કમોસમી વરસાદને લીધે આફૂસ મોડી આવશે દ્રાક્ષ અને સ્ટ્રૉબેરીને ભારે નુકસાન

Published: 17th November, 2014 05:20 IST

મહારાષ્ટ્રમાં કોંકણ તથા પશ્ચિમ મહારાષ્ટ્રમાં ત્રણ દિવસથી ચાલતા કમોસમી વરસાદને લીધે કેરી, દ્રાક્ષ અને સ્ટ્રૉબેરીના પાકને ભારે નુકસાન થયું છે.


આંબા પર મોર ફૂટવાની શરૂઆત થઈ એવામાં વરસાદ પડતાં મોર સડવા માંડ્યા છે. દ્રાક્ષો ફૂટી ગઈ હોવાથી એની નિકાસ અટકી છે અને સ્ટ્રૉબેરીના ભાવ અડધા થઈ ગયા છે. આ વખતે કમોસમી વરસાદે બાજી બગાડી નાખતાં આફૂસનો પુરવઠો બજારમાં બે મહિના મોડો આવશે. એથી એના ભાવ પણ સાવ ઓછા મળતાં બાગાયતદારોને મોટું નુકસાન જશે. જોકે આ સ્થિતિમાં કેરી ખાવાના શોખીનોને સસ્તા ભાવે ફળોની મોજ માણવા મળશે.

આંબા પર નવા મોર ફૂટતાં ડિસેમ્બર, જાન્યુઆરી વીતી જશે અને સ્વાભાવિક રીતે જ ફળો તૈયાર થતાં બીજા બે મહિના લાગશે. બજારમાં કેરીની ડિમાન્ડ સમયસર શરૂ થયા પછી કોંકણની આફૂસનો પુરવઠો ફેબ્રુઆરીને બદલે એપ્રિલ મહિનામાં શરૂ થશે એટલે આ વખતે કેરીના ભાવ ઓછા રહેવાનો સંભવ જથ્થાબંધ વેપારીઓ દર્શાવે છે. બીજી બાજુ આંબાને નવા મોર ફૂટે એ માટે ફરી જંતુનાશકો અને ખાતર નાખવાની જરૂર પડશે. એ ખર્ચ પણ બાગાયતદારો માટે વધારાનો થશે.

નાશિકથી મળતી માહિતી મુજબ પિંપળગાવ, બસવંત, નિફાડ, ઓઝર, નાશિક, દિંડોરી વગેરે વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે દ્રાક્ષ ઉપરાંત કાંદા અને ઘઉંના પાકને પણ નુકસાન થયું છે. સ્ટ્રૉબેરીનો પાક મુખ્યત્વે ઑક્ટોબરથી જાન્યુઆરી સુધીના ઠંડીના ગાળામાં થાય છે. એથી ભરમોસમમાં મહાબળેશ્વરના પટ્ટામાં કમોસમી વરસાદને લીધે પાકને નુકસાન થતાં જથ્થાબંધ બજારમાં અડધા કિલોના ૧૦૦થી ૧૧૫ રૂપિયાના ભાવે વેચાતી સ્ટ્રૉબેરીનો ભાવ ઘટીને ૭૦થી ૭૫ રૂપિયા થઈ ગયો છે.  

શાકભાજીના ભાવમાં થયો ઘટાડો

 નવી મુંબઈમાં ખ્ભ્પ્ઘ્ બજારમાં છેલ્લા કેટલાક દિવસથી શાકભાજીની આવક વધવાને કારણે એની અસર શાકભાજીના ભાવ પર પડી છે. એથી શાકભાજીના ભાવમાં ૧૫થી ૨૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. ગયા મહિને ૪૫૦થી ૫૦૦ શાકભાજીની ગાડી ખ્ભ્પ્ઘ્ બજારમાં ઠલવાતી હતી; પણ આ વખતે રાજ્યમાં પુણે, નાશિક, કોલ્હાપુર, સાંગલી જેવા ભાગોમાં સારો વરસાદ પડ્યો હોવાથી બજારમાં શાકભાજીની આવકમાં વધારો નોંધાયો છે. હવે ખ્ભ્પ્ઘ્ બજારમાં રોજની ૫૫૦થી ૬૦૦ ગાડી ભરીને શાકભાજી ઠલવાય છે.

શાકભાજી    કિલોદીઠ ભાવ
ટમેટાં    ૭થી ૮
ફ્લાવર    ૭થી ૮
કોબી    ૨થી ૪
વટાણા    ૩૦થી ૪૦
ગાજર    ૧૦થી ૧૨
કાકડી    ૧૦થી ૧૫
કોથમીર    ૪૦થી ૫૦ રૂપિયા
મેથી    ૮થી ૧૦ રૂપિયા જૂડી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK