એક વોટ કી કિંમત તુમ ક્યા જાનો...

Published: 21st February, 2021 08:15 IST | Rashmin Shah | Rajkot

આવું જો કોઈ તમને પૂછે તો તમારે તેને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું નામ આપવું. કોવિડની બીમારી વચ્ચે વિજયભાઈ આજે રાજકોટ જઈને વોટ આપી દેશના પહેલા એવા મુખ્ય પ્રધાન બનશે જેમણે કોવિડની બીમારીમાં પણ વોટિંગ કર્યું હોય

વિજય રૂપાણી
વિજય રૂપાણી

રવિવારે વડોદરામાં ચક્કર ખાઈને પડી ગયા પછી સોમવારે અમદાવાદની યુ. એન. મહેતા હૉસ્પિટલમાં કોવિડ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યા પછી હૉસ્પિટલાઇઝ્‍ડ થયેલા ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આજે રવિવારે સાંજે ૬ વાગ્યે રાજકોટની જીવનજ્ઞાન મંદિર સ્કૂલના વોટિંગ-બૂથમાં મતદાન કરશે. વિજયભાઈને કોવિડ હોવાથી તેઓ કોવિડની ગાઇડલાઇન્સને મતદાન વખતે અનુસરશે. આ જ કારણસર વિજયભાઈએ વોટિંગ માટેનો સમય પણ મોડો પસંદ કર્યો છે. વિજયભાઈ બૂથ પર પહોંચે ત્યાં સુધીમાં મૅક્સિમમ લોકોનું મતદાન પૂરું થઈ ગયું હોય અને વિજયભાઈ ઓછામાં ઓછા લોકોના સંપર્કમાં આવે. તેઓ પીપીઈ કિટ પહેરીને વોટિંગ કરશે અને વોટિંગ કરીને બહાર નીકળશે એ પછી તેઓ જ્યાંથી પસાર થયા હશે એ તમામ સ્થળને સૅનિટાઇઝ કરવામાં આવશે. વિજયભાઈ જે ઈવીએમમાં વોટિંગ કરશે એ મશીનને પણ સૅનિટાઇઝ કરવામાં આવશે.

સામાન્ય રીતે વિજય રૂપાણી સાથે સિક્યૉરિટી અને ઑફિસ સ્ટાફ સહિતનો બાવીસ વ્યક્તિનો કાફલો હોય છે, પણ અત્યારે તેઓ કોવિડના પેશન્ટ હોવાથી આ કાફલામાં ૧૨ લોકો વધશે.

વિજયભાઈને ઍમ્બ્યુલન્સમાં રાજકોટ લાવવામાં આવશે. દર કલાકે તેમનું બ્લડપ્રેશર ચેક થતું રહેશે અને ઑક્સિજન-લેવલ પણ સતત ચેક કરવામાં આવશે. જોકે વિજય રૂપાણીને કોવિડનાં કોઈ સિમ્પ્ટમ્સ દેખાતાં નથી, સામાન્ય વીકનેસ છે છતાં લોકશાહીમાં મતદાન અત્યંત અનિવાર્ય હોવાથી તેમણે મતદાન કરવાની આ છૂટ લીધી છે. એક વોટ કેટલો મહત્ત્વનો છે એ જ વાતનું બીજું બેસ્ટ ઉદાહરણ જો કોઈ હોય તો એ છે કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળા. વજુભાઈ આજે પણ રાજકોટના વતની છે એટલે તેઓ ખાસ બૅન્ગલોરથી આવશે અને રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઇલેક્શન માટે વોટિંગ કરશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK