સીએમ રૂપાણીએ કબૂલ્યું, કમલનાથને ત્યાં ચોકીદારમોદીએ રેઇડ પડાવી

Published: Apr 14, 2019, 09:15 IST | ગુજરાત

કૉંગ્રેસ પર પ્રહાર કરવાના ઉત્સાહમાં મુખ્યમંત્રી સાબરકાંઠાના BJPના ઉમેદવારનું નામ લેવાનું જ ભૂલી ગયા

સીએમ વિજય રૂપાણી
સીએમ વિજય રૂપાણી

લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી ત્યારે સમગ્ર રાજ્યમાં રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો ધૂમ મચાવી રહ્યાં છે. સાબરકાંઠા લોકસભા બેઠકની ચૂંટણી માટે મેઘરજ ખાતે યોજાયેલી ભાજપની જાહેરસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પોતાના ભાષણમાં કોંગ્રેસના આક્ષેપોને સાચા પુરવાર કરતા તેમણે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે ચાર મહિનામાં મધ્યાહન ભોજનમાં ગોટાળો કરી ૭૦૦ કરોડનું કૌભાંડ આચરતા ચોકીદારે રેડ પડાવી બધા લોકો પાસેથી રૂપિયા નીકળ્યા એટલે બૂમો પાડે છે તેમ ભાર પૂવર્કી જણાવ્યું હતું. ભાજપના નેતાઓ અને પ્રવક્તાઓએ કૉંગ્રેસના આક્ષેપને ફગાવી દીધા હતા ત્યારે તેમના આ આડકતરા સ્વીકારે આશ્ચર્ય જન્માવ્યું છે. જો કે કોંગ્રેસ પર પ્રહાર કરવાના ઉત્સાહમાં તેઓ ખુદ સ્થનિક ઉમેદવારનું નામ ઉચ્ચારવાનું ભૂલી ગયાં હતાં.

રૂપાણીએ નરેન્દ્ર મોદી અને કમળના નિશાનને વોટ આપવા તેમએ અપીલ કરી પણ સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર દીપસિંહ રાઠોડનું નામ લેવાનું ભૂલી ગયા હતા. આ સભા દરમિયાન તેમણે જાહેરમાં ઘણું બધું કહી દીધું હતું. મધ્યપ્રદેશના કૉંગ્રેસના મુખ્યમંત્રી કમલનાથ સાથે સાંકળયેલા લોકોના ૫૦ ઠેકાણે આઈ.ટી એ દરોડા પાડ્યા હતા. ચોકીદારે (મોદીએ) આ દરોડા પડાવતાં કૉંગ્રેસને તકલીફ હોવાનું જણાવતાં તેમણે કરેલી વાત એવું સાબિત કરશે કે, લોકસભાની ચૂંટણીમાં વૈમનસ્ય રાખી ભાજપના ઈશારે આવકવેરા વિભાગે દરોડા પાડી કરોડો રૂપિયા રોકડા અને બેનામી બિનહિસાબી સંપત્તિ મળી આવી.

વિજય રૂપાણીએ વધુમાં કહ્યું કે, ‘૨૦૧૪ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે કરેલી પ્રગતિ અને વૈશ્વિક સન્માન અદ્વિતીય છે કૉંગ્રેસની નીતિઓનું પરિણામ આજે દેશ ભોગવી રહ્યો છે. તેનું ઉદાહરણ કાશ્મીરમાંથી બે વડા પ્રધાન હોવા જોઈએ તેવો અવાજ સંભળાઈ રહ્યો છે. જો નહેરુએ આઝાદી પછી કાશ્મીરની સમસ્યાઓનો ઉકેલ સરદાર પટેલને કરવા આપ્યો હોત તો આજે રાષ્ટ્રદ્રોહી તત્વોનો સફાયો થઈ ગયો હોત.’

મનમોહન સિંહ બોલે ત્યાં સુધીમાં તો આતંકવાદી બીજા ધડાકા કરી દેતા : રૂપાણી

મુખ્ય મંત્રી વિજય રૂપાણી શનિવારે સવારે અરવલ્લીના મેઘરજ પહોંચ્યા હતા. ત્યાં તેમણે સાબરકાંઠા લોકસભા બેઠક માટે પ્રચાર કર્યો હતો. મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું, ‘મરદની મૈયતમાં જવાય નમાલા લોકો ભેગું ન જવાય. તમે એક હરફ ઉચ્ચારતા નહોતા. હમ દેખતે હે.. હમ સોચતે હે.. મનમોહન સિંહ આવું ધીમું ધીમું બોલતા ત્યાં તો બીજા ધડાકા થઈ જતાં હતાં. આ ત્રાસવાદીઓ આલિયા માલિયા જમાલિયાઓ આપણને ટપલી મારતા જતાં હતાં. તમારી આ હિમ્મતવગરની નીતિઓના કારણે તેમનું જોર વધતું ગયું.’

આ પણ વાંચો : રાજકોટ: બોલો, હવે પકડાયો નકલી RTO ઑફિસર

અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે કે નહીં? આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાવાની કોઇ વાત નથી. અલ્પેશ ઠાકોરે પણ નિવેદન કરેલું છે અને અમારી સાથે પણ કોઇ વાત થઇ નથી. અલ્પેશ જ નહીં ઘણા લોકો કૉંગ્રેસથી નારાજ છે અને પોતાની નારાજગી દેખાડી રહ્યાં છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK