રાજ્યમાં ગુજકો હેઠળ નોંધાયો પહેલો ગુનોઃ વિશાલ ગોસ્વામીની ગૅન્ગના ચાર જણ ઝડપાયા

Published: Jan 16, 2020, 11:06 IST | Ahmedabad

પોલીસે મોટી માત્રામાં હથિયારો જપ્ત કર્યાં

અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ.
અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ.

રાજ્યમાં ગુજસીટો ગુજસીટોક કાયદો ગયા ડિસેમ્બર મહિનામાં લાગુ કરવામાં આવ્યો ત્યાર બાદ આજે પહેલી વાર આ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામી ગૅન્ગના ચાર જણની મેઘાણીનગરમાંથી ધરપકડ કરી ગુજસીટોક ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી ખંડણી અને ધમકીના ફોનની ઘટનાઓ સામે આવી રહી હતી.

આ ગૅન્ગના ઝડપાયેલા લોકો પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યાં છે. આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્ત્વનું છે કે રાજ્યની સુરક્ષામાં વધારો થાય અને પોલીસ કર્મીઓને પૂરતું બળ મળે એ હેતુથી ગુજરાત સરકારે ગુજસીટોક કાયદાને વિધાનસભામાં પસાર કરીને રાષ્ટ્રપતિની મંજૂરી મેળવી લીધી હતી.

આ કાયદા માટે ૨૦૦૩માં ગુજરાત સરકારે ગુજકોક બિલ રજૂ કર્યું હતું. ગુજકોક બિલને નવા સ્વરૂપે ગુજસીટોક બિલ તરીકે રજૂ કરાયું હતું. વર્ષ ૨૦૧૫માં ગુજરાત વિધાનસભામાં બિલ પસાર થયું. આ બિલને મંજૂરી મળતાં ૧ ડિસેમ્બરથી ગુજરાતમાં એનો અમલ શરૂ કરવામાં આવ્યો. ગુજસીટોક બિલ સંગઠિત ગુનાખોરીને ડામવા ઉપયોગી થશે. નવા બિલ પ્રમાણે ફોન રેકૉર્ડ કરીને પણ પોલીસ સંગઠિત સિન્ડિકેટને પકડી શકશે. પોલીસ-અધિકારી સમક્ષ આપેલી કબૂલાત અંગે પણ ફેરવિચારણા થઈ શકશે. પૉન્ઝી સ્કીમને પણ ગુજસીટોક અંતર્ગત સમાવિષ્ટ કરાશે. અપહરણ, ખંડણી કે ધાકધમકી આપીને રૂપિયા પડાવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સાબરમતી જેલની સલામતી વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ

ગુજરાતમાં આવેલી અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલની સલામતી વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ થયો છે, કેમ કે જેલમાં જૅમર લગાવ્યાં હોવા છતાં પણ ગુનેગાર વિશાલ ગોસ્વામી જેલમાંથી મોબાઇલ ફોન કરીને ખંડણીનું નેટવર્ક ચલાવતો હતો. ખુદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જેલમાંથી ત્રણ મોબાઇલ ફોન મળી આવ્યા છે અને જેલમાંથી જ ખંડણી માટેના વૉટ્સઍપ કૉલ કર્યા હોવાની વિગતો બહાર આવી છે. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના ખાસ પોલીસ-કમિશનર અજયકુમાર તોમરે પત્રકારોને કહ્યું હતું કે ‘જેલમાં રહેલા વિશાલ ગોસ્વામી તથા તેના સાથીદારો જેલમાં ગેરકાયદે મોબાઇલ ફોન મેળવી કેટલાક વેપારીઓ પાસેથી માતબર રકમની ખંડણી મેળવવા વૉટ્સઍપ કૉલ તેમ જ મેસેજ કરી ધાકધમકીઓ આપે છે અને જો આ રકમ નહીં ચૂકવવામાં આવે તો વેપારીઓ તથા તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલી હોવાની હકીકત જણાઈ આવેલી છે.’ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના મદદનીશ પોલીસ-કમિશનર બી. વી. ગોહિલ અને અન્ય અધિકારી તથા કર્મચારીઓએ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે તપાસ કરતાં વિશાલ ગોસ્વામી તથા અજય ઉર્ફે આશુતોષ ગોસ્વામી તથા રિન્કુ ઉર્ફે રાજ ગોસ્વામી પાસેથી બે ઍન્ડ્રૉઇડ મોબાઇલ ફોન, એક સાદો મોબાઇલ ફોન, બે સિમ-કાર્ડ, મોબાઇલ ફોનનું ચાર્જર, સિમ કાઢવા માટેની પિન, બે હૅન્ડ્સ ફ્રી તથા મોબાઇલ નંબરો લખેલી નોટબુક મળી આવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK