સરકારે દસમાની પરીક્ષા જાહેર કરી પણ અભ્યાસક્રમને લઈને અસ્પષ્ટતા અકબંધ

Published: 9th January, 2021 11:27 IST | Preeti Khuman Thakur | Mumbai

પેરન્ટ્સ અને ટીચર્સની ગવર્નમેન્ટને જેમ બને એમ જલદી ખુલાસો કરવા અપીલ: આની સાથે વિદ્યાર્થીઓને પ્રૅક્ટિસ માટે પ્રશ્નપત્ર પણ આપવાની ડિમાન્ડ

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

રાજ્ય શિક્ષણ મંડળ દ્વારા લેવાતી દસમા ધોરણની પરીક્ષા ૩ મે પછી લેવાશે એવું જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ પરીક્ષા માટે કેટલો અભ્યાસક્રમ હશે એ સંદર્ભે યોગ્ય માહિતી ન હોવાથી વિદ્યાર્થી અને પેરન્ટ્સ મૂંઝવણમાં મુકાયા છે. દર વર્ષની જેમ રાજ્યમાં સ્કૂલો ૧૫ જૂનથી શરૂ કરાઈ છે. કોરોનાને લીધે અભ્યાસક્રમ ૨૫ ટકા ઓછો કરાયો પણ અમુક વિષયમાં આખાં પ્રકરણ ઓછાં ન કરી ફક્ત અમુક ભાગ ઓછો કરાયો છે. પરીક્ષામાં આમાંથી પ્રશ્નો આવે તો શું કરવું એવો સવાલ પેરન્ટ્સ કરી રહ્યા છે. આ મામલે શાસન સ્પષ્ટતા કરે એવી માગણી પેરન્ટ્સ અને ટીચર્સ દ્વારા કરવામાં આવી રહી છે.

આ વર્ષે સ્કૂલો દ્વારા ઑનલાઇન પદ્ધતિથી શિક્ષણ ચાલી રહ્યું છે. ૨૩ નવેમ્બરથી મુંબઈ, થાણે, વર્ધા, જલગાંવ સિવાય જિલ્લાના ગ્રામીણ ભાગોમાં સ્કૂલોના ધોરણ ૯થી ૧૨મા સુધીના વર્ગોમાં ભણાવાઈ રહ્યું છે. મહારાષ્ટ્રના શિક્ષક અને શિક્ષકેતર કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતા ટીચર્સ ડેમોક્રેટિક ફ્રન્ટના ઉપાધ્યક્ષ રાજેશ પંડ્યાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કોરોનાકાળમાં પસાર થયેલા આઠ મહિના દરમિયાન ઑનલાઇન શિક્ષણથી વિદ્યાર્થીઓ કેટલું શીખ્યા, કેટલું સમજ્યા એ ધ્યાનમાં રાખી બોર્ડે ફરી એક વાર અભ્યાસક્રમનું પુનરાવલોકન કરી નિશ્ચિત અભ્યાસક્ર્મ જાહેર કરવો જોઈએ. ઑનલાઇન શિક્ષણ હોવાથી ફક્ત બહુપર્યાય પ્રશ્નો દ્વારા પરીક્ષા લેવાઈ હોવાથી વિદ્યાર્થીઓને બોર્ડનાં પેપરો પ્રમાણે લેખિત અનુભવ મળ્યો નથી. આવતી પરીક્ષા માટે પ્રૅક્ટ‌િસ માટે પ્રશ્નપત્ર પેપરોના નમૂના પ્રમાણે દરેક વિષયના વિશેષ ક્વેશ્ચન સેટ જાહેર કરવામાં આવે જેથી સ્કૂલો શરૂ થયા પછી ફેબ્રુઆરી માર્ચમાં યોજાનારી લેખિત પ્રિલિમિનરી પરીક્ષામાં અનુભવ ઉપયોગી બની રહે. તેમ જ સ્કૂલ દ્વારા લેવામાં આવનારી મૌખિક પરીક્ષા, સાયન્સ પ્રૅક્ટિક્લ, અન્ય વિષયનું આંતરિક મૂલ્યાંકન, અન્ય વિષયની ગ્રેડ પરીક્ષાઓનું આયોજન ક્યારે કરવું એ માટે બોર્ડે ટાઇમટેબલ અને સમય જાહેર કરવા જરૂરી છે. તેમ જ આ વર્ષે પરીક્ષા માર્ચ મહિનાને બદલે મેમાં યોજાવાથી વિદ્યાર્થીઓને સ્કૂલોમાં કેટલા દિવસ હાજરી આપવાની રહેશે એવો સવાલ પણ શિક્ષકો કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનો સમય ન વેડફાય અને ઘરે અભ્યાસ કરી શકે એ માટે બોર્ડે યોગ્ય નિર્ણય લેવો જરૂરી છે જેથી શિક્ષકોને પણ ત્રાસ ન થાય એવી માગણી પેરન્ટ્સ અને ટીચર્સ દ્વારા કરવામાં આવી રહી છે.’

દસમા ધોરણના વિદ્યાર્થીઓ ટેન્શનમાં છે એવું જણાવતાં એક પેરન્ટે કહ્યું હતું કે ‘આ વખતે વિદ્યાર્થીઓને અભ્યાક્રમ અને પેપર પૅટર્ન વિષયે કોઈ પણ પ્રકારની માહિતી નથી. ઉપરાંત સ્પોર્ટ્સ ક્વોટાના વધારાના ૨૫ માર્ક્સનો લાભ લેતા વિદ્યાર્થીઓનું આ વખતે શું થશે? આ માર્ક્સ કયા બેઝ પર અપાશે એ વિશે બોર્ડ દ્વારા કોઈ પણ ખુલાસો કરાયો નથી. એથી શિક્ષણ વિભાગ આગળ આવીને વિદ્યાર્થીઓ, પેરન્ટ્સ અને શિક્ષકોની મૂંઝવણ દૂર કરે એવી અમારી વિનંતી પણ છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK