ગૉસિપ અચ્છી હૈ?

Published: 29th December, 2014 05:37 IST

ગૉસિપ કરવાની ટેવવાળા લોકો ખુશ થાય એવી વાત તાજેતરમાં રિસર્ચરોએ કરી છે, પણ ડિફરન્ટ ફીલ્ડના એક્સપટોર્નું માનવું એનાથી ઘણું જુદું છે. જોઈએ તેઓ શું કહે છે
સ્પેશ્યલ સ્ટોરી - પલ્લવી આચાર્ય

નિંદા, કૂથલી, ગૉસિપ શબ્દોથી માણસમાત્ર પરિચિત છે એટલું જ નહીં; દરેકને એમાં મજા ચોક્કસ આવતી હોય છે. ઓછેવત્તે અંશે દરેક વ્યક્તિએ ગૉસિપનો કાં તો શિકાર બનવું પડ્યું હોય છે અથવા તો એનો શિકાર કોઈ વ્યક્તિને બનાવી હોય છે. તાજેતરમાં નેધરલૅન્ડ્સમાં થયેલા એક રિસર્ચમાં રિસર્ચરોએ કૂથલીખોર લોકોને ખુશી થાય એવું સંશોધન કયુંર્ છે. તેમનું કહેવું છે કે પૉઝિટિવ ગૉસિપથી વ્યક્તિ પોતાની જાતમાં ઝાંકતી થાય છે એને લઈને તેનો વિકાસ થાય છે. આ સ્ટડીનું કહેવું છે કે પોતાના વિશે થયેલી કૂથલીના કારણે વ્યક્તિ પોતે કેવી રીતે ઇમ્પ્રૂવ થવું એને અને પોતાની ક્ષમતા સામેના પડકારોને જાણી શકે છે. આ રિસર્ચ દરમ્યાન એમાં પાર્ટ લઈ રહેલા લોકોને તેમણે બીજા વિશે કરેલી પૉઝિટિવ અને નેગેટિવ ગૉસિપ યાદ કરવા કહ્યું. એ પછી તેમને ગૉસિપની  સેલ્ફ-ઇમ્પ્રૂવમેન્ટ, સેલ્ફ-પ્રમોશન અને સેલ્ફ-પ્રોટેક્શન વૅલ્યુ બાબતના કેટલાક સવાલો પૂછવામાં આવ્યા. આ પરથી તેમણે તારવ્યું કે જેમની પૉઝિટિવ ગૉસિપ થઈ હતી એ લોકોની સેલ્ફ-ઇમ્પ્રૂવમેન્ટ વૅલ્યુ વધી હતી અને જેમની નેગેટિવ ગૉસિપ થઈ હતી એ લોકોની પણ સેલ્ફ-પ્રમોશન વૅલ્યુ વધી હતી. ટૂંકમાં આ સ્ટડીનું કહેવું છે કે ગૉસિપના કારણે વ્યક્તિને તેના માટેની જે કમ્પૅરેટિવ ઇન્ફર્મેશન મળે છે એના કારણે તેને પોતાની ક્ષતિઓ સામે ઇમ્પ્રૂવ થવા માટેનો પૂરતો મસાલો મળી રહે છે. ગૉસિપ પૉઝિટિવ હોય કે નેગેટિવ, એ ગૉસિપ કરનાર અને જેની ગૉસિપ થઈ છે એ બેય પક્ષને ફાયદો કરે છે એવું આ રિસર્ચનું કહેવું છે.

આજના સમયમાં રેલવન્ટ નહીં

ગૉસિપ આજના સમયમાં વેસ્ટ ઑફ ટાઇમ છે એવું જાણીતા ઍક્ટર અને નાટકોના નિર્માતા સંજય ગોરડિયાનું માનવું છે એટલું જ નહીં, આજના સમયમાં તેઓ ગૉસિપને આઉટડેટેડ વસ્તુ માને છે. તેથી જ તેઓ કહે છે, ‘આજના સમયમાં આવી રીતે સમય વેડફવાનો સમય જ કોઈની પાસે નથી.’

ગૉસિપ કદી ફાયદાકારક હોઈ જ ન શકે એવું દૃઢપણે તેઓ માને છે. તેથી જ તેમનું કહેવું છે કે ગૉસિપથી માત્ર અને માત્ર નુકસાન જ થાય છે. ગૉસિપથી માનસ સંકુચિત થઈ જાય છે. તેમનો સંદર્ભ ગૉસિપ કરવાવાળા અને ગૉસિપ જેના વિશે થઈ છે એ સાંભળનાર બેય માટે છે. તમે જે વ્યક્તિ વિશે ગૉસિપ કરો છો એનાથી જે વ્યક્તિની ગૉસિપ થઈ છે તેને તો નુકસાન થાય છે જ સાથે ગૉસિપ કરનાર વ્યક્તિ આ રીતે તે વ્યક્તિને વધુપડતું મહત્વ આપે છે એટલું જ નહીં, એને લઈને તે પોતે લઘુતાગ્રંથિ બાંધી દે છે. આ બધું ઓવરઑલ ગૉસિપ કરનાર વ્યક્તિને જ નુકસાન કરે છે. આ રીતે જોઈએ તો ગૉસિપ કરવાથી વ્યક્તિને ક્ષણિક ખુશી મળતી હશે, પણ નુકસાન વધુ થાય છે.

આજના સમયમાં તો ગૉસિપનો કન્સેપ્ટ જ નથી એની વાત કરતાં સંજય ગોરડિયા કહે છે, ‘એક જમાનો હતો જ્યારે માણસો પાસે કમ્પ્યુટર, ફેસબુક, ટ્વિટર એ કોઈ સોશ્યલ મીડિયા નહોતાં. આજે માણસે પાંચ મિનિટનો બ્રેક કામમાંથી લેવો હોય તો તેની પાસે આ બધું જ છે. હવે તો ન્યુઝ પણ મોબાઇલ પર મળી જાય છે. તેથી જ આજના સમયમાં ગૉસિપને હું આઉટડેટેડ માનું છું. એક જમાનો હતો કે તમે એકલપેટા રહી જ નહોતા શકતા, વાત કરવા માટે તમને કોઈક તો જોઈતું જ હતું . હવે એવું નથી. માણસ પોતાના મોબાઇલ, કમ્પ્યુટર  પર દુનિયાભરના લોકોને મળી શકે છે.’

ગૉસિપ કરનારને જ ગૉસિપ કઈ રીતે નુકસાન કરી શકે છે એ જુઓ. ઘણી વાર એવું બને છે કે તમારી પાસે ગૉસિપ કરીને કેટલીક વ્યક્તિઓ જે-તે વ્યક્તિ વિશે તમારી પાસે બોલાવે અને પછી એ વ્યક્તિને જઈને કહી દે કે તમે તેના વિશે શું બોલ્યા હતા. ગોરડિયા કહે છે, ‘તમે જેના વિશે જેની સાથે ગૉસિપ કરી હોય એ વ્યક્તિ એક સમયે તમારો મિત્ર હોય, પણ એ મિત્રતા દુશ્મનીમાં ક્યારે પલટાઈ જાય એ કહેવાય નહીં. તેથી જ ન બોલવામાં નવ ગુણ!’

જરાય સહમત નહીં

ગૉસિપથી માણસ આત્મનિરીક્ષણ કરે કે તેનો વિકાસ થાય એ વાત સાથે હું જરાય સહમત નથી એમ જણાવતાં વિલે પાર્લે અને મલાડમાં આઠ વર્ષથી સાઇકોથેરપિસ્ટ તરીકે પ્રૅક્ટિસ કરી રહેલાં કુંજલ શાહ કહે છે, ‘ગૉસિપ એ કરનાર માટે કે જેના વિશે થઈ છે તેના માટે કોઈ સંજોગોમાં ફાયદાકારક ન હોઈ શકે. તેથી આ સંશોધન સાથે હું સંપૂર્ણપણે અસહમત છું.’

કુંજલનું માનવું છે કે સૌથી પહેલી વાત તો એ કે તમે કોઈની ગૉસિપ કરો છો ત્યારે તમે તમારા પોતાના કામ પર ધ્યાન નથી આપી રહ્યા. તમે પોતાના કામમાં ધ્યાન ન આપો તો તમે પોતાનો વિકાસ કેવી રીતે કરી શકો? તમે જ્યારે તમારા કામના બદલે બીજી બાબતને પ્રાયોરિટી આપો તો તમે કન્સ્ટ્રક્ટિવ ન રહી શકો અને કન્સ્ટ્રક્ટિવ ન હો તો તમારું ડેવલપમેન્ટ કરેવી રીતે થાય? કુંજલ કહે છે, ‘જે માણસ પોતાના ઉપર ધ્યાન આપે છે તેનો જ વિકાસ થાય છે નહીં કે બીજાના ઉપર ધ્યાન આપે છે તેનો.’

ગૉસિપ અને માણસના ગ્રોથની વાત મને તો સાવ ઇર્રેલવન્ટ લાગે છે એમ જણાવતાં કુંજલ કહે છે, ‘તમે પોતાના વિશે સારું કે ખરાબ કેટલી હદ સુધી સાંભળી શકો એના પર એ તમારું ખરાબ કે સારું કરી શકે એનો આધાર છે. જે માણસનું ધ્યાન પોતાની ઉપર છે તેને તો આવી બીજા બધાની ઊડતી વાતોથી કોઈ લેવાદેવા નથી હોતી. આ ઊડતી વાતોમાં તથ્ય બહુ ઓછું હોય છે. જે માણસ પોતાનો ગ્રોથ ઇચ્છે છે તેનું ફોકસ પોતાના પર હોય છે નહીં કે ગૉસિપ પર. વિકાસ સેલ્ફ-રિફ્લેક્શન એટલે કે પોતાની અંદર ઝાંકવાથી થાય નહીં કે ગૉસિપથી. ઊલટાનું ગૉસિપથી કોઈને ભારે નુકસાન પણ થઈ શકે છે.’

ઍડલ્ટ માટે વધુ કામ કરતાં કુંજલ કહે છે કે ‘૧૪ વર્ષથી લઈને ૨૫ વર્ષના લોકો જે તેમની આઇડેન્ટિટી બનાવવાની પ્રોસેસમાં છે તેમને નેગેટિવ ગૉસિપથી બહુ નુકસાન થાય છે. તે બહુ કન્ફ્યુઝ થઈ જાય છે અને એને લઈને કેટલીક વાર તેને ભારે નુકસાન પણ થઈ જાય છે. ડેવલપમેન્ટ એટલે કે ચેન્જવાળા તેના આ પિરિયડમાં તેની નેગેટિવ ગૉસિપના કારણે તેને નથી સમજાતું કે કેવી રીતે રહેવું અને દુનિયાને કેવી રીતે જોવી. સામાન્ય રીતે આ વયના લોકોમાં ગૉસિપનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. એનું એક કારણ એ પણ હોય છે કે કોઈ વ્યક્તિ જે કંઈ કરી રહી હોય છે એમાં તેને પોતાના માઇન્ડની ક્લૅરિટી જોઈતી હોવાથી તે ગૉસિપ કરે છે. તો કેટલીક વાર ખોટી વાતો પણ થાય છે. આ વયના લોકોમાં ગૉસિપના કારણે બહુ ફરક પડે છે. તેથી જ જો તે પૉઝિટિવ ન હોય તો તેને નુકસાન થઈ શકે છે એટલું જ નહીં, કેટલીક વાર જેની ગૉસિપ થઈ છે તે વ્યક્તિ ઉપરાંત તેના પરિવારને પણ એની અફેક્ટ થઈ શકે છે.’ 

હકીકતની કલ્પના


ગૉસિપ એટલે ગૉસિપ એટલે ગૉસિપ એમ કહેતાં જાણીતા સેક્સોલૉજિસ્ટ ડૉ. પ્રકાશ કોઠારી કહે છે, ‘ગૉસિપિંગ પૉઝિટિવ હોય તો મદદરૂપ થઈ શકે છે, કારણ કે એનાથી ઘણી વાર સેલ્ફ-રિયલાઇઝેશન થઈ શકે છે અને પોતાની પ્રતીતિ થવી એ વિકાસ માટે બહુ મોટી વાત છે.’

રાધાસ્વામી સંત મતના મહારાજ ચરણસિંહજીનું તો માનવું છે કે ભગવાનની પ્રતીતિ થાય એ પહેલાં માણસને પોતાની પ્રતીતિ થાય એ જરૂરી છે. માણસના વિકાસ માટે જાતનું રિયલાઇઝેશન બહુ જરૂરી છે અને એ પોતાના વિશે થયેલી ગૉસિપના કારણે થઈ શકે છે. ગૉસિપ ખરેખર પૉઝિટિવ હોય અને સાચી હોય તો બરાબર, પણ નેગેટિવ ગૉસિપ જેના વિશે ગૉસિપ થઈ છે તેને બહુ નુકસાન કરી શકે છે.

પોતાના વિશેની ખોટી વાતોથી માણસ ઘણી વાર બહુ દુ:ખી થઈ જાય છે અને ન લેવાના નિર્ણયો પણ લઈ લે છે જે વાસ્તવમાં સાચી પણ નથી હોતી. ડૉ. કોઠારી કહે છે, ‘ગૉસિપ કલ્પના વધુ છે, હકીકત નથી હોતી. આ હકીકત કરતાં હકીકતની કલ્પના વધુ નુકસાનકારક હોઈ શકે છે, કારણ કે કલ્પના વધુ રંગીન અને અસરકારક હોય છે.’

ગૉસિપ વિશે જે કહો એ, પણ એમાં કંઈક તો સત્ય જરૂર હોય છે. ધુમાડો નીકળે ત્યાં આગ હોયને હોય જ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK