ગુજરાતની સાઠ સીટોને બીજેપીએ આપ્યો ડી ગ્રેડ

Published: 21st October, 2012 03:07 IST

ગુજરાતમાં ગઈ કાલે થયેલી ઝોનલ મીટિંગમાં પક્ષે કરેલા સર્વે મુજબ આ ૬૦ સીટ મળે એવી શક્યતા નહીંવત્ડિસેમ્બરમાં આવી રહેલા ગુજરાત વિધાનસભાના ઇલેક્શન માટે બીજેપીએ પોતાના કાર્યકરો અને સિનિયર નેતાઓની એક મીટિંગ ગાંધીનગરમાં રાખી હતી. એ મીટિંગના ગુજરાતના ચારેય ઝોનના નેતાઓને હાજર રાખવામાં આવ્યા હતા. આ મીટિંગમાં થયેલા સર્વે મુજબ ગુજરાતમાં ૬૦ બેઠક એવી છે જે બીજેપીને મળે એવી શક્યતા બિલકુલ નહીંવત્ છે, જ્યારે ૨૭ બેઠકને ‘સી’ ગ્રેડેશન અને ૨૫ બેઠકને ‘બી’ ગ્રેડેશન આપવામાં આવ્યું છે. આ આંકડાઓનો સરવાળો કર્યા પછી કહી શકાય કે બીજેપીની ધારણા મુજબ ગુજરાતની ૧૮૨ બેઠકોમાંથી ૭૦ બેઠક ‘એ’ ગ્રુપમાં છે જે બીજેપી માટે બિલકુલ સેફ છે. અરુણ જેટલીની હાજરીમાં થયેલી આ મીટિંગના સર્વે પછી બીજેપીની કોર કમિટીનું માનવું છે કે આ ઇલેક્શન બીજેપી માટે સલામત તો ન જ કહેવાય. બીજેપીના એક નેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ પાસે ૬૦ બેઠકો સલામત છે, જ્યારે બીજેપી પાસે ૭૦ સ્યૉરશૉટ બેઠક છે. આ આંકડાઓ રાજી થવા યોગ્ય નથી. હવે અમારે ‘બી’ ગ્રેડ અને ‘સી’ ગ્રેડની બાવન બેઠકો પર વધુ ધ્યાન આપવાનું છે. આ બધી બેઠકને જો જીતવામાં આવે તો બીજેપીની જીતનો આંકડો ૧૧૨ બેઠક પર પહોંચે અને એ જીતને યોગ્ય જીત ગણી શકાય.’

બીજેપીની જેમ જ કૉન્ગ્રેસ પણ ‘બી’ અને ‘સી’ ગ્રેડની કહેવાય એવી બાવન બેઠક પર પોતાનું જોર લગાવશે એટલે શક્ય છે કે જો કોઈ મોટો ચમત્કાર નહીં થાય તો બીજેપી અને નરેન્દ્ર મોદીએ આ વખતે સ્પષ્ટ બહુમતી માટે આકરી મહેનત કરવી પડશે.

પાર્ટીનું આ ગ્રેડેશન કોઈ સર્વે એજન્સી કે અન્ય કોઈ સંસ્થા દ્વારા નહીં પણ પાર્ટીના પોતાના કાર્યકરો અને નેતાઓ દ્વારા નક્કી થાય છે. ‘એ’ ગ્રેડમાં માત્ર એ બેઠકનો સમાવેશ થાય છે જે સ્યૉરશૉટ રીતે પાર્ટીને મળવાની હોય. આ બેઠકને ૧૦૦ ટકા માર્ક આપવામાં આવે છે, જ્યારે ‘બી’ ગ્રેડેશનવાળી બેઠકને ૭૫ ટકા, ‘સી’ ગ્રેડવાળી બેઠકને ૫૦ ટકા એટલે કે એ બેઠક કોઈ પણ પાર્ટી તરફ ઢળી જાય એવી દર્શાવવામાં આવે છે અને ‘ડી’ ગ્રેડ એવી બેઠકને આપવામાં આવે છે જે બેઠક વિરોધપક્ષની સૌથી સ્ટ્રૉન્ગ બેઠક હોય. પૉલિટિકલી વ્યૂહનીતિ ઘડતી વખતે એ બેઠક પર વધુ મહેનત કરવાને બદલે ‘બી’ અને ‘સી’ ગ્રેડની બેઠક પર વધુ મહેનત કરવાનું નેતાઓ સ્વીકારતા હોય છે.

બીજેપી દિવાળી પછી જાહેર કરશે ઉમેદવારોની યાદી

ગુજરાત વિધાનસભામાં બીજેપીના ધારાસભ્યો બનવા ઉત્સુક ઉમેદવારોની પસંદગી માટે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઑબ્ઝર્વર દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ત્યારે બીજેપી તેમના ઉમેદવારોની યાદી દિવાળી પછી બહાર પાડશે એવું બીજેપી ગુજરાતના પ્રદેશ મહામંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું.

પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે ૨૩ ઑક્ટોબર સુધી ગુજરાતનાં તમામ જિલ્લા મથકોએ ઑબ્ઝર્વર વિધાનસભાના ધારાસભ્ય તરીકે ઉમેદવારી માટે ઇચ્છુક કાર્યકરો તેમ જ અન્ય અગ્રણીઓની રજૂઆતો સાંભળશે અને ઑબ્ઝર્વર તેમનો રિપોર્ટ તૈયાર કરીને આપશે ત્યાર બાદ પાર્લમેન્ટરી ર્બોડમાં એ રિપોર્ટ વિશે ચર્ચાવિચારણા થશે અને એ પછી ઉમેદવારોની પસંદગીપ્રક્રિયા હાધ ધરાશે.

શું આ વખતે મહિલાઓ અને લઘુમતી સમાજને બીજેપી વધુ ટિકિટ ફાળવશે? એના ઉત્તરમાં વિજય રૂપાણીએ કહ્યું હતું કે ‘મહિલાઓ, યુવાનો અને લઘુમતી સમાજ માટેનાં ફીડબૅક જે આવશે એના પરથી બીજેપી ટિકિટફાળવણી માટે પૉલિસી નક્કી કરશે.

બીજેપી તેના ઉમેદવારોની યાદી ક્યારે જાહેર કરશે? એના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે ઉમેદવારોની યાદી દિવાળી પછી બહાર પાડવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK