Vayu Cyclone: NDRFની બાવન ટીમ રાહત અને બચાવકાર્ય માટે ગુજરાતમાં તહેનાત

Published: Jun 13, 2019, 08:20 IST | ગાંધીનગર

૧૦ જિલ્લા અને ૩૧ તાલુકાઓમાં ૬૦ લાખ લોકો થશે પ્રભાવિત: વાવાઝોડાના સમય અને દિશામાં ફેરફાર, વહેલી સવારને બદલે બપોરે તેમ જ વેરાવળને બદલે પોરબંદરમાં ત્રાટકવાની વકી

NDRFની બાવન ટીમ ગુજરાતમાં તહેનાત
NDRFની બાવન ટીમ ગુજરાતમાં તહેનાત

બચાવ કામગીરીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોમાંથી ત્રણ લાખ જેટલા લોકોનું સ્થળાંતર કરાયું, દરિયાકાંઠાના વિસ્તારોમાંથી મોટા પાયે સ્થળાંતર: એનડીઆરએફ, આર્મી અને બીએસએફના જવાનોએ મોરચો સંભાળ્યોઃ રાજ્યભરમાં એનડીઆરએફની કુલ ૩૬ ટીમ ખડેપગે તૈયાર રહી, ૧૫મીએ દ્વારકાના દરિયામાં સમાઈ જશે, વેરાવળથી દીવની પટ્ટી પર સૌથી વધુ ખરાબ અસર થશે.

ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાનો ભય ફેલાયો છે ત્યારે આ વાવાઝોડાની દિશા અને સમય બન્નેમાં ફેરફાર થયો હોવાનું હવામાન વિભાગનું કહેવું છે. નવી આગાહી મુજબ આ વાવાઝોડું વહેલી સવારને બદલે બપોરે તેમ જ વેરાવળને બદલે પોરબંદર પર ત્રાટકે એવી આગાહી કરાઈ છે. આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ગંભીર અસર કરી શકે છે. આવી રીતે વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ૧૬૫ કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ૪૮ કલાક સુધી ધમરોળશે અને ૧૫મીએ દ્વારકાથી બહાર નીકળી સમુદ્રમાં જ સમાઈ જશે.

અરબી સમુદ્રમાં વેરાવળથી ૩૪૦ કિલોમીટર દૂર વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું ગુજરાતમાં સૌપ્રથમ ૧૩ જૂને વહેલી સવારે ૩ વાગ્યે વલસાડને અસર કરીને પાંચ વાગ્યે ૧૬૫ કિલોમીટરની ઝડપે દીવ, ઊના, વણાકબારા, કોડીનાર, ગીર-સોમનાથ, તાલાલા, પીપાવાવમાં પ્રવેશ કરશે. સવારે ૮ વાગ્યા સુધીમાં વેરાવળ, માંગરોળ અને માળિયામાં ત્રાટકશે. વેરાવળમાં અસર કરતું વાવાઝોડું રાત્રે ૮ વાગ્યે ફરી માંગરોળમાં ત્રાટકશે. ત્યાર બાદ ૧૪મીએ સવારે ૩ વાગ્યે નવાબંદર, સવારે પાંચ વાગ્યે પોરબંદરમાં ત્રાટકશે. ૧૪મીએ સાંજે ૬ વાગ્યે વાવાઝોડું દ્વારકા પહોંચશે અને ૧૫મીએ વહેલી સવારે ૩ વાગ્યે ધીમે-ધીમે બહાર નીકળી જશે અને આખરે આ વાવાઝોડું ૧૬મીએ રવિવાર સાંજે સમુદ્રમાં શમી જશે.

સરકારની ગણતરી અને ધારણા છે કે વાયુ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના ૧૦ જિલ્લાના ૩૧ તાલુકામાં અસર થશે તેમ જ ૬૦ લાખથી વધુ લોકો વાવાઝોડાને કારણે પ્રભાવિત થશે. પોરબંદર, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, દ્વારકા, જામનગર, મોરબી, જૂનાગઢ, અમરેલી અને કચ્છ જિલ્લાની સ્કૂલ-કૉલેજો આજે અને આવતી કાલે બંધ રહેશે. વાયુ વાવાઝોડું જ્યારે ગુજરાતમાં ટકરાશે ત્યારે દરિયાઈ વિસ્તારોમાં ૮ ઇંચ વરસાદ થવાની સંભાવના છે.

તમામ જિલ્લામાં કન્ટ્રોલ રૂમો શરૂ કરી દેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે ભયસૂચક બે નંબરનાં સિગ્નલો લગાવી દેવામાં આવ્યાં છે. માંગરોળ તાલુકાનાં ૧૦ અને માળિયા તાલુકાનાં ૪ ગામોને અલર્ટ પર મુકાયાં છે. ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર પણ સાબદું કરવામાં આવ્યું છે. બંદરે બે નંબરનું સિગ્નલ લગાડી દેવાયું છે.

મુખ્ય મંત્રીએ માહિતી આપી કે હવાઈ સર્વિસ, બસ સર્વિસ અને રેલવે પણ દરિયાઈ કાંઠા પરથી પસાર થાય છે ત્યાં સ્થગિત કરી છે. વાયુ વાવાઝોડાને પગલે કેટલીક ટ્રેનો રદ કરાઈ છે. વેરાવળ, ઓખા, પોરબંદર, ભાવનગર અને ભુજ-ગાંધીધામ જતી ટ્રેનો કૅન્સલ કરાઈ છે. તમામ પૅસેન્જર તથા એક્સપ્રેસ ટ્રેનો રદ કરાઈ છે. સાંજે ૬ વાગ્યાથી ૧૪ જૂન સુધી વાવાઝોડાના પગલે તમામ ટ્રેનો રદ રહેશે.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડા અગાઉ ગાંધીનગર ખાતે સ્પેશ્યલ બેઠક બોલાવીને વાવાઝોડા પૂર્વેની તૈયારીની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ચીફ સેક્રેટરી જે. એન. સિંહ, મહેસૂલના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, ડીજી શિવાનંદ ઝા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા.

ગુજરાતના વેરાવળમાં વાવાઝોડું ત્રાટકવાનું છે, આ વાવાઝોડું હવે માત્ર ૩૫૦ કિલોમીટર દૂર છે ત્યારે રાજ્યભરમાં એની અસર દેખાવા માંડી છે. ગુજરાતમાં વાયુ વાવાઝોડાની અસરનો પ્રારંભ થઈ ચૂક્યો છે. એને પગલે રાજ્યના ૬ જિલ્લામાં વરસાદ પડ્યો છે. ૬ જિલ્લાના ૨૩ તાલુકામાં વરસાદ પડ્યો, જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડા વિસ્તારમાં ૨૮ મિમી એટલે કે એક ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદ તો કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો છે. રાજ્યભરમાં વરસાદી વાદળાંઓથી આકાશ છવાઈ ગયું હતુ.

વાયુના કારણે તમામ અધિકારીઓની રજા રદ, હેડ ક્વૉર્ટર નહીં છોડવાના આદેશ

સમગ્ર રાજ્યમાં વાવાઝોડાને લઈ અલર્ટ છે. સૌરાષ્ટ્ર અને કચ્છ પર વાવાઝોડાનો ખતરો છે. ત્યારે બનાસકાંઠા વહીવટી તંત્ર પણ વાવાઝોડાના ખતરાને પહોંચી વળવા સજ્જ થયું છે. તમામ અધિકારીઓની રજાઓ રદ કરી દેવાઈ છે અને જે-તે અધિકારીઓને હેડ ક્વૉર્ટર નહીં છોડવા પણ આદેશ કરાયા છે. બનાસકાંઠા જિલ્લો કચ્છની નજીક છે ત્યારે અહીં પણ વાવાઝોડાની અસર થઈ શકે છે. આથી કલેક્ટરના આદેશથી જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવાની કામગીરી હાથ ધરાઈ છે.

લશ્કરની ૩૪ ટીમો સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ રવાના

વાયુ નામની કુદરતી આફત ગુજરાત તરફ આગળ વધી રહી છે. જોકે વાવાઝોડાને પહોંચી વળવા માટે મુખ્ય મંત્રીની આગેવાનીમાં ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી, જે વિશે માહિતી આપતાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું કે રાજ્યમાં ૨.૯૧ લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

બેઠકમાં આગોતરી સાવચેતી ઉપરાંત રાહત બચાવની કામગીરીની સજ્જતા વિશે માહિતી આપી હતી, જેમાં સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા નૅશનલ ડિઝૅસ્ટર રેસ્ક્યુ ફોર્સ (એનડીઆરએફ)ની ૧૫ ટીમ ઉપલબ્ધ છે અને વધારાની ૨૦ ટીમ પુણે અને ભટ‌િંડાથી રવાના કરાઈ છે. આમ એનડીઆરએફની સૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારમાં ૩૫ ટીમ ખડેપગે રહેશે. એની સાથે-સાથે લશ્કરની ૩૪ ટીમોને સૌરાષ્ટ્ર-કચ્છ તરફ રવાના કરવામાં આવી છે. તેમ જ પાંચ લાખ ફૂડ પૅકેટ્‌સની પણ વ્યવસ્થા કરાઈ છે.

આ પણ વાંચો : વાવાઝોડું આવ્યું તો એની તીવ્રતાની અસર રહેશે બાર કલાક

ક્યાં કેટલી એનડીઆરએફની ટીમ તહેનાત રહેશે

પોરબંદર - ૩
જૂનાગઢ - ૩
ગીર સોમનાથ - ૫
અમરેલી - ૪
વલસાડ - ૧
સુરત - ૧
ભાવનગર - ૩
મોરબી - ૨
કચ્છ - ૨
જામનગર - ૨
દ્વારકા - ૩
રાજકોટ - ૪
ગાંધીનગર - ૧
વડોદરા - ૨

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK