Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બધાને પ્રબોધ જોશીની અને હવે...

બધાને પ્રબોધ જોશીની અને હવે...

17 December, 2020 03:02 PM IST | Mumbai
Latesh Shah

બધાને પ્રબોધ જોશીની અને હવે...

૧૯૭૨માં બિરલા સભાગૃહમાં દર્શક તરીકે બેઠેલા મહાનુભાવો નિરંજન મહેતા, પ્રોડ્યુસર સ્વ. લાલુ શાહ, સ્વ. કાન્તિ મડિયા અને પાછળ ઊભેલા લોકોમાં હું પણ હતો

૧૯૭૨માં બિરલા સભાગૃહમાં દર્શક તરીકે બેઠેલા મહાનુભાવો નિરંજન મહેતા, પ્રોડ્યુસર સ્વ. લાલુ શાહ, સ્વ. કાન્તિ મડિયા અને પાછળ ઊભેલા લોકોમાં હું પણ હતો


છેલ્લો દિવસ આવી ગયો. બિરલા માતુશ્રી ભરચક ભરાયેલું હતું. બધાં એકાંકીઓ ભજવાઈ ગયાં હતાં. નિર્ણાયકો રિઝલ્ટ આપવા માટે મૅનેજરની કૅબિનમાં ચર્ચાવિચારણા કરતા હતા. હું અને મારા જેવા બધા પ્રતિસ્પર્ધીઓ બિરલાની અંદર અને બહાર ટેન્શનમાં હરીફરી રહ્યા હતા. બધાના ચહેરા પર ટેન્શનનું ચણતર ચણાયેલું હતું, શું રિઝલ્ટ આવશે? પ્રેક્ષક વિદ્યાર્થીઓ ધમાલ કરી રહ્યા હતા. અમુક કૉલેજવાળા તો ઢોલ-નગારાં અને ખંજરી વગેરે લાવ્યા હતા. બિરલા સભાગૃહ ચિલ્ડ એસી થઈ ઠંડું હતું, પણ નાટક ભજવનારાઓને ગરમી થતી હતી. નિર્ણાયકોના નિર્ણયોની ઇંતજારી હતી ત્યાં જ ત્રીજી બેલ વાગી અને બહાર ઊભેલા બધા ભાગ્યા અંદર. બધાને પ્રબોધ જોશીનું ‘અને હવે...’ સાથેનું પ્રાઇઝનું અનાઉન્સમેન્ટ સાંભળવાની તાલાવેલી હતી.

કર્ટન બંધ હોવાને લીધે વિદ્યાર્થી કલાકારો અને પ્રેક્ષકો ઑડિટોરિયમમાં પોતપોતાની કૉલેજના નામે નારા લગાવતા હતા. સામાન્ય પ્રેક્ષકો કૉલેજના વિદ્યાર્થીઓની ધમાલ જોઈને આશ્ચર્યમાં હરખાતા અને મલકાતા હતા. સભાગૃહમાં ઉત્સવનો માહોલ હતો. બધી કૉલેજના પાર્ટિસિપેન્ટ્સ ટેન્શનમાં આઘાપાછા થતા હતા. તેમના સપોર્ટરોમાં કોઈ ઢોલ લઈને આવ્યા હતા તો કોઈ બોન્ગો-કોન્ગો, તબલાં, ખંજરી લઈને આવ્યા હતા. અમુક વિદ્યાર્થીઓ પોતાનું ગ્રુપ બનાવીને ગીતો ગાઈ રહ્યા હતા. થિયેટરમાં એક્સાઇટમેન્ટ, રોમૅન્સ, ઍન્ગ્ઝાયટી, ક્યુરિયોસિટી, સસ્પેન્સ, થ્રિલ, સ્ટ્રેસ અને ટેન્શનનો ગ્રાફ  ઊંચો જઈ  રહ્યો હતો. અમુક લોકો આપસમાં ચૅલેન્જ લગાવી રહ્યા હતા કે કઈ  કૉલેજને અવૉર્ડ, ટ્રોફી કે રિવૉર્ડ મળશે. બધાનાં બણગાંમાં એક વાત કૉમન હતી કે આ વખતે ફાઇટ ટફ છે એટલે જજ આપસમાં ડિસ્કશનમાં સમયનાં ભજિયાં તળી રહ્યા હતા. પ્રેક્ષકોમાંથી અમુક શાણા  શકરાઓ પોતાને ફાવે એવી અફવાબજારને ગરમ કરતા હતા. એક જણે તો આવીને  જાણે પેપર ફોડ્યું, ‘અંદરની ખબર છે. જજ પોદ્દારના આર્ટિસ્ટનો સગો છે એટલે લગભગ  બેસ્ટ પ્લેની ટ્રોફી પોદ્દારને જશે.’



 જાણે તે ધૃતરાષ્ટ્રનો સંજય હોય એમ કૉન્ફિડન્સથી આસપાસ પબ્લિક ભેગી થતાં બોલ્યો, ‘ઍક્ટિંગનાં પ્રાઇઝ પણ પોદ્દાર કૉલેજ, એનએમ કૉલેજ અને ભવન્સ કૉલેજમાં વહેંચાઈ જશે. સૉરી લતેશ, બેટર લક નેક્સ્ટ ટાઇમ!’ એ ડંફાસિયો રશ્મિ હતો.


ઝરણાંનો લાડકો થવા રશ્મિ બોલ્યો, ‘બેસ્ટ ઍક્ટ્રેસનું પ્રાઇઝ ઝરણાંને મળશે. યુ સી ધેર ઇઝ નો કૉમ્પિટિશન. ઝરણાંનો અભિનય લાજવાબ હતો.’ છેલ્લું વાક્ય રશ્મિ મને જલાવવા બોલ્યો કે ઝરણાંને પટાવવા બોલ્યો એ કાંઈ સમજાયું નહીં. પરી અત્યાર સુધી ટેન્શનમાં આંગળીના ટેરવે કંઈક રટણ કરતી હતી તે અચાનક બોલી પડી, ‘રશ્મિ, ફેકના બંધ કર. તુઝે ઇન્ફૉર્મેશન કિસને દી? જજ તેરા ચાચા હૈ ક્યા? ઝરણાં કો પ્રાઇઝ મિલેગા તો તુ પાર્ટી દેના સબકો.’ રશ્મિ બોલ્યો, ‘ઝરણાંને પ્રાઇઝ મળશે જ. મારા તરફથી બધાને કૅન્ટીનમાં પાર્ટી નક્કી.’ આસપાસ ઘેરીને બેઠેલા બધાએ તાળીઓ પાડીને રશ્મિને વધાવી લીધો. રશ્મિ મલકાવા લાગ્યો અને ઝરણાં મને જોવા લાગી ત્યારે પહેલી વાર મેં પરીની આંખોમાં કોઈ ચળકાટ જોયો. એ ઈર્ષ્યાની આગનો હતો કે મારા પ્રત્યે ઊભરાયેલા સ્નેહનો હતો. તેનો આત્મવિશ્વાસ બોલી ઊઠ્યો, ‘ઝરણાં કો મિલે ના મિલે, કોઈ ન કોઈ પ્રાઇઝ લતેશ કો મિલેગા.’

પરી અને રશ્મિએ શરત લગાવી કે ઝરણાંને પ્રાઇઝ મળશે તો રશ્મિ પાર્ટી આપશે અને લતેશને પ્રાઇઝ મળશે તો પાર્ટી પરી આપશે. સરપ્રાઇઝિંગલી પરીએ શરત સ્વીકારી લીધી. મારા માટે તેનું ચૅલેન્જ સ્વીકારવું એ મને પ્રાઇઝ મળવા કરતાં મોટું ઇનામ હતું. મનના ખૂણામાં ક્યાંક ગલગલિયા થતા અનુભવ્યા, એટલે શું  પરી મને પ્રેમ કરતી હશે? કે તે બ્રૉડ માઇન્ડની છે એટલે એક જિગરી દોસ્ત તરીકે મને પ્રોત્સાહિત કરતી હશે? સમજવામાં કચ્છી ભેજું ગોસમોટાળામાં ગોથાં અને ગુલાંટ મારી  રહ્યું હતું. પ્રેમની પરિભાષા ઉકેલવી અઘરી છે.


ત્યાં જ અનાઉન્સમેન્ટ થયું અને જોરદાર તાળીઓના તાલે પડદો જાણે ડાન્સ કરતો ખૂલ્યો.

 ‘અને હવે...’ પ્રબોધ જોશી માઇક પર ઘેરા અવાજમાં પડઘાયા.

અને હવે વિદ્યાર્થી પ્રેક્ષકોએ ચિચિયારીભરી તાળીઓ વગાડી અને સીટીઓ મારીને પ્રબોધ જોશીને વધાવી લીધા. દર વર્ષે એક જ જજ રહેતા. આ વર્ષે આઇ થિન્ક અમદાવાદના નાટ્યમહર્ષિ જસવંત ઠાકર જજ હતા. પડદો ખૂલતાં સ્ટેજ પર ચાર મહાનુભવ જોવા મળ્યા; ઉપેન્દ્ર ત્રિવેદી, જસવંત ઠાકર, કાન્તિ મડિયા અને નિરંજન મહેતા સ્માઇલ આપતા બેઠા હતા. માઇક સામે પ્રબોધ જોશી ઊભા હતા. રિઝલ્ટ ડિક્લેર કરતાં પહેલાં અનાઉન્સર બહુ ફુટેજ ખાય એમ પ્રબોધભાઈએ ખૂબ ભાવ ખાધો. રિઝલ્ટ ડિક્લેર કરતાં પહેલાં પ્રબોધભાઈએ ભૂતકાળનાં વર્ષોમાં થયેલી સ્પર્ધાઓની વાત કરી. ત્રણ વર્ષ સુધી સતત શ્રેષ્ઠ દિગ્દર્શકનો અવૉર્ડ જીતનાર લક્ષ્મીકાંત કરપેનાં વખાણ કર્યાં. ૧૯૬૯માં તેમના નાટક ‘થીફ પુલિસ’ને બેસ્ટ વન ઍક્ટ પ્લેનો અવૉર્ડ મળ્યો અને બેસ્ટ ઍક્ટર બન્યો ભવન્સ કૉલેજનો સ્નાતક પ્રદીપ મર્ચન્ટ. ૧૯૭૦ બીજા વર્ષે, ‘મન, માનવી અને મંથન’માં ફરી વાર બેસ્ટ નાટક અને બેસ્ટ દિગ્દર્શકનો અવૉર્ડ લક્ષ્મીકાંત કરપેને મળ્યો. બેસ્ટ ઍક્ટર અવૉર્ડ ફરીથી પ્રદીપ મર્ચન્ટને મળ્યો અને ત્રીજા વર્ષે ‘પાંચ દિવસ’ એકાંકીને બેસ્ટ પ્લેનો અવૉર્ડ મળ્યો, જેના લેખક-દિગ્દર્શકનો અવૉર્ડ લક્ષ્મીકાંત કરપેને મળ્યો. ફરી વાર બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ પ્રદીપ મર્ચન્ટને પ્રાપ્ત થયો. ત્રણ વર્ષ સુધી સતત  શ્રેષ્ઠ નાટક, શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ અભિનેતાનો અવૉર્ડ મેળવવા બદલ લક્ષ્મીકાંત કરપે (અણ્ણા), પ્રદીપ મર્ચન્ટ (‘કુમારની અગાશી’નો કુમાર)ને ખોબલે-ખોબલે અભિનંદન.

અભિનયસમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીએ સમ્રાટ સ્ટાઇલમાં પ્રોત્સાહન આપતું ભાષણ આપ્યું. ડાયરેક્ટર કાન્તિ મડિયાએ ઇન્ટરકૉલેજના પોતાના અનુભવો વર્ણવતાં ઇનામ જીતનાર કલાકારોને ગુજરાતી રંગભૂમિ પર આમંત્રણ આપીને ‘નાટકોમાં યોગ્ય રોલ માટે પસંદ કરવામાં આવશે’ની જાહેરાત કરી જે અમે બધાએ જોરદાર તાળીઓ અને સીટીઓથી વધાવી લીધી. મેં ગુજરાતી રંગભૂમિ પર ભવિષ્યમાં મુખ્ય ભૂમિકામાં નાટકો ભજવતો હોઉં એવું સપનું પણ જોઈ નાખ્યું.

પ્રબોધ જોશીએ ફરીથી ‘અને હવે...’ કહીને રિઝલ્ટ અનાઉન્સ કરવાની શરૂઆત કરી.  આવો જબરદસ્ત ઉત્સાહ અને થનગનાટ પ્રેક્ષકોમાં અને પાર્ટિસિપેન્ટ્સમાં જોઈને શેર  લોહી મારા ચહેરા પર તરી આવ્યું. પરીની પ્રેયર અને ઝરણાંની ઉત્સુકતા અને મારા ધબકારાઓની દોડધામ વધી રહી હતી. રશ્મિની પકાઉ કમેન્ટ્સ ચાલુ જ હતી. મારે તેને ટપલી મારીને ચૂપ રાખવો પડ્યો.

અમારી આગળની રોમાં જ ગુજરાતી રંગભૂમિનાં એ જમાનાનાં તરવરિયાં અભિનેત્રી તરલા જોષી બેઠાં હતાં. ૧૯૭૨માં મુખ્ય ભૂમિકા ભજવતાં વાઇબ્રન્ટ તરલા જોષીની વર્ષગાંઠ ૯ ડિસેમ્બરે હતી. હજી જીવંત છે. તેમણે ૯૨ વર્ષ પૂરાં કર્યાં અને ૯૩માં પ્રવેશ્યાં. મને બરાબર યાદ છે મારું એકાંકી, ‘ચંપા તુઝ મેં તીન ગુણ’ જોયા બાદ તેમણે મારાં અભિનયનાં વખાણ કર્યાં હતાં. તેમણે આશીર્વાદ આપતાં કહ્યું હતું, ‘તને જરૂર કોઈક ને કોઈક ઇનામ કે અવૉર્ડ મળશે.’

બધાનું ધ્યાન પ્રબોધ જોશીની પોઝ લઈને બોલવાની અને આતુરતા જગાડવાની તેમ જ હસાવતાં ટેન્શન વધારવાની સ્કિલ પર હતું. કૉલેજના નાટકમાં રોલ કરનારા અને ભાગ લેનારા વિદ્યાર્થીઓ શ્વાસ અધ્ધર રાખીને પ્રબોધભાઈને સાંભળવામાં તલ્લીન થઈ ગયા હતા. સ્વ. પ્રબોધ જોશીનો ૧૯૨૬ની ૨૮ નવેમ્બરનો જન્મદિવસ. ૯૪ વર્ષ પૂરાં કર્યાં. વી મિસ યુ પ્રબોધ જોશી, ધ જિનીયસ રાઇટર.

 અને હવે બેસ્ટ ઍક્ટર, સેકન્ડ બેસ્ટ ઍક્ટર, થર્ડ બેસ્ટ ઍક્ટર મેલ ઍન્ડ ફીમેલનું પ્રાઇઝ અનાઉન્સ થવાનું હતું. એના પછી બેસ્ટ પ્લેની ત્રણ ટ્રોફી ડિક્લેર થવાની હતી. બધા ટેન્શનમાં હતા કે કોને શું મળશે? કઈ કૉલેજને અવૉર્ડ્સ મળશે? કયા વિદ્યાર્થીઓને બેસ્ટ ઍક્ટરનું પ્રાઇઝ મળશે? મારો કૉન્ફિડન્સ ડગમગ-ડગમગ થઈ રહ્યો હતો. મારું શરીર તાવથી તપી ગયું હતું. શું થશે ઓહ ભગવાન!

માણો અને મોજ કરો જાણો અને જલસા કરો

ઈશ્વર ઉવાચઃ

હું તારી સાથે છું, તું મારી સાથે છે?

તું મારી પાછળ પડ, હું તારી પાછળ પડીશ જ.

તું સતત તો હું સતત.

તું જલસામાં તો હું જલસામાં.

તું મોજમાં તો હું મોજમાં.

તને મારા પર વિશ્વાસ છે તો મને તારા પર વિશ્વાસ છે.

તને મળતાં નામ-દામ-કામ-મુકામની તું ક્રેડિટ મને આપશે તો હું ક્રેડિટ તને આપીશ

અરીસાની આરપાર જો આપણે એક જ છીએ.

છેને જલસો!

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

17 December, 2020 03:02 PM IST | Mumbai | Latesh Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK