અનાજના વેપારીઓની બેમુદત હડતાળ બાબતે જનરલ મીટિંગમાં નિર્ણય

Published: 28th November, 2012 05:02 IST

નવી મુંબઈમાં આવેલા એપીએમસી માર્કેટના દાણાબંદરના અનાજ-કઠોળના વેપારીઓને માલ સ્ટોર કરવાના મુદ્દે કન્ટ્રોલર ઑફ રૅશનિંગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની જોહુકમી અને કરવામાં આવતી કનડગતના વિરોધમાં સોમવારથી બેમુદત હડતાળ પર ઊતરી ગયેલા દાણાબંદરના વેપારીઓના પ્રતિનિધિમંડળની ગઈ કાલે મંત્રાલયમાં થયેલી બેઠકમાં સંતોષજનક નિષ્કર્ષ ન આવતાં આગળની રણનીતિ નક્કી કરવા માટે આજે બપોરે ગ્રોમાએ જનરલ મીટિંગનું આયોજન કર્યું છે.રૅશનિંગ ડિપાર્ટમેન્ટની હૅરેસમેન્ટ સામે બેમુદત બંધ પાળી રહેલા નવી મુંબઈના અનાજ-કઠોળના હોલસેલ વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ‘ગ્રોમા’ના પદાધિકારીઓએ ગઈ કાલે નવી મુંબઈના પાલકમંત્રી ગણેશ નાઈકની સાથે મંત્રાલયના ફૂડ ઍન્ડ સિવિલ સપ્લાય મિનિસ્ટર અનિલ દેશમુખ સાથે એક બેઠક યોજી હતી એ બાબતે ગ્રોમાના એક પદાધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રૅશનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા વેપારીઓને કરવામાં આવતી હેરાનગતિથી તેમને વાકેફ કરવામાં આવ્યા હતા અને તેમણે વાત સાંભળનીને વેપારીઓને કોઈ તકલીફ નહીં થાય એવું આશ્વાસન આપ્યું હતું, પણ સરકારનું આશ્વાસન એટલે શું એ સૌ કોઈ જાણે છે. સરકારના આશ્વાસન પર એક વખત વેપારીઓ વિશ્વાસ કરી લેશે, પણ રૅશનિગ ઑફિસર અશ્વિની જોશીની રૂખમાં અમને ગઈ કાલે પણ કોઈ બદલાવ જોવા મળ્યો નહોતો. એટલે હવે આગળ શું કરવુ એ નક્કી કરવાનું વેપારીઓના હાથમાં છે.’

એપીએમસી માર્કે‍ટના દાણાબંદરના ડિરેક્ટર જયેશ વોરાનું કહેવું હતું કે ‘ગવર્નમેન્ટની નીતિથી વેપારીઓ હેરાન થઈ ગયા છે. વેપારીઓની રજૂઆતને તો સરકારે કાને ધરી છે, પણ એના પર નક્કર પગલાં લેવાશે કે નહીં એ કહી શકાય નહીં. હવે જે કરવાનું છે એ વેપારીઓએ કરવાનું છે. એટલે જ આગળની રણનીતિ નકકી કરવા માટે આજે બપોરે ગ્રોમાએ એક જનરલ મીટિંગ બોલાવી છે, જેમાં તમામ વેપારી સભ્યો સાથે ચર્ચા કર્યા પછી આગળ શું કરવું તે નક્કી કરીશું. આ હડતાળ ચાલુ રાખવી કે પછી સમેટી લેવી એ બાબતે આજની જનરલ મીટિંગ થયા પછી જ નિર્ણય લેવાશે.

એપીએમસી = ઍગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કે‍ટ કમિટી, ગ્રોમા = ગ્રેઇન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK