Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સત્તાનો મોહ કોઈનો પણ ભોગ લઈ શકે અને એ મોહ સર્વનાશ પણ લાવી શકે

સત્તાનો મોહ કોઈનો પણ ભોગ લઈ શકે અને એ મોહ સર્વનાશ પણ લાવી શકે

31 July, 2020 10:59 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

સત્તાનો મોહ કોઈનો પણ ભોગ લઈ શકે અને એ મોહ સર્વનાશ પણ લાવી શકે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર



માણસ જ્યારે પદ પર આવે ત્યારે તેને સત્તાની લાલચ નથી હોતી, પણ સત્તા ભોગવવાની શરૂઆત થયા પછી આ સત્તાનો મોહ શરૂ થાય છે. સત્તાની લાલશા જ્યારે તીવ્રતા પર પહોંચે ત્યારે તકલીફોનો આરંભ થતો હોય છે અને આ તકલીફો થકી જ રાજકારણની શરૂઆત થતી હોય છે. રાજનીતિ અને રાજકારણ વચ્ચે સામાન્ય પણ મહત્ત્વનો ફરક છે. રાજનીતિ એટલે નીતિ સાથે આગળ વધવામાં આવતી એક પ્રક્રિયા અને રાજકારણ એટલે રાજ કરવા માટે શોધવામાં આવતાં કારણો અને એ કારણોને યોગ્ય ઠરાવવાની પ્રક્રિયા. ચાણક્ય કહેતા કે ‘રાજ કરવું એ ઉત્તમ છે, પણ રાજને હાથમાં રાખવા માટે નીતિઓ બદલવી ખરાબ છે.’
આપણે ત્યાં રાજ કરવા માટેની નહીં, પણ રાજને હાથમાં રાખવામાં આવતી નીતિરીતિઓ હોય છે, જેને લીધે ઉચિત લાગે એવાં તમામ પગલાં લેવામાં આવે છે. નાનીસરખી વાતમાં પણ સંપ્રદાયનો લાભ લેવા માટે લોકો દોટ મૂકીને સીધા જ મતોની પેટીને સાચવવા માટે નીકળી જાય છે. મતપેટીને કેન્દ્રમાં રાખનારી રાજનીતિ વધુ કષ્ટદાયી છે. આઝાદી સમયથી આ પ્રકારનું રાજકારણ રહ્યું છે અને એ રાજકારણે જ દેશનો સોથ વાળ્યો છે. જો તમે ઇચ્છતા હો કે દેશનો વિકાસ કરવો છે અને દેશને વિકાસની નીતિ પર રાખવો છે તો સૌથી પહેલું કામ જે કરવાનું છે એ છે દેશને જાતિવાદના વાડામાંથી બહાર કાઢવાનું. જાતિવાદના વાડાને ઇરાદાપૂવર્ક મોટા કરવામાં આવ્યા છે. દલિતોને ઇરાદાપૂર્વક દલિત રાખવામાં આવ્યા હોય એવું ઇતિહાસ જોયા પછી કહી શકાય. ગુજરાતી અને મરાઠીઓ વચ્ચે ગજગ્રાહ રહે એવું ઇચ્છિત રીતે વર્તવામાં આવ્યું છે. આ નીતિ વચ્ચે એક આખો વર્ગ માણસ નહીં, પણ મતની પેટી તરીકે જોવામાં આવે છે અને એ જ રીતે તેમની સાથે સંબંધ રાખવામાં આવે છે. મને પૂછવું છે એ સૌને જેમણે આ પ્રકારના જાતિવાદના વાડાઓને મોટા કરવાનું કામ કર્યું છે.
શું માણસજાતિ મહત્ત્વની કે તે કઈ જ્ઞાતિમાંથી આવે છે એ મહત્ત્વનું? શું દલિતો સાથે થયેલા અત્યાચારો માટે સાચા અર્થમાં તેમને સહાય કરવામાં આવી છે ખરી? કોઈ પણ કિસ્સામાં તમે જોઈ લેશો તો તમને પણ મનમાં આ જ પ્રશ્ન જાગશે, આ જ વિચાર આવશે કે વચનો આપવામાં આવે છે અને મોટા-મોટા વાયદા પણ કરવામાં આવ્યા છે, પણ એ વાયદાઓ પર ચાલવામાં નથી આવતું. જરૂરિયાત સમયે જ સહાય સારી લાગે, નહીં કે તકલીફ અને ઘા ભુલાઈ જાય ત્યારે. લગ્નનાં ગીતો ગવાતાં હોય એ જ સમયે જમણવાર સારો લાગે. હૉસ્પિટલના બિછાને પડ્યા હોઈએ એવા સમયે જ મુલાકાતી આર્થિક મદદ લઈને આવે એ વહાલું લાગે. મુલાકાતી વીઆઇપી મહેમાનો આર્થિક મદદની વાતો લઈને આવે, પણ વાતાવરણ જરાસરખું ન થાય એની ચીવટ પણ રાખવામાં આવે. ટીવી-ઇન્ટરવ્યુ બંધ ન થાય અને દલિતવાદ કે પછી જ્ઞાતિવાદમાં જરાય ઓછપ ન આવે એનું ધ્યાન રાખવામાં આવે, પણ શું કામ? આ સવાલનો એક જ જવાબ છે.
રાજનીતિ નહીં, રાજકારણ રમવામાં આવતું હતું અને રાજકારણ જે સમયે રમાતું હોય એ સમયે માત્ર એક જ મોહ હોય, સત્તાનો. સત્તાનો મોહ કોઈનો પણ ભોગ લઈ શકે છે અને એમાં લેવામાં આવે જ છે. આ મોહને ઓળખશો તો એમાં હિત તમારું જ સચવાઈ રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2020 10:59 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK