ભલા માણસ, કોણે કહ્યું ઈશ્વર પરમ કૃપાળુ છે?

Published: 17th July, 2020 06:59 IST | Rashmin Shah | Mumbai

સોશ્યલ સાયન્સ : ના રે, સહેજ પણ નહીં. કૃપાની આદત માણસને પડી છે અને એટલે જ તે એવા ભ્રમમાં જીવે છે કે ભગવાન પરમ કૃપાળુ છે, પણ હકીકત એ છે કે ઈશ્વર તો વાસ્તવવાદી છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

બિલકુલ નહીં અને ક્યારેય નહીં. આ બધી મન મનાવવાની વાત છે કે ભગવાન તો કૃપાળુ છે અને ઈશ્વર તો પરમ સ્નેહાળ છે. ના, જરા પણ નહીં, કોઈ દિવસ નહીં. જો ભગવાન કૃપાળુ હોત તો પછી મંદિરની બહાર ભૂખ્યાઓની લાંબી લાઇનો લાગી ન હોત. જો ઈશ્વર પરમ કૃપાળુ હોત તો કોરોનાની બીમારી લઈને હૉસ્પિટલે ગયેલા સ્નેહી જનની અંતિમ ક્રિયાનો હક તેના કુટુંબીજનો ગુમાવતા ન હોત. ભગવાન કૃપાળુ છે જ નહીં. ભગવાન વાસ્તવવાદી છે. આ તો આપણને આદત પડી ગઈ છે કૃપાઓ વચ્ચે જીવવાની અને સૌકોઈની પાસેથી કૃપાદૃષ્ટિ મેળવ્યા કરવાની, દયાની ભીખ માગ્યા કરવાની અને હાથ ફેલાવ્યા કરવાની અને એટલે જ તો આપણે એવી આશા જાતે જ ઊભી કરી લીધી કે ભગવાન પણ કૃપાદૃષ્ટિ રાખીને સહાય કરી દેશે, ઇચ્છાપૂર્તિનો એકાદ ટુકડો નાખી દેશે.
ઈશ્વર પરમ કૃપાળુ છે એ તમારી ધારણા છે. કહો કે એ તમારી ઇચ્છા છે, તમારી મહેચ્છા છે. બાકી ઈશ્વરનો એ સ્વભાવ નથી. ઈશ્વર કૃપાળુ છે જ નહીં. કૃપા કરવી, દયા ખાવી, મોટું મન રાખવાનું તેને આવડતું નથી અને એમાં કશું ખોટું પણ નથી. નાહકનું મોટું મન રાખવાનો કે પછી વગરકારણે દયા ખાવાનો કોઈ અર્થ નથી. ખાસ કરીને ત્યારે જ્યારે તમે વાસ્તવવાદી હો. હા, ઈશ્વર વાસ્તવવાદી છે. વાસ્તવિકતા જોતાં તેને આવડે છે અને તે વાસ્તવિકતાને જોઈને ચાલવામાં માને છે. મંદિરના દરવાજે આવીને આંખો બંધ કરીને કાકલુદી કરી પરીક્ષામાં પાસ કરવાની યાચના કરનારાની કાકલૂદીમાં તેને ત્યારે જ રસ પડે છે જ્યારે એ બંધ આંખ આખી રાત ખુલ્લી રહીને વાંચવાનું કામ કરે છે. ગાડી માટે
ભીખ માગનારાને ગાડી આપવાનું મન ઉપરવાળાને ત્યારે જ થાય છે જ્યારે ભીખ માગનારા હાથ કર્મની દિશામાં આગળ વધે છે. ખોટું છે, સાવ ખોટું છે કે ઈશ્વર પરમ કૃપાળુ છે. ના, બિલકુલ નહીં. ઈશ્વર વાસ્તવવાદી છે અને વાસ્તવવાદી હિસાબકિતાબમાં વિશ્વાસ ધરાવતો હોય છે. ખાતામાં જે હશે એ મુજબનો વહીવટ કરવામાં તે માને છે અને એટલે જ તેને ક્યારેય દયા ખાવાનું ગમ્યું નથી. જો દયા ખાવાનું ગમ્યું હોત તો ઈશ્વરે જંગલનો કાયદો બદલી નાખ્યો હોત. જો કૃપાળુ સ્વભાવ રાખવાની માનસિકતા
ઈશ્વરે કેળવી હોત તો ઉત્ક્રાંતિમાં માણસનું પૂંછડું નહીં, સિંહના પંજાના નહોર નીકળી ગયા હોત. જો માયાળુ સ્વભાવ ઈશ્વર
ધરાવતો હોત તો સિંહ અને હરણ કે પછી શિયાળ અને સસલાની ભાઈબંધીના કિસ્સાઓ નરી આંખે જોવા મળતા હોત પણ જોવા નથી મળતા અને એ પછી પણ વાસ્તવિકતા સ્વીકારવાને બદલે ઈશ્વરને પરમ કૃપાળુનો ટૅગ આપીને માણસ દુઃખી થવાની દિશામાં આગળ વધે છે.
જો ભગવાન પરમ કૃપાળુ હોત તો પ્રલયમાં હજારો અને લાખો લોકોના જીવ જતા ન હોત. જો ઈશ્વર દયાવાન હોત તો કોઈ બાળક ક્યારેય ભૂખ્યું રહેતું ન હોત અને જો ભગવાનના મનમાં રામ વસતા હોત તો ઍક્સિડન્ટમાં ક્યારેય કોઈ અનાથ ન થતું હોત. થાય છે, આ બધું થાય છે અને રાબેતા મુજબ બને છે; કારણ કે ઈશ્વર વાસ્તવવાદી છે. પેટ ભરીને તમાકુ પેટમાં ઓરી લીધા પછી કૅન્સરની બાયોપ્સીનો રિપોર્ટ લેવા જનારો માતાજીની માનતા લેતો જાય કે પછી પિતાજીની બાધા માની લે, રિપોર્ટ એ જ આવવાનો છે જે પેટમાં બોલે છે. વાંચવાની તસ્દી નહીં લેનારાને નાપાસ કરવાનું કામ ઈશ્વરનું નથી, એ કામ માસ્તરનું છે અને ખરાબ ગયેલા પેપર્સમાં લખેલા ખોટા જવાબોના પણ માર્કસ મળી જતા હોય ત્યારે ભગવાન નહીં, માસ્તર પરમ કૃપાળુ
પુરવાર થાય છે. પણ તેની દયાને પણ ભગવાનના ખાતામાં ઉમેરી દેવાનું કામ આપણે કરીએ છીએ. કારણ? કારણ કે
ઈશ્વરને પરમ કૃપાળુ માનવાની, ભગવાનને દયાવાન ધારવાની આપણને આદત
પડી ગઈ છે અને આદતને રમાડતા
રહેવાનું, એને પોસતા રહેવાનું આપણને ફાવી ગયું છે.
ફાવટ આપણી છે અને એનો જશ ભગવાનને છે. આ જ ફાવટને બદલવાની જરૂર છે. ભગવાન પાસે માગ્યા પછી એ ન મળે તો ભગવાનને નહીં કોસવાની માનસિકતાને બદલે માનસિકતા એવી કેળવો કે ભગવાન પાસે માગવું નથી. કહ્યું એમ, એ વાસ્તવવાદી છે અને વાસ્તવિકતા જોઈને એ પરિણામ આપી દેવાનો છે. જો એવું જ હોય તો પછી હાથ શાને માટે ફેલાવવાનો? બિઝનેસમૅનનો એક નિયમ છે જેને તે ભૂલ્યા વિના ફૉલો કરે છે. સમયસર પેમેન્ટ આપી દેનારા કસ્ટમરના ઘરે ફોન કરીને ઉઘરાણી નહીં કરવાની. આવું કરવાનું કારણ પણ સમજવા જેવું છે. કસ્ટમરને ખરાબ લાગી શકે અને ધારો કે તેને ખરાબ લાગે તો આટલો સાલસ, નિયમિત અને પૂર્ણપણે યોગ્ય કહેવાય એવો એ કસ્ટમર બીજા વેપારીને ત્યાં ચાલ્યો જાય એવી પૂરતી સંભાવના રહે છે. રિસ્ક ન લે એ વેપારી નહીં. કબૂલ. આ સાચી જ વાત છે, પણ આ જ વાતની સાથોસાથ તમને એ પણ ખબર હશે કે સાચો વેપારી ક્યારેય વાહિયાત રિસ્ક ન લે. સારા કસ્ટમરને ગુમાવવો કોઈને પાલવે નહીં અને જો એ કોઈને પાલવે નહીં તો તમારી સામે તો ભગવાન છે. શું કામ માગીને રિસ્ક લેવાનું? સમય આવ્યે બિલની ચુકવણી થઈ જવાની છે તો બહેતર છે કે સમય આવે એની રાહ જોઈને મનમાંથી ભગવાનની પરમ કૃપાળુ ઇમેજ કાઢીએ અને સાથોસાથ બેસ્ટ વેપારી બનીને કસ્ટમરને ડિલિવરી આપવાની છે એ બેસ્ટ રીતે આપીએ. હા, બેસ્ટ રીતે અને એક આડવાત, આ બેસ્ટની વ્યાખ્યા તમે માંડશો તો નહીં ચાલે. બેસ્ટ એ જ કહેવાય જે એ કામને રિસીવ કરવાનું હોય. (આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK