Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લૉકડાઉનમાં વીજળી કંપનીઓએ ચાર-પાંચગણાં બિલ મોકલ્યાં

લૉકડાઉનમાં વીજળી કંપનીઓએ ચાર-પાંચગણાં બિલ મોકલ્યાં

26 June, 2020 11:53 AM IST | Mumbai
Mumbai Correspondent

લૉકડાઉનમાં વીજળી કંપનીઓએ ચાર-પાંચગણાં બિલ મોકલ્યાં

મીટર

મીટર


ત્રણ મહિના જેટલા લૉકડાઉનના સમયમાં પાવર-સપ્લાય કરતી કંપનીઓ દ્વારા ચારથી પાંચગણાં બિલ મોકલાયાં હોવાની ફરિયાદ ઊઠી રહી છે. સામાન્ય સંજોગોમાં જેમને મહિને ૧૦૦૦થી ૧૫૦૦ રૂપિયાનું વીજળીનું બિલ આવતું હતું તેમને તાજેતરમાં આ કંપનીઓએ પાવરનો વધારે ઉપયોગ કરવાનું કારણ આપીને મોટાં બિલ પકડાવી દેવાયાં હોવાનું જાણવા મળ્યું હતું. લૉકડાઉનમાં મોટા ભાગના લોકો ઘરમાં હતા તથા તેમણે અમુક ઉપકરણોનો વધારે ઉપયોગ કર્યો હોવાથી સામાન્ય કરતાં ડબલ બિલ આવે એની સામે લોકોને કોઈ વાંધો નથી, પણ બિલમાં કોઈ પણ જાતની સ્પષ્ટતા વિના વધારે બિલ મોકલવા સામે મોટા ભાગના લોકો વિરોધ કરી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે લોકો આ બાબતે પૂછપરછ કરે છે તો તેમને ગળે ન ઊતરે એવા જવાબ અપાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

ઈલેક્ટ્રિસિટીનાં બિલ વધારે આવવા બાબતે સોશ્યલ મીડિયા પર લોકો પોતાની વેદના પ્રગટ કરી રહ્યા છે. લૉકડાઉનના મુશ્કેલ સમયમાં કામકાજ નથી ત્યારે પાવર કંપનીઓએ મીટર- રીડિંગ કર્યા વિના વધારે પડતાં બિલ મોકલીને ગ્રાહકોની પીડામાં વધારો કર્યો હોવાના મેસેજ ફરી રહ્યા છે.



કાંદિવલી (ઈસ્ટ)માં આવેલા ઠાકુર વિલેજમાં રહેતાં નેહા વિસરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વર્ષોથી અમારું અદાણી ઇલેક્ટ્રિસિટી કંપનીનું મહિનાનું બિલ ૧૦૦૦થી ૧૨૦૦ની વચ્ચે આવે છે. ગયા મહિના સુધીનાં બધાં બિલ અમે ભર્યાં હોવા છતાં આ મહિને અમને ૪૫૦૦ રૂપિયાનું બિલ મળ્યું છે. લૉકડાઉનમાં બધાં ઘરે હોઈએ, વીજળીનાં ઉપકરણોનો ઉપયોગ વધારે થયો હોવાથી બેથી અઢી હજારનું બિલ સમજી શકાય એમ છે. મીટર-રીડિંગ કર્યા વિનાનું અંદાજિત બિલ મોકલી દેવાયું છે. આ વિશે અમે ફરિયાદ કરી તો કંપનીના કસ્ટમર કૅર દ્વારા કહેવાયું કે નવેમ્બર ૨૦૧૯થી માર્ચ સુધીના મીટર-રીડિંગમાં અમુક યુનિટ ઍડ્જસ્ટ કરાયાં છે. બિલની અંદર આવી કોઈ સ્પષ્ટતા નથી. કંપની દ્વારા ગ્રાહકોને લૉકડાઉનના કપરા સમયમાં લૂંટવામાં આવી રહ્યા છે.’


અંધરીના સાકીનાકામાં રહેતા કાઝીમ શેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તાતા પાવર કંપનીનું ચાર મહિનાથી રેગ્યુલર બિલ ભર્યું હોવા છતાં આ મહિને અમને ૧૬,૦૦૦ રૂપિયાનું બિલ પકડાવી દેવાયું છે. કંપનીમાં આટલા બિલ વિશે પૂછપરછ કરવા છતાં કોઈ જવાબ નથી અપાતો. લૉકડાઉનના સમયમાં પાવરનો થોડો વધારે ઉપયોગ થયો હોવાથી બિલમાં અમુક વધારો શક્ય છે, પરંતુ મહિને ૧૫૦૦થી ૨૦૦૦ રૂપિયાના બિલ સામે ડાયરેક્ટ ૧૬,૦૦૦ કરી દેવાય એ કંપનીની રીતસરની લૂંટ જ છે.’

તાતા પાવર કંપની વતી એડફેક્ટર પીઆરનાં સિનિયર અકાઉન્ટ મૅનેજર પાયલ તિવારીએ બિલ બાબતે ઈ-મેઇલથી આપેલા જવાબમાં જણાવ્યું હતું કે ‘૯૧ દિવસના લૉકડાઉનમાં મોટા ભાગના લોકો ૨૪ કલાક ઘરમાં રહ્યા છે. લાઇફસ્ટાઇલમાં અચાનક આવેલા આ ફેરફારથી પંખા, લાઇટ, રેફ્રિજરેટર, ટેલિવિઝન, વૉશિંગ મશીન અને ઍર-કન્ડિશનર જેવાં ઉપકરણોના વપરાશમાં વધારો થવાની શક્યતા હોવાથી કેટલાક ગ્રાહકોને સામાન્ય કરતાં વધારે બિલ મળ્યું હશે. કંપની દ્વારા દર મહિને મીટર-રીડિંગ કરાયા બાદ જ બિલ મોકલવામાં આવ્યાં છે. કોઈ ગ્રાહકને બિલ બાબતે પ્રશ્ન હોય તો તેઓ અમારી ૨૪ કલાકના હેલ્પલાઇન-નંબર ૧૯૧૨૩ પર અથવા ઈ-મેઇલ કરી શકે છે.’


અદાણી ઇલેક્ટ્રિસિટીના પ્રવક્તા વિજયેન્દ્ર ભાવસારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લૉકડાઉન લાગુ કરાયા બાદ મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશને (મર્ક) મીટર-રીડિંગ કરવાનું મુશ્કેલ હોવાથી રાજ્યમાં વીજળી પૂરી પાડતી તમામ કંપનીઓને નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીના વીજ વપરાશનાં ઍવરેજ બિલ ગ્રાહકોને આપવાનો આદેશ આપ્યો હતો. આ સમય ઠંડીનો હોય છે એટલે સ્વાભાવિક છે કે બિલ ઓછાં આવે. માર્ચથી મે સુધીના સમયમાં ઉનાળો હોવાની સાથે લૉકડાઉનમાં મોટા ભાગના લોકો ઘરમાં જ હોવાથી તમામ ઉપકરણોનો વપરાશ વધવાથી વપરાશ વધ્યો હશે. આથી જ્યારે મીટર-રીડિંગ કરાયાં ત્યારે લોકોને મોટાં બિલ મળ્યાં છે. ગ્રાહકોને રાહત આપવા માટે અમે ઑનલાઇન બિલના પેમેન્ટમાં ક્રેડિટ કાર્ડથી ઈએમઆઇની સુવિધા શરૂ કરી છે. અદાણી ઇલેક્ટ્રિસિટીની વેબસાઇટમાં આ ઑપ્શન છે.’

Whatsapp-channel Whatsapp-channel

26 June, 2020 11:53 AM IST | Mumbai | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK