Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વેલકમ ટુ અમદાવાદઃ આજે મોદીની, કાલે ટ્રમ્પની પધરામણી

વેલકમ ટુ અમદાવાદઃ આજે મોદીની, કાલે ટ્રમ્પની પધરામણી

23 February, 2020 07:31 AM IST | Ahmedabad

વેલકમ ટુ અમદાવાદઃ આજે મોદીની, કાલે ટ્રમ્પની પધરામણી

મોટેરા સ્ટેડિયમની સુરક્ષા-વ્યવસ્થા પર નિગરાણી રાખતા પોલીસ-કર્મચારી. તસવીર : પી.ટી.આઇ.

મોટેરા સ્ટેડિયમની સુરક્ષા-વ્યવસ્થા પર નિગરાણી રાખતા પોલીસ-કર્મચારી. તસવીર : પી.ટી.આઇ.


દુનિયાનો સૌથી બળવાન દેશ અમેરિકાના સુપરપાવર રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની ૨૪ ફેબ્રુઆરીની અમદાવાદ-ગુજરાત મુલાકાત આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે મોંઘેરા મહેમાનને આવકારવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ૨૩મીએ સાંજે અમદાવાદ પહોંચે તેમ છે. તેઓ ૨૩મીએ અમદાવાદ આવીને ટ્રમ્પની મુલાકાતના સંદર્ભમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને તેમાં સુરક્ષા સંબંધિત તમામ જાણકારી મેળવીને મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પ સાથે રોલિંગ મંચ પરના સંબોધન સહિત આખા કાર્યક્રમની માહિતી મેળવીને જ્યાં યોગ્ય લાગશે ત્યાં માર્ગદર્શન પણ આપે તેમ છે. સુરક્ષા સંબંધિત આ બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ પણ હાજર રહે તેવી શક્યતા છે. બેઠકમાં ૨૪મીએ ટ્રમ્પના આગમન સમયે અમદાવાદ ઍરપોર્ટ પર સ્વાગત માટેના નામો અને જેના પર ટ્રમ્પ બધો આધાર રાખી રહ્યા છે તે ૧૧ કિ.મી. કરતાં લાંબા રોડ શો-સાંસ્કૃતિક કાર્યક્રમોની વિગતો પણ મેળવીને સમીક્ષા હાથ ધરશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાના પરિવાર અને ઉચ્ચ અધિકારીઓ સાથે ૨૪મીએ ઍરફોર્સ વિમાન-વનમાં અમેરિકાથી વાયા જર્મની થઈને સીધા અમદાવાદ પહોંચશે. જ્યાં વડા પ્રધાન પ્રોટોકોલ તોડીને તેમનું સ્વાગત કરવા પોતે ઍરપોર્ટ પર જશે.

સૂત્રોએ કહ્યું કે ભારતની મુલાકાત વખતે દિલ્હી જવાને બદલે મહાનુભાવો સીધા અમદાવાદ અને ગુજરાત આવ્યા હોય તેમાં હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નામ પણ ઉમેરાયું છે. તેઓ ૨૪મીએ બપોરે ૧૨ વાગ્યાની આસપાસ અમદાવાદ પહોંચશે. વડા પ્રધાન મોદી અને ટ્રમ્પ જેમના આમંત્રણથી અમદાવાદ આવી રહ્યા છે તે નાગરિક અભિવાદન સમિતિના ચૅરપર્સન અને મેયર બિજલ પટેલ પણ તેમનું સ્વાગત કરશે.



દુનિયાના શક્તિશાળી દેશના વડા કે જેઓ ઇરાન અને ઇરાકના નિશાન પર છે તે ટ્રમ્પની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહી જાય અને રોડ શો દરમ્યાન વિરોધીઓ દ્વારા કોઈ પણ પ્રકારનો વિરોધનો કાંકરીચાળો ન થાય તેની તકેદારી માટેના તમામ પગલાઓની સમીક્ષા માટે વડા પ્રધાન ટ્રમ્પના આગમનના એક દિવસ પહેલાં ૨૩મીની સાંજે અમદાવાદ પહોંચશે.


સૂત્રોએ કહ્યું કે તેઓ સરકારી અધિકારીની સાથે બીજેપી સંગઠનના અગત્યના પદાધિકારીઓ અને ટ્રમ્પના કાર્યક્રમની સાથે જોડાયેલા આગેવાનોની સાથે પણ બેઠક યોજે તેમ છે. ખાસ કરીને પાટીદાર પાસ સંગઠન, ખેડૂત સંગઠન, જીએસટીના વિરોધી વેપારી પરિબળો, કૉન્ગ્રેસ કે કોઈ તોફાની તત્વો દ્વારા રોડ શો વખતે ભીડમાંથી કોઈ કાફલા પર કે કાફલા પહેલાં કે કાફલો પસાર થયા બાદ ગરબડ પેદા ના કરે તેની વિચારણા અને વ્યૂહાત્મક પગલાઓ વિચારવામાં આવશે. બીજેપીને બીક છે કે ભીડમાંથી કાફલો પસાર થતી વખતે એક પણ કાળું કપડું કે કાળો ઝંડો બતાવવામાં આવે તો મીડિયા દ્વારા વિશ્વભરમાં તેની નોંધ લેવાય અને સરકારની નામોશી થઈ શકે. તેથી આઇબી દ્વારા કરાયેલી કામગીરીની પણ સમીક્ષા હાથ ધરાય તેમ છે.

દરમ્યાન ટ્રમ્પ પોતાના પરિવાર અને અધિકારીઓ સાથે ૨૪મીએ ઍરફોર્સ વન નામના ખાસ વિમાનમાં આવી પહોંચશે. તેઓ ગાંધી આશ્રમની પણ મુલાકાત લઈને ત્યારબાદ મોટેરા સ્ટેડિયમમાં આયોજિત નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપશે અને અમદાવાદથી સીધા આગરા માટે રવાના થશે.


અમેરિકન રાષ્ટ્રપતિ એટલે કે દુનિયાની સૌથી તાકાતવાર વ્યક્તિ. તેથી સ્પષ્ટ છે કે દરેક સેકન્ડે દરેક પગલે દુનિયાની તેમની પર નજર રહેતી હોય છે. આ વખતે આ નજર ડોનલ્ડ ટ્રમ્પ પર છે. કારણ છે તેમની વૉશિંગ્ટનથી ૧૨ હજાર કિમી દૂર ભારતની ૩૬ કલાકની મુલાકાત લઈ રહ્યા છે.

ઍરપોર્ટથી સ્ટેડિયમ સુધી ભારત-અમેરિકાના રાષ્ટ્રધ્વજ લહેરાયા

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી ૨૪ ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે છે. ટ્રમ્પના સ્વાગતમાં કોઈ પણ પ્રકારની અછત ન રહી જાય તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ઍરપોર્ટથી ગાંધી આશ્રમ અને સ્ટેડિયમ સહિતના વિસ્તારોમાં રોડ ક્લીન કરી દેવામાં આવ્યા છે, ત્યારે દીવાલો પર પણ ટ્રમ્પ અને મોદીનાં ચિત્રો દોરવામાં આવ્યાં છે. વહેલી સવારે ઍરપોર્ટ અને સ્ટેડિયમની આસપાસ ભારત અને અમેરિકાના રાષ્ટ્રધ્વજ ફરકાવી દેવાયા છે. તે સિવાય અન્ય અલગ-અલગ કલરના ફ્લેગ પણ રોડ પર જોવા મળ્યા છે.

ટ્રમ્પ અને મેલાનિયાના ભારત પ્રવાસના સમાચાર બાદથી જ દિલ્હી અને અમદાવાદમાં તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી. અમદાવાદમાં રસ્તાઓ તેમ જ ફુટપાટ સહિતની કામગીરી ઝડપથી શરૂ કરાઈ દેવાઈ હતી. ટ્રમ્પની અમદાવાદ મુલાકાત પાછળ અંદાજે ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. રોડ શોથી લઈને આમંત્રિત મહેમાનો માટેની વ્યવસ્થામાં કોઈ પણ કમી રાખવામાં આવી નથી. તેમ જ સુરક્ષા અધિકારીઓ માટે પણ પાણી તેમ જ ફૂડ પેકેટની વ્યવસ્થા કરાઈ છે.

દીકરાને આંખમાં ઇન્ફેક્શન છતાં સાથે રાખીને પોલીસ-કર્મચારી ટ્રમ્પના કાર્યક્રમના બંદોબસ્તમાં

ગુજરાતની સંવેદનશીલ ભાજપ સરકાર એક તરફ મહિલાઓની સુરક્ષાની વાતો કરે છે, બીજી બાજુ મહિલા પોલીસ કર્મીઓ સાથે ફરજના નામે જોહુકમી કરવામાં આવી રહી છે. વડોદરા શહેરના ગોરવા પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા કૉન્સ્ટેબલે રજૂઆત છતાં તેણીને એક વર્ષના દીકરા સાથે અમદાવાદ ખાતે ‘નમસ્તે ટ્રમ્પ’ના બંદોબસ્તમાં મોકલવામાં આવ્યા છે. દીકરાને આંખમાં ઈન્ફેક્શન હોવાછતાં સાથે લઈને સંગીતાબહેન પરમાર ૧૯ ફેબ્રુઆરીથી અમદાવાદમાં ફરજ બજાવી રહ્યાં છે. વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા અમદાવાદ ખાતે ૨૪ ફેબ્રુઆરીના રોજ આવી રહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના બંદોબસ્તમાં ૫૦૦થી પોલીસ જવાનો મોકલવામાં આવ્યા છે. જેમાં વડોદરા શહેરના આઇ.પી.સી.એલ. ટાઉનશિપમાં રહેતા અને વડોદરાના ગોરવા પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સંગીતાબહેન રણજીતસિંહ પરમારને પણ મોકલવામાં આવ્યા છે.

ટ્રમ્પની એક મિનિટ અમદાવાદને અધધધ ૪૭ લાખમાં પડશે!!

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ તેમનાં પત્ની મેલાનિયા અને નરેન્દ્ર મોદીની અમદાવાદની મુલાકાતને લઈને શહેરમાં છેલ્લા ૧ મહિનાથી તૈયારીઓ ચાલી રહી છે. ટ્રમ્પ અને તેમની પત્ની મેલેનિયાના સ્વાગતથી લઈને રોડ શો માટે ભરપૂર ખર્ચ કરવામાં આવ્યો છે. ટ્રમ્પની અમદાવાદની સાડા ત્રણ કલાકની મુલાકાત પાછળ અંદાજે ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. સાડા ત્રણ કલાક અને ૧૦૦ કરોડના ખર્ચ હિસાબે ટ્રમ્પની એક મિનિટ ૪૭ લાખ રૂપિયામાં પડી છે. આ ખર્ચમાં સ્ટેડિયમના બ્યુડિફિકેશનના કામથી લઈ રોડ, પોલીસ કર્મીઓ તેમ જ સુરક્ષા સહિત સામેલ છે. અંદાજે ૩૦ હજાર પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અમદાવાદ મ્યુનિસિપલે સ્ટેડિયમની આસપાસના રોડના રિસરફેસિંગ પાછળ ૬૦ કરોડની આસપાસનો ખર્ચ કર્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

23 February, 2020 07:31 AM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK