Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જાતને નુકસાન થાય એટલી ભલમનસાઈ સારી નહીં

જાતને નુકસાન થાય એટલી ભલમનસાઈ સારી નહીં

03 February, 2021 10:49 AM IST | Mumbai
Sejal Ponda

જાતને નુકસાન થાય એટલી ભલમનસાઈ સારી નહીં

જાતને નુકસાન થાય એટલી ભલમનસાઈ સારી નહીં

જાતને નુકસાન થાય એટલી ભલમનસાઈ સારી નહીં


ભલમનસાઈ કે માણસાઈનો અર્થ એ નથી કે ખોટું થતું હોય તોય ચૂપ બેસવું. જ્યારે તમારી સાથે કંઈક ખોટું થતું હોય ત્યારે જો તમે વ્યક્ત નથી થતા તો એ અકળામણ તમને અંદરથી વધારે તોડી નાખે છે અને તમારી અંદર અવ્યક્ત રહેલી ભાવનાઓ ભેગી થતી જાય છે જે ક્યારેક-ક્યારેક વિકરાળ સ્વરૂપે જ્વાળામુખીની જેમ ફાટે છે

ક્યાંક વાંચ્યું હતું કે કોઈ આપણી સાથે ગમેતેવું વર્તન કરે, ગમેતેટલા હેરાન કરે તોય આપણે આપણા સંસ્કાર છોડવા નહીં. આપણે આપણી ભલમનસાઈ છોડવી નહીં. આ ભલમનસાઈ એટલે શું? ભલમનસાઈ બતાડવી એટલે માણસાઈ બતાડવી. ભલાઈ દાખવવી. માણસાઈ એટલે શું? કોઈનું ખરાબ ન કરવું. હંમેશાં બધાની મદદ કરવી. સારું વર્તન કરવું. કો-ઑપરેટિવ રહેવું. બીજાના દુઃખે દુઃખી થવું. બીજાના સુખે સુખી થવું. ઈર્ષા કરવી નહીં. પ્રપંચ કરવા નહીં. કાવાદાવા કરવા નહીં. આ બધા ગુણ માણસાઈના ગુણ કહેવાય.
ચાલો સમજો કે આપણામાં આ બધા ગુણ છે. એટલે કે આપણામાં માણસાઈ છે. હવે આનાથી ઊંધું વિચારીએ. કોઈ આપણી સાથે ગેરવર્તન કરે, પ્રપંચ કરે, કાવાદાવા કરે, હડધૂત કરે, તકલીફો ઊભી કરે, મુશ્કેલીમાં નાખી દે, ઈર્ષા કરે, મહેનતનું છીનવી લે તો આપણે શું કરવું જોઈએ? સરળ જવાબ છે, આટલું બધું થાય તો પણ આપણે આપણી માણસાઈ છોડવી નહીં, બરાબર? માણસાઈ ન છોડવી એટલે શું? માણસાઈ ન છોડવી એટલે કોઈ ગમેતેટલું ખરાબ કરે, ગાળ આપી જાય તોય ચૂપચાપ સાંભળી લેવું. કોઈ પગલાં ન લેવાં, બરાબરને? આપણે માણસાઈમાં, ભલાઈમાં માનનારા છીએ ભાઈ! આપણાથી કોઈને એમ થોડી કહેવાય કે તમે મારી સાથે ગમેતેટલું ખરાબ કરો, પ્રપંચ કરો, હું એક હરફ નહીં ઉચ્ચારું. વાસ્તવમાં આ શક્ય છે?
કોઈ હેરાન કરવા માટે નવ વાર ગાળ આપી જાય તો શું તમે નવ વાર તેને ઇગ્નોર કરશો? સમજો કે માણસાઈ ખાતર ઇગ્નોર કરી પણ લીધું હોય તો પણ શું દસમી વાર તમારી અંદરની માણસાઈ છંછેડાઈ નહીં જાય? કોઈ અપમાન કરતું હોય, ઉતારી પાડતું હોય; તમે સહન કરો, સહન કર્યા કરો, કર્યા કરો પણ ક્યારેક તો તમારું સ્વમાન ઘવાશે જ ઘવાશે. ક્યારેક તો તમને મનની અંદર લાગી જ આવશે. દુઃખ થશે. તકલીફ થશે અને એટલે તમે અવાજ ઉપાડશો. સામનો કરશો. એનો અર્થ એવો થાય કે તમારી અંદરની માણસાઈ મરી ગઈ? ભલમનસાઈ મરી ગઈ? તમને મળેલી સારા માણસની ટૅગલાઇન ભૂંસાઈ ગઈ? જવાબ છે ના. તમારી સાથે ખોટું થઈ રહ્યું હોય તો શું તમે ચૂપચાપ બેસી રહેશો? જવાબ છે ના.
ભલમનસાઈ કે માણસાઈનો અર્થ એ નથી કે ખોટું થતું હોય તોય ચૂપ બેસવું. જ્યારે તમારી સાથે ખોટું થતું હોય ત્યારે જો તમે વ્યક્ત નથી થતા તો એ અકળામણ તમને અંદરથી વધારે તોડી નાખે છે અને તમારી અંદર અવ્યક્ત રહેલી ભાવનાઓ ભેગી થતી જાય છે, જે ક્યારેક વિકરાળ સ્વરૂપે જ્વાળામુખીની જેમ ફાટે છે.
ભલે આપણા અવાજમાં ઉગ્રતા ન હોય, મોઢામાં ગાળ ન હોય, અપશબ્દ ન હોય પણ જ્યાં આપણને નડતું હોય ત્યાં બોલવું તો પડશે જ. એનો અર્થ એ નથી કે આપણી માણસાઈ ખતમ થઈ ગઈ. માણસાઈ અને ભલમનસાઈનો અર્થ એ નથી થતો કે
ભાઈ અમે તો માણસાઈમાં માનીએ છીએ એટલે અમારી સાથે ગમે તેવું વર્તન કે વ્યવહાર થતો હોય અમે તો ચૂપ રહીશું. ચૂપ રહીને જોજો. અમુક સમય પછી મૌન જરૂર તૂટશે. કારણ આપણે સંસારમાં જીવીએ છીએ. રોજ ગમતાં અણગમતાં લોકો સાથે વ્યવહાર કરવાનો છે. સંબંધ સાચવવાનો છે. એ પણ આપણાથી કોઈને દુઃખ થાય, તકલીફ ન પહોંચે એ રીતે.
કેટલી અઘરી ટાસ્ક છે નહીં? કારણ સો એ સો ટકા કોઈ વ્યક્તિને આપણે સાચવી નથી શકતાં. માણસ તરીકે આપણે એ જ જોવાનું છે કે આપણાથી કોઈનું અહિત ન થાય, આપણાથી બીજા માટે કાવાદાવા ન થાય, ઈર્ષા ન થાય. આપણે સાફ મન રાખી વ્યવહાર અને વર્તન કરીએ. અને જ્યાં બોલવું પડે
એમ હોય ત્યાં આપણું મૌન તોડી સારા શબ્દોમાં સમજાવીએ.
મૌન આમ તો ઝઘડાઓ ટાળવાનું બહુ સારું માધ્યમ છે. એનાથી આપણી એનર્જી ખોટી દીશામાં જતાં બચે છે. પણ ઘણી વખત સામેવાળી વ્યક્તિ મૌનનો અર્થ એવો કાઢે છે કે આ વ્યક્તિ સાથે ગમે તેમ વ્યવહાર વર્તન કરી શકાશે. બસ, તેમના આ જ ભ્રમને તોડવા મૌન તોડવું જરૂરી છે. અને મૌન તોડ્યા પછી આપણા શબ્દોમાં વજન પણ હોય અને એ શાંતિથી કોઈ પણ અપશબ્દ વિના કહેવાઈ પણ જાય એવા હોવા જોઈએ. સમજાવવા માટે અવાજ ઊંચો કરવાની જરૂર નથી.
આપણું અહિત થતું હોય ત્યાં સુધી ચૂપ બેસી રહેવું પણ મૂર્ખાઈ જ છે. ઘણીવાર શબ્દોનો ચમકારો બતાડવો પડે. પણ આ શબ્દોમાં શરીફાઈ હોવી જોઈએ. શબ્દોનો બેફામ વેડફાટ ન થવો જોઈએ. પણ ગુસ્સામાં આપણાથી એવો વેડફાટ થઈ જાય છે. ભલમનસાઈ એટલે દરેકનું ભલું ઈચ્છવું. આપણું અહિત કરનારનું પણ ભલું ઈચ્છવું. પણ વ્યવહારમાં વાણી વહેતી કરવી પડે એમ હોય ત્યારે કરી જ દેવી.
આપણી અંદર માણસાઈના દીવા સતત પ્રજ્વલિત રહેવા જોઈએ. અને કોઈ જો આપણા જીવનમાં અંધકાર કરવા આવે તો તેની સામે એક એવો દીવો પ્રગટાવવો પડે જેનાથી એ વ્યક્તિને એટલું સમજાઈ જાય કે આ વ્યક્તિ માણસાઈ નહીં છોડે અને ખોટું સહન પણ નહીં કરે.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)



મૌન આમ તો ઝઘડાઓ ટાળવાનું બહુ સારું માધ્યમ છે. એનાથી આપણી એનર્જી ખોટી દિશામાં જતાં બચે છે. પણ ઘણી વખત સામેવાળી વ્યક્તિ મૌનનો અર્થ એવો કાઢે છે કે આ વ્યક્તિ સાથે ગમે તેમ વ્યવહાર વર્તન કરી શકાશે. બસ, તેમના આ જ ભ્રમને તોડવા મૌન તોડવું જરૂરી છે. મૌન તોડ્યા પછીના આપણા શબ્દોમાં વજન પણ હોય અને એ શાંતિથી કોઈ પણ અપશબ્દ વિના કહેવાઈ પણ જાય એવા હોવા જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

03 February, 2021 10:49 AM IST | Mumbai | Sejal Ponda

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK