મોદીની શિખામણ ગુજરાત બીજેપી માટે ઝાંપા સુધી જ

Updated: Sep 05, 2020, 15:12 IST | Shailesh Nayak | Ahmedabad

ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દો ગજ દૂરીની શીખને જાણે કે અવગણી રહ્યા છે બીજેપીના નેતાઓ અને કાર્યકરો

ઉત્તર ગુજરાતમાં આવેલા ઊંઝામાં ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની રજતતુલા કરવામાં આવી હતી. એ સમયની તસવીર મોદીની શીખામણના કેવા લીરાં ઊડી રહ્યાં છે એ સ્વયં સ્પષ્ટ કરી રહી છે.
ઉત્તર ગુજરાતમાં આવેલા ઊંઝામાં ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની રજતતુલા કરવામાં આવી હતી. એ સમયની તસવીર મોદીની શીખામણના કેવા લીરાં ઊડી રહ્યાં છે એ સ્વયં સ્પષ્ટ કરી રહી છે.

કોરોના મહામારીની વચ્ચે ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનો છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાતમાં સંગઠનાત્મક પ્રવાસ ચાલી રહ્યો છે ત્યારે તેમના સ્વાગત અને આવકાર સહિતના કાર્યક્રમોમાં સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમનો છડેચોક ભંગ થયો હોવાનું જણાઈ આવ્યું હતું એટલું જ નહીં, આ કાર્યક્રમોમાં જાણે કે ‘શેઠની શિખામણ ઝાંપા સુધી’ને ગુજરાત બીજેપીના નેતાઓ અને કાર્યકરોએ યથાર્થ સાબિત કરી રહ્યા હોવાનું ઊડીને આંખે વળગી રહ્યું હતું.

ગુજરાત બીજેપીના અધ્યક્ષ સી. આર. પાટીલના ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમ્યાન દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કોરોનાને લઈને ‘દો ગજ દૂરી’ની શીખને ખુદ બીજેપીના નેતાઓ અને કાર્યકરો જાણે કે અવગણી રહ્યા હોય એમ જણાઈ આવ્યું હતું. ગઈ કાલે પાટણ, બાલીસણા, ઊંઝા, ભાન્ડુ, મહેસાણા સહિતનાં સ્થળોએ સી. આર. પાટીલના સ્વાગત અને આવકાર સહિતના કાર્યક્રમોમાં કાર્યકરો ઊમટી પડ્યા હતા, જેના કારણે ભીડભાડ થવા પામી હતી. આ ઉપરાંત ક્યાંક કાર્યકરો જાહેરમાં ગરબે ઘૂમ્યા તો ક્યાંક બગી અને ઘોડેસવારો સાથે રોડ-શો યોજાયો હતો તો પાટણમાં આવેલી ઐતિહાસિક રાણકી વાવમાં સી. આર. પાટીલ સહિતના બીજેપીના નેતાઓએ સામૂહિક ફોટો પણ પડાવ્યા હતા. આ બધા કાર્યક્રમોમાં કોરોનાની ગાઇડલાઇન અને એનાં નિયમનોનો જાણે કે છેદ ઊડતો હોય એમ જણાઈ આવ્યું હતું.

ગઈ કાલે સંગઠનને મજબૂત કરવાની સાથે-સાથે સી. આર. પાટીલે હેરિટેજ સ્થળની તેમ જ ધાર્મિક સ્થળોએ લટાર મારી હતી. ગુજરાત બીજેપીના અધ્યક્ષ સી. આર. પાટીલે પાટણ ખાતે વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણીની વાવની મુલાકાત કરી હતી. આ ઉપરાંત વીર માયાની ટેકરી અને નગરદેવી કાલિકા માતાજીનાં દર્શન કર્યાં હતાં. તેમણે ઊંઝામાં ઉમિયા માતાજીના મંદિરે માતાજીનાં દર્શન કર્યાં હતાં. દર્શન બાદ તેમની રજતતુલા કરવામાં આવી હતી. આ રજતને શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ટ્રસ્ટને દાનમાં આપવામાં આવી હતી. ત્યાર બાદ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ખાતે શ્રી વાળીનાથ મહાદેવ મંદિરે સી. આર. પાટીલે દર્શન કર્યાં હતાં. અહીં માલધારી સમાજ દ્વારા ૧૦૧ કિલો રજતથી તેમની રજતતુલા કરવામાં આવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK