કોરોનાના વધતા કેસના લીધે દિવસે મૅરેજ અલાઉડ, રાતે નહીં

Published: 21st November, 2020 08:06 IST | Shailesh Nayak | Ahmedabad

કોરોના રાતે ફેલાય, દિવસે નહીં? : ગુજરાત સરકારનું ગજબ લૉજિક

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

કોરોનાનું સંક્રમણ વધતાં અમદાવાદમાં કરફ્યુનો અમલ શરૂ થઈ ગયો છે ત્યારે અમદાવાદમાં એકાએક ગઈ કાલે રાતથી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી કરફ્યુ જાહેર કરાતાં એકલા અમદાવાદમાં આ શનિ–રવિવારના બે દિવસમાં યોજાનારાં અંદાજે ૧૫૦૦થી ૧૬૦૦ જેટલાં લગ્નોને કોરોના-કરફ્યુનું ગ્રહણ લાગ્યું છે અને આ લગ્નો અટવાઈ ગયાં છે, એટલું જ નહીં, જેમના ઘરે લગ્નપ્રસંગ છે એવા અસંખ્ય પરિવારો મૂંઝવણમાં મુકાવાની સાથોસાથ ચિંતિત પણ છે. જોકે મોડી સાંજે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિન પટેલે એવી જાહેરાત કરી કે ‘જેમને ત્યાં દિવસનાં મૅરેજ છે તેમને પરવાનગી મળશે, પણ રાતે લગ્ન હશે તેમને છૂટ નહીં મળે. દિવસે લગ્ન-સમારંભ યોજવા માટે સ્થાનિક પોલીસ-સ્ટેશનમાં વધુમાં વધુ ૨૦૦ મહેમાનોનાં નામની યાદી સુપરત કરીને પરવાનગી લેવાની રહેશે.’

અમદાવાદના સરદાર નગરમાં બંગલો એરિયામાં રહેતા અને જેમના દીકરાનાં મૅરેજ આ રવિવારે છે તે હીરો સી. બજાજે કરફ્યુ લાગતાં ‘મિડ-ડે’ને કહ્યું કે ‘મારા દીકરા કૃણાલનાં લગ્ન રવિવારે રાતે છે અને કરફ્યુ લાગ્યો છે એટલે મુશ્કેલી વધી છે. મહેમાનો ઘરે આવી ગયા છે. ઘણા મહેમાનો લગ્ન માટે અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે અમદાવાદમાં કરફ્યુની વાત સાંભળતાં જ રસ્તામાં ઊતરીને પાછા રતલામ જતા રહ્યા તેમ જ મારા કઝિન સુરતથી આવી રહ્યા હતા તેઓ પણ પાછા સુરત જતા રહ્યા છે. અમે ગુરુદ્વારામાં જઈને પણ લગ્નનું મુહૂર્ત સાચવી લઈએ, પણ એને માટે મંજૂરી ન આપે તો શું કરીએ? પોલીસ કહે છે કે પરમિશન ન આપીએ. આમાં કંઈક રસ્તો નીકળે તો સારુ.’

તેમણે વધુમાં કહ્યું, ‘દિવાળી પછી લગ્ન માટે પહેલું મુહૂર્ત શનિવાર અને રવિવારે નીકળ્યું હતું, પણ હવે અમદાવાદમાં વધતાજતા કોરોનાના સંક્રમણને કારણે કરફ્યુ જાહેર કરવામાં આવતાં જેમના ઘરે લગ્નપ્રસંગ છે તેઓ અને વેડિંગ ઇન્ડસ્ટ્રીઝવાળા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ શનિવાર-રવિવારે યોજાનારાં લગ્ન માટે કંકોતરી વહેંચાઈ ગઈ; હૉલ, કેટરર્સ, ડેકોરેશન, સંગીત સહિતના લગ્નપ્રસંગની ઇવેન્ટ માટે પેમેન્ટ ચૂકવાઈ ગયું, કપડા–દાગીના લઈ લીધાં, સગાવવહાલાં–મામેરિયાત ઘરે આવી ગયા અને લગ્નનો આનંદોત્સવનો માહોલ છવાઈ ગયો છે એવા સમયે જ કોરોનાનો કરફ્યુ લાગતાં જેમના ઘરે લગ્ન લેવાયાં છે તેઓ મૂંઝવણમાં મુકાયા છે કે હવે કરવું શું?’

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતાં કરફ્યુ જાહેર થતાં વેડિંગ ઇન્ડસ્ટ્રીઝવાળા પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અમદાવાદના વેડિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા ધંધાર્થીઓ આજે એકઠા થયા હતા અને સરકાર તેમના નિર્ણયમાં થોડો ફેરફાર કરે એવી લાગણી વ્યક્ત કરી હતી.

વેડિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા કૃષ્ણા ઇવેન્ટ્સના મિતેશ જૈને ‘મિડ-ડે’ને કહ્યું કે ‘અમદાવાદમાં આ શનિ–રવિવારના બે દિવસમાં અંદાજે ૧૫૦૦થી ૧૬૦૦ જેટલાં લગ્નો છે. કોરોનાના ૯ મહિના પછી લગ્ન માટે આ પહેલું મુહૂર્ત આવ્યું છે અને કરફ્યુ મુકાયો છે. આમ પણ કોરોનાને કારણે ઢોલવાળાથી માંડીને ડેકોરેશન સુધીની અમારી ઇન્ડસ્ટ્રીઝ પડી ભાંગી છે. જેમને ત્યાં મૅરેજ છે તેઓએ કંકોતરી મોકલી દીધી છે તેઓ કેવી રીતે આગળ વધશે?’

હૉલના, બૅન્ડવાજાંના અને કેટરર્સના પૈસા ઍડ્વાન્સમાં ભરી દીધા છે. હવે કરફ્યુ લાગ્યો છે તો ક્યાં જવું અને શું કરવું એ કાંઈ સમજાતું નથી. અમે મૂંઝાઈ ગયા છીએ.
- હીરો સી. બજાજ, જેમના દીકરાનાં રવિવારે રાતે લગ્ન છે

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK