ઉત્તરાયણના દિવસે 108ને 3959 કૉલ્સ મળ્યાઃ ગયા વર્ષનો રેકૉર્ડ તૂટ્યો

Published: Jan 16, 2020, 11:49 IST | Ahmedabad

દોરી વાગવાના 200 કેસ નોંધાયા, સૌથી વધુ બપોરે: અમદાવાદમાં બે, વડોદરા અને ભિલોડામાં એક જણ ધાબા પરથી પટકાયા, અમદાવાદમાં નેહા નામની કિશોરી ધાબા પરથી નીચે પટકાતાં મોઢાના ભાગે ઈજા, સુરતમાં બાઇક પર જઈ રહેલા ૪ વર્ષના બાળકના ગળામાં દોરી ઘૂસી ગઈ

પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓ
પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓ

રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી છે. પરંતુ ઉત્તરાયણ દરમિયાન પતંગની મજાની સાથે-સાથે પતંગ દોરીએ અનેકને ઘાયલ કર્યા છે તેમ જ એકનો જીવ પણ લીધો છે. ઉત્તરાયણના દિવસે ૧૦૮ ઍમ્બ્યુલન્સને ૩૯૫૯ કૉલ્સ મળ્યા હતા. જ્યારે ગઈ ઉત્તરાયણે ૩૪૬૮ કૉલ મળ્યા હતા. આમ ૨૦૧૯ કરતાં ચાલુ વર્ષે ઇમર્જન્સી કેસમાં ૧૪ ટકાનો વધારો થયો છે અને ૪૯૧ કૉલ વધુ મળ્યા છે. તેમ જ દોરી વાગવાના બસો કેસ નોંધાયા છે. એમાં પણ કુલ કેસના ૫૭ ટકા કેસ એટલે કે ૧૧૪ કેસ તો બપોરના એકથી પાંચ વાગ્યા વચ્ચે નોંધાયા છે.

ચલથાણમાં રહેતા પપ્પુસિંહ બાઇક પર ત્રણ સંતાનોને લઈ પાર્લે પૉઇન્ટ ખાતે આવેલા અંબાજી માતાનાં દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમના આગળ બેઠેલા શિવમ (ઉં.વ.૪)ના ગળામાં દોરી ભરાઈ હતી. આ દરમિયાન પિતાએ બાળકને બચાવવા જતાં બ્રેક મારી અને પરિવાર સાથે રસ્તા પર પડ્યા હતા. પતંગનો દોરો શિવમના ગળામાં ઘૂસી ગયો હોવાથી લોહી નીકળવા લાગ્યું હતું, જેથી ઘટનાસ્થળ પાસેથી પસાર થઈ રહેલા કૉન્સ્ટેબલ કિરીટ પટણીએ વધુ સમય ન બગાડતાં શિવમને તાત્કાલિક સિવિલ હૉસ્પિટલ સારવાર અર્થે પહોંચાડ્યો હતો.

ઘોડદોડ રોડ ખાતે આવેલી બીએસએનએલ કૉલોનીમાં રહેતા બાલુભાઈ પવાર (ઉં.વ.૬૭) નિર્મળ હૉસ્પિટલ સામે ફ્લાયઓવર બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પતંગના દોરાથી તેમનું ગળું કપાતાં રોડ પર પડી ગયા હતા. રોડ પર પડેલા વૃદ્ધ પર કારચાલકની નજર પડતાં તે તાત્કાલિક સારવાર માટે સિવિલ હૉસ્પિટલ લઈ ગયા હતા. તેમ જ ઉધના દરવાજા બ્રિજ પર બાઇક પર જઈ રહેલા યુવકની પતંગના દોરાથી જીભ કપાઈ ગઈ હતી, જેને પગલે ઈજાગ્રસ્ત યુવકને સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે.

સવારે વસ્ત્રાલમાંથી એક બાઇકર પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને દોરી વાગતાં પટકાયો હતો, જેને કારણે તેને સારવાર અર્થે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને આંખ અને કાન પાસે ૨૮ ટાંકા લેવા પડ્યા હતા. વાડજમાં નેહા નામની ૧૩ વર્ષની કિશોરીને ધાબા પરથી નીચે પટકાતાં મોઢાના ભાગે ઈજા થઈ હતી, જેથી તેને સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી. સરદારનગર વિસ્તારમાં ૪૨ વર્ષના ઉન્મેશભાઈ દત્ત નીચે ધાબા પરથી પટકાતાં તાત્કાલિક ૧૦૮ મારફતે બેભાન હાલતમાં સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભિલોડાના ભૂતાવડમાં પતંગ ચગાવતી વખતે ધાબા પરથી પટકાતાં યુવાનને માથામાં પાંચ ટાકા આવ્યા હતા.

શહેરના રખિયાલ વિસ્તારમાં ૧૨ વર્ષનો જય નામનો કિશોર ધાબા પરથી નીચે પટકાયો હતો. માથામાં અને શરીરના ભાગે ઈજાઓ થતાં તેને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : જાહેરનામાની ઐસી-તૈસીઃ રાજકોટ, અમદાવાદ, ભાવનગરમાં ચાઇનીઝ તુક્કલોથી આકાશ રંગાયું

ટેરેસ પરથી પટકાતાં સગીરનું મોત

વડોદરાના ખોડિયારનગર નજીક સયાજીપુરા પાણીની ટાંકી પાસે મુખ્યમંત્રી આવાસમાં બી-૭૦૬ બંસીધર હાઇટ્સમાં રહેતો ૧૬ વર્ષનો કરણ રાઠોડ પતંગ ઉડાવવામાં મશગૂલ હતો. આ દરમિયાન અચાનક જ ટેરેસ પરથી પટકાતાં કરણનું મોત નીપજ્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK