G20ને મોટી સફળતા મળે એવું લાગતું નથી

Published: 16th November, 2014 05:45 IST

નરેન્દ્ર મોદી જાણે છે કે આ વખતે ઑસ્ટ્રેલિયાની પરિષદમાં ખાસ કંઈ નક્કર નીપજે એવી શક્યતા ઓછી છે. આની જગ્યાએ નરેન્દ્ર મોદીએ ભારતને જેનાથી ફાયદો થાય એમ છે અને એનાથી પણ વધુ ઘરઆંગણે તેમની પોતાની ઇમેજ ઊભી કરવામાં મોટો ફાયદો થાય એમ છે એવો કાળાં નાણાં ભારત પાછાં લાવવાનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. વડા પ્રધાને જેકોઈ નક્કર વાત કરી છે એ કાળાં નાણા વિશે કહી છે
કારણ-તારણ - રમેશ ઓઝા

ઑસ્ટ્રેલિયામાં મળી રહેલી G20ની બેઠક મુશ્કેલીભરી સાબિત થવાની છે. જગતના ૨૦ મોટા અને આર્થિક રીતે મહત્વના દેશોએ એક બ્લૉક રચ્યો છે જેને G20 તરીકે ઓળખાવવામાં આવે છે. ૨૦૦૮માં યુરોપ અને અમેરિકામાં મંદી બેઠી અને અર્થતંત્ર કથળી ગયું ત્યારે પશ્ચિમના અર્થતંત્રને થાળે પાડવા આ ગ્રુપની રચના કરવામાં આવી હતી. આજે વૈશ્વીકરણના યુગમાં કોઈ દેશ કેવળ સ્વપ્રયત્ને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી શકે એમ નથી. G20ની પહેલી બેઠક ૨૦૦૮ના નવેમ્બરમાં અમેરિકામાં બોલાવવામાં આવી હતી. આર્થિક સંકટને કારણે ૨૦૦૯ અને ૨૦૧૦માં બે વાર શિખર પરિષદ બોલાવવામાં આવી હતી. અત્યારે ઑસ્ટ્રેલિયાના બ્રિસ્બેન શહેરમાં મળી રહેલી શિખર પરિષદ નવમી છે. ભારતને હજી યજમાન બનવાનો મોકો મળ્યો નથી જે કદાચ આ દસકાના અંત સુધીમાં મળશે. આવતા વર્ષની બેઠક તુર્કીમાં મળવાની છે અને એ પછીની બેઠક કદાચ ચીનમાં મળશે.

G20ના દેશોની શિખર પરિષદ સામે ત્રણ પડકાર છે. એમાં એક પડકાર રશિયાનો છે. રશિયા ક્રિમિયાને ગળી ગયું છે અને યુક્રેનમાં પગપેસારો કરી રહ્યું છે. અમેરિકાને અને ખાસ કરીને યુરોપના દેશોને ડર છે કે રશિયા ફરી એક વાર યુરોપમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે. રશિયાની વિસ્તારવાદી પ્રવૃત્તિ અમેરિકા અને યુરોપના દેશો માટે ચિંતાનો વિષય છે. આની સામે ભારત, ચીન અને બીજા દેશો રશિયાની નિંદા કરવા તૈયાર નથી. અત્યારે રશિયા અને ચીનની ધરી રચાઈ રહી છે અને વિશ્વદેશોનું સવર્‍સાધારણ આકલન એવું છે કે આ બે દેશો વિશ્વના અર્થકારણને અને રાજકારણને પ્રભાવિત કરશે. તાજેતરમાં એક સામયિકે વિશ્વની સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિનને ગણાવ્યા છે. યુરોપ અને અમેરિકાને છોડીને કોઈ દેશ રશિયાની ટીકા કરીને રશિયા સાથે સંબંધ બગાડવા તૈયાર નથી.

બીજી સમસ્યા ઇરાક અને સિરિયામાં ત્લ્ત્લ્ દ્વારા ચાલી રહેલું યુદ્ધ છે. જીહાદીઓ મુસ્લિમ રાજ્યોને કબજે કરીને ખલીફાનાં ઇસ્લામિક રાજ્ય સ્થાપવા માગે છે. G20ના મોટા ભાગના દેશો અંદરથી જેમ રશિયાના વિસ્તારવાદની વિરુદ્ધ છે એમ ઇસ્લામિસ્ટોના ત્રાસવાદની પણ વિરુદ્ધ છે. સમસ્યા સ્વાર્થની છે. જે દેશો ખનીજ તેલની બાબતમાં સ્વાવલંબી નથી એવા દેશો મુસ્લિમ વિશ્વના પચડામાં પડવા માગતા નથી. અમેરિકાએ ૪૦ દેશોનો એક સંઘ રચ્યો છે જેનો એજન્ડા ત્લ્ત્લ્ સામે સંયુક્ત મોરચો બાંધવાનો છે. ભારત હજી એમાં જોડાયું નથી. એ ઉપરાંત રશિયા મુસ્લિમ દેશોમાં પશ્ચિમની સીધી દરમ્યાનગીરીનો વિરોધ કરી રહ્યું છે. અમેરિકા અને યુરોપના દેશો ઇરાક અને સિરિયાની બાબતમાં જેટલા ગંભીર અને સક્રિય છે એટલા બીજા દેશો નથી. વ્લાદિમિર પુતિન એટલા ચાલાક છે કે તેઓ પરિષદ પૂરી થાય એ પહેલાં બહાનું કાઢીને જતા રહેવાના છે. ૨૦ દેશોના નેતાઓ સંયુક્ત રીતે પત્રકાર-પરિષદને સંબોધે અને રશિયાની વિસ્તારવાદી પ્રવૃત્તિનો પ્રશ્ન આવે એનો તેઓ સામનો કરવા માગતા નથી.

ત્રીજી સમસ્યા ચીનની છે. ચીનનો આર્થિક વિસ્તારવાદ પશ્ચિમના દેશોને અને ભારતને સુધ્ધાં તકલીફ આપી રહ્યો છે, પરંતુ એના મુકાબલાનો કોઈ માર્ગ તેમને જડતો નથી. ઉપાય તો છે, પણ એ ઉપાય માટે સર્વસંમતિ બનવી અસંભવ છે. ચીનના અર્થતંત્રે આજે એટલું કાઠું કાઢ્યું છે કે ચીનની નાગાઈ સામે મોટા ભાગના દેશો લાચાર છે.

આ સ્થિતિમાં G20ની શિખર પરિષદમાં ખાસ કોઈ અર્થ વિનાની મોટી-મોટી વાતો થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બેઠકને સંબોધતાં ઠાલી પણ મહાન વાતો કરી હતી. તેમનું પ્રવચન જો ધ્યાનથી સાંભળશો તો એમાં કોઈ નક્કર પ્રસ્તાવ નથી. વિકાસ કેવો હોવો જોઈએ, વિકાસ માટે શાસન કેવું હોવું જોઈએ, વિકાસનું લક્ષ શું હોવું જોઈએ એવી બધી આદર્શ વાતો એમાં કહેવામાં આવી છે. નરેન્દ્ર મોદી જાણે છે કે આ વખતે ઑસ્ટ્રેલિયાની પરિષદમાં ખાસ કંઈ નક્કર નીપજે એવી શક્યતા ઓછી છે. આની જગ્યાએ નરેન્દ્ર મોદીએ ભારતને જેનાથી ફાયદો થાય એમ છે અને એનાથી પણ વધુ ઘરઆંગણે તેમની પોતાની ઇમેજ ઊભી કરવામાં મોટો ફાયદો થાય એમ છે એવો કાળાં નાણાંને ભારત પાછાં લાવવાનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. વડા પ્રધાને જેકોઈ નક્કર વાત કરી છે એ કાળાં નાણાં વિશે કહી છે. વડા પ્રધાને કહ્યું હતું કે ભારત તેના નાગરિકોનું કાળું નાણું ભારત પાછું લાવવા કટિબદ્ધ છે અને એમાં વિશ્વદેશોના સહયોગની જરૂર છે. તેમણે કાળાં નાણાંને ત્રાસવાદ સાથે જોડીને વિશ્વદેશો સમક્ષ એક નવી દલીલ કરી હતી. ત્રાસવાદી પ્રવૃત્તિ માટે જે નાણું મળે છે એ કાળું નાણું હોય છે અને એમાં વિશ્વ માટે જોખમ છે.

G20 દેશોની શિખર પરિષદનો ઉપયોગ સભ્યદેશો પોતપોતાના અંગત એજન્ડા માટે કરી રહ્યા છે. પરિષદના પડખે તક મળે ત્યારે બે દેશોના નેતાઓ દ્વિપક્ષીય બેઠકો કરી રહ્યા છે. આ કોઈ નવી વાત નથી. દરેક શિખર પરિષદ વખતે સભ્યદેશો સાઇડલાઇનમાં બેઠકો યોજતા હોય છે. નવી વાત એ છે કે એક બ્લૉકની પરિષદમાં બીજા બ્લૉકની બેઠક યોજાઈ હતી. G20ની બેઠકમાં બ્રિક્સ દેશોના નેતાઓએ બેઠક યોજી હતી. બ્રિક્સ એ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકાનો બ્લૉક છે જેની ત્રણ મહિના પહેલાં બ્રાઝિલમાં શિખર પરિષદ યોજાઈ હતી. વડા પ્રધાને બ્રિક્સની બેઠકમાં પણ કાળાં નાણાંનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો.

ટૂંકમાં કહીએ તો, વાતનો સાર એટલો કે અત્યારે વિશ્વરાજકારણ અને અર્થકારણની સ્થિતિ છે એ જોતાં G20ને કોઈ મોટી સફળતા મળે એવું લાગતું નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK