રયાસો કરી રહી છે. ગુજરાત સરકારે કર્મચારીઓ માટે જે પૅકેજ જાહેર કર્યું હતું એ મોટું ગપ્પું છે, કોઈ પૅકેજ નથી. જે વાયદા કર્યા હતા એ અને હાઈ ર્કોટે જે આદેશ કર્યા હતા એ સિવાય નવું કશું નથી. લેબર કૉન્ટ્રૅક્ટ સિવાય છેલ્લા દસકામાં એક પણ ભરતી નથી કરી. આમ ને આમ ચાલશે તો ૨૦૧૫માં ગુજરાત સચિવાલયમાંથી એક લાખ કર્મચારીઓ છૂટા થઈ જશે.

એક તબક્કે તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે આઉટસોર્સિંગમાં ટેવાયેલી આ સરકારની આવતા દિવસોમાં વર્ગ-૩ અને ૪ના કર્મચારીઓનું આઉટસોર્સિંગનું કામ રિલાયન્સને સોંપી દેવાની ચાલ છે. વિદ્યાસહાયકની મશ્કરી સમાન પગારનાં ધોરણો છે. ૨૦૦૦ પછી ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ રેટ ઘટ્યો છે. કપાસ સિવાય ઍિગ્રકલ્ચર ગ્રોથ ઘટ્યો છે. ઇન્ડસ્ટ્રિયલ ગ્રોથ ૧૪થી ૧૫ ટકા ઍવરેજ ગ્રોથ હોય છે. છેલ્લાં ૧૦ વર્ષમાં ૫૨,૦૦૦ને પણ નોકરી નથી આપી શક્યા અને ૧૦ લાખથી વધુ લોકો બેકાર છે ત્યારે ગુજરાત સરકારે નોકરીમાં વયમર્યાદા ૪૦થી ૪૫ વર્ષની કરવી જોઈએ એવી માગણી કરી હતી.

ખામીઓ શોધવાનું કામ કૉન્ગ્રેસનું

પત્રકારોના પ્રશ્નોના ઉત્તર આપતાં બીજેપીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરસોતમ રૂપાલાને જ્યારે એમ પ્રશ્ન પુછાયો કે દસ વર્ષમાં મુખ્ય પ્રધાનની ખામીઓ કઈ છે? ત્યારે તેમણે એમ જવાબ આપ્યો હતો કે મુખ્ય પ્રધાનની ખામીઓ શોધવાનું એક આખું કામ ચાલે છે એમ કહીને નામ લીધા વગર કૉન્ગ્રેસ તરફ ઇશારો કર્યો હતો.

છેલ્લાં ૧૦ વર્ષમાં આપને કઈ ભૂલો લાગે છે? મુખ્ય પ્રધાનની દસ મોટી નિષ્ફળતાઓ કઈ છે? આ પ્રશ્નોના ઉત્તરમાં ગોળ-ગોળ વાતો કરીને જવાબ આપવાનું ટાળવાની કોશિશ પરસોતમ રૂપાલાએ કરી હતી. જોકે તેમણે એમ કહ્યું હતું કે ભૂલો એને કહેવાય કે ભૂલ થયા પછી સુધારવાનો પ્રયાસ ન થાય.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK