CAA અને NRCના વિરોધમાં બંધને મિશ્ર પ્રતિસાદ, સુરતમાં પથ્થરમારો

Published: 30th January, 2020 09:53 IST | Ahmedabad

વડોદરામાં દુકાનો બંધ કરવા નીકળેલા ટોળામાંથી ૪ લોકોની અટકાયત: બગોદરા હાઇવે પર ટાયરો સળગાવ્યાં, રાજકોટ અને અમદાવાદમાં બંધની કોઈ અસર નહીં

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

સીએએ અને એનઆરસીના વિરોધમાં અપાયેલા ભારત બંધની અસર ગુજરાતમાં નહીંવત જોવા મળી હતી જેમાં સુરતમાં બંધના મુદ્દે લિંબાયત વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના બની હતી. જ્યારે વડોદરામાં દુકાનો બંધ કરવા નીકળેલા ટોળાને પોલીસે વિખેરી નાખી ૪ લોકોની અટકાયત કરી હતી. અમદાવાદ અને રાજકોટમાં બંધ બેઅસર રહ્યું હતું.

સુરતમાં એનઆરસી અને સીએએના વિરોધમાં ભાગાતળાવ, ચોકબજાર, ભાગળ વિસ્તારમાં દુકાનો બંધ રાખવામાં આવી છે. દરમિયાન લિંબાયતમાં મદીના મસ્જિદ વિસ્તારમાં તનાવગ્રસ્ત માહોલ વચ્ચે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના પગલે પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પથ્થરમારામાં એક પોલીસ પણ ઈજાગ્રસ્ત થયો હતો. હાલ પોલીસ દ્વારા પરિસ્થિત‌િ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. જોકે કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

વડોદરા શહેરના નવા યાર્ડ ફૂલવાડી વિસ્તારમાં સીએએ અને એનઆરસીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને કેટલીક દુકાનો બંધ જોવા મળી હતી. બહુજન ક્રાન્તિ મોરચાના કાર્યકરો દુકાનો બંધ કરાવવા માટે નીકળ્યા હતા અને લોકોને બંધમાં જોડાવા માટે અપીલ કરી હતી.

જમ‌િયતે ઉલેમાએ હિન્દ સંસ્થા દ્વારા સીએએ અને એનઆરસીના વિરોધમાં અપાયેલા બંધના એલાનને પગલે ભરૂચમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારની દુકાનો આજે બંધ રહી છે. આ ઉપરાંત બાળકોની સલામતીને ધ્યાને રાખીને પશ્ચિમ વિસ્તારની સ્કૂલો પણ બંધ રહી છે અને એપીએમસીના વેપારીઓએ પણ દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે. વડોદરા શહેરમાં પણ બહુજન ક્રાન્તિ મોરચાના કાર્યકરો બંધ કરાવવા નીકળ્યા હતા. વડોદરામાં કેટલીક દુકાનો બંધ રહી હતી. બગોદરાથી બાવળા હાઇવે પર સર્વોદય હોટેલવાળા રોડ પર ભારત બંધના સંદર્ભે ટાયરો સળગાવીને રોડ બ્લૉક કરવામાં આવ્યો. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી લોકોનાં ટોળાંઓને વિખેરી નાખ્યાં હતાં. અમદાવાદ અને રાજકોટમાં બંધની કોઈ અસર જોવા ન મળી. તમામ વિસ્તારોમાં સ્કૂલ, કૉલેજો તેમ જ દુકાનો ચાલુ હતી. બંધના એલાનને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે પૅટ્રોલિંગ વધારી દીધું હતું.

લિંબાયતમાં પોલીસ પર કાશ્મીર સ્ટાઇલમાં હુમલો

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં કેટલાંક અસામાજિક તત્વોએ સીએએ અને એનઆરસીના વિરોધમાં બળજબરીથી દુકાનો બંધ કરાવવાની શરૂઆત કરતાં પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. એથી ટોળાંએ પોલીસને ટાર્ગેટ કરી તેમના પર પથ્થરમારો ચલાવ્યો હતો.

આ ઘટના અંગે સંસદસભ્ય સી. આર. પાટીલે જણાવ્યું હતું કે કેટલાંક અસામાજિક તત્વો આ પ્રકારનાં કામ કરી રહ્યાં છે. કાશ્મીરની જેમ મોઢા પર રૂમાલ બાંધીને પોલીસને ટાર્ગેટ કરવામાં આવી છે. આવા લોકો કૉન્ગ્રેસ અને અન્ય રાજકીય પાર્ટીઓનો હાથો બની રહ્યા છે. આ લોકોને આવું કરવા માટે ફન્ડ આપવામાં આવે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK