નાના વેપારીઓએ શું ગુનો કર્યો છે, તેમને પણ આપો રિલીફ-પૅકેજ

Published: 4th October, 2020 11:33 IST | Rohit Parikh | Mumbai

ટોલ-બૂથ ઑપરેટરને લૉકડાઉનની નુકસાની માટે ૧૭૩ કરોડ રૂપિયા ચૂકવાય તો નાના વેપારીઓએ શું ગુનો કર્યો છે, તેમને પણ આપો રિલીફ-પૅકેજ

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન દ્વારા રાજ્યના ટોલ-બૂથ ઑપરેટરોને ૧૭૩ કરોડ રૂપિયાના કોવિડ રિલીફ આપવાની જાહેરાતથી વેપારીઓ સમસમી ગયા હતા. ઘાટકોપરના ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા અને અખિલ ઘાટકોપર વ્યાપારી મંડળના સેક્રેટરી પ્રવીણ છેડાએ આ બાબતમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે ટોલનાકાની લૂંટ સામે વર્ષોથી અનેક રાજકીય નેતાઓ અને વેપારી સંગઠનો આક્રોશ વ્યક્ત કરી રહ્યાં છે. નવાઈની વાત છે કે આ ટોલનાકા લૉકડાઉનમાં ફક્ત થોડા દિવસ માટે જ બંધ રહ્યા હશે એને સરકાર તરફથી ૧૭૩ કરોડ રૂપિયાનું રિલીફ આપીને સરકાર મુંબઈ અને મહારાષ્ટ્રના દુકાનદારો સામે અન્યાય કરી રહી છે. તેમણે વેપારીઓ માટે ૧૦૦૦ કરોડ રૂપિયાનું આર્થિક પૅકેજ આપવાની માગણી કરી હતી.
વેપારીઆલમના અવાજ સાથે ‘મિડ-ડે’ સાથે તેમનાં વિચારો અને મંતવ્યો શૅર કરીને વેપારી સંગઠનોના નેતાઓએ તેમના અવાજને વધુ બુલંદ કર્યો છે.

નાના દુકાનદારો સ્થળાંતર કરી જશે

પ્રવીણ છેડાની માગણી એકદમ વાજબી છે. જોકે મેં આ પહેલાં જ કેન્દ્ર સરકાર સમક્ષ મન કી બાત રજૂ કરી હતી, જેમાં મેં મુંબઈના વેપારીઓ માટે સરકાર પાસે આવેલા ૨૦ લાખ કરોડ રૂપિયામાંથી ૫૦૦૦ કરોડ રૂપિયાની માગણી કરી હતી. મુંબઈ દેશની આર્થિક રાજધાની છે. અહીંનો નાનો વેપારી પણ દેશ પર આવતી દરેક આફત વખતે દેશ અને સરકારની સાથે રહ્યો છે. અત્યારે આ જ વેપારી કોવિડકાળમાં કણ-કણને તરસીને તેના પરિવારનું ગુજરાન ચલાવે છે. સૌથી પહેલો હક્ક આ વેપારીને કોઈ પણ રાહત-પૅકેજનો મળવો જોઈએ. સરકાર આજે આ વેપારીની સાથે નહીં ઊભી રહે, તેને કોઈ પણ પ્રકારની રાહત નહીં આપે તો દિવાળી પછી મુંબઈમાં ઓછામાં ઓછા ૩૦ ટકા દુકાનદારો સ્થળાંતર કરવા મજબૂર બની જશે. આજે ઑલરેડી ૫૦ ટકા બિઝનેસ ખતમ થઈ ગયા છે. સરકારે અન્યને કેમ રાહત આપી એ મહત્ત્વનું નથી, પણ વેપારી વર્ગ માટે વહેલી તકે ૫૦૦૦ કરોડ રૂપિયાના આર્થિક રાહત પૅકેજની જાહેરાત કરવાની જરૂર છે. - વિનેશ મહેતા, અધ્યક્ષ : ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર

વાહ રે મહારાષ્ટ્ર સરકાર

ટોલ-બૂથની એક જ ઑપરેટર/કંપનીને ૧૭૩ કરોડ રૂપિયાની સરકાર દ્વારા રાહત, જે કંપની પોતાના જ સેંકડો લોકોને રોજગાર પૂરો પાડે છે, જ્યારે મહારાષ્ટ્રના લાખો નાના-મોટા વેપારીઓ કે જે સેમી-સ્કીલ્ડ અને અનસ્કીલ્ડ લોકોને રોજગાર પૂરો પાડે છે. અરબો રૂપિયાનો ટૅક્સ ફોગટમાં સરકારી ખાતામાં જમા કરાવે છે. કરોડોનો ટૅક્સ પોતે ભરે છે અને લાખો પરિવારોનો જીવનનિર્વાહ કરે છે. તેમને અનેક વ્યાપારી સંગઠનોની અવારનવાર માગણીઓ અને વિનંતિઓ છતાં કોઈ રાહત-પૅકેજ નહીં. ટોલ ઑપરેટરનો લૉકડાઉન પિરિયડનો રેવન્યુ લૉસ સરકારને દેખાય છે. જે કંપની મોનોપૉલીથી ફરી ટોલ ટૅક્સમાં કન્ફર્મ કમાણી કરી લેવાની છે, પણ લાખો વેપારીઓને લૉકડાઉન અને ત્યાર બાદ થયેલો લૉસ સરકારને દેખાતો નથી અથવા તો સરકાર આંખે પાટા બાંધીને જોવા માગતી નથી. સરકારે તરત જ નાના અને મધ્યમ વેપારીઓ, ઉદ્યોજકો અને દુકાનદારોને તેમના જીએસટી નંબર અને જીએસટી રિટર્નના માપદંડ પરથી ડાયરેક્ટ વેપારીઓના ખાતામાં રાહત-પૅકેજના રૂપિયા ટ્રાન્સફર કરવાની વ્યવસ્થા કરવી જોઈએ. આ અમારી અત્યંત જરૂરી અને વાજબી માગણી છે. -મિતેશ મોદી, પ્રેસિડન્ટ : ઑલ ઇન્ડિયા ઇલેક્ટ્રૉનિક્સ અસોસિએશન

વેપારીઓ પ્રત્યે પહેલાં સહાનુભૂતિ દર્શાવો

ટોલનાકાના ઑપરેટરોની પહેલાં સરકારે મુંબઈના નાના વેપારીઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાની જરૂર છે. પ્રવીણ છેડાએ કરેલી ૧૦૦૦ કરોડ રૂપિયાના રાહત-પૅકેજની માગણી વાજબી છે. સરકાર જો મુંબઈના દુકાનદારોની મનોવ્યથાની સ્ટડી કરશે તો સરકારને ખબર પડશે કે અત્યારે કોવિડના અને લૉકડાઉનના છ મહિનામાં તેમના પર શું વીતી છે. અત્યારે આ છ મહિનામાં અનાજ-કરિયાણાંના વેપારીઓએ અને નાના દુકાનદારોએ મુંબઈગરાઓને એક પણ દિવસ આવશ્યક અને ખાદ્યવસ્તુઓથી વંચિત રહેવા દીધાં નથી. આવા સંજોગોમાં સરકારે પહેલાં આવા આ વૉરિયર્સને રાહત-પૅકેજ આપવું જોઈએ. -રમણિક જાધવજી છેડા, પ્રમુખ : ધ મુંબઈ ગ્રેન ડીલર્સ અસોસિએશન

આત્મહત્યા એક પર્યાય બચશે

અમે લૉકડાઉન બાદ વારંવાર રાજ્ય સરકાર પાસે માગણી કરી છે કે અમારા વેપારીઓ આઝાદી પછીનાં ૭૦ વર્ષથી સરકારો દ્વારા લાદવામાં આવેલા બધા જ ટૅક્સો વગર કોઈ વળતર લીધા વગર વસૂલ કરીને સરકારની તિજોરી ભરી રહ્યા છે. આજે છ મહિનામાં વેપારીઓની પોતાની વેપાર કરવા માટેની પૂંજી ખતમ થઈ ગઈ છે. બૅન્કોથી લોન લેવી એ ખૂબ જ લાંબી પ્રક્રિયા છે, એમાં પણ છ મહિનાના બિઝનેસ સામે જોતાં બૅન્કો જ નહીં, પ્રાઇવેટ પાર્ટીઓ પણ બિઝનેસ માટે લોન આપતા ડરી રહી છે. જો નાના અને મધ્યમ વર્ગના વેપારીઓને અને તેમના બિઝનેસને ઊભા કરવા માટે સરકારની સહાય નહીં મળે તો સમય જતાં નાના વેપારીઓ પાસે આત્મહત્યા કરવા સિવાય કોઈ જ પર્યાય નહીં બચે. - શંકર વી. ઠક્કર, રાષ્ટ્રીય અધ્યક્ષ : અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘ

વેપારીઓને રાહત જોઈએ

લૉકડાઉનની શરૂઆતના બીજા જ મહિનામાં અમારા અસોસિએશન તરફથી કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ નાના વેપારીઓને આર્થિક રાહત આપવાની માગણી કરવામાં આવી હતી. અમે આજે ખુશ છીએ કે અખિલ ઘાટકોપર વ્યાપારી મંડળના પ્રવીણ છેડાએ અમારા સૂરમાં સૂર પુરાવીને નાના દુકાનદારો માટે એક મોટા રાહત-પૅકેજની સરકાર સમક્ષ માગણી કરી છે. ટોલનાકા ઑપરેટર કંપનીને ૧૭૩ કરોડ રૂપિયાનું રિલીફ આપીને સરકારે નાના દુકાનદારો સાથે બહુ મોટો અન્યાય કર્યો છે. અત્યારે અમારી માગણી ફક્ત રાજય સરકાર પાસે જ નહીં, કેન્દ્ર સરકાર પાસે પણ છે, જેમાં સૌથી પહેલાં ઓછાંમાં ઓછો ત્રણ વર્ષ સુધી જીએસટીનો દર એકદમ નીચો લાવીને વેપારીઓને આર્થિક ફાયદો આપો. આ દર નીચો આવવાથી વેપારીઓને બહુ મોટી આર્થિક રાહત મળશે. આ સિવાય જે આર્થિક પૅકેજ સરકાર જાહેર કરે એનો ફાયદો સીધો દુકાનદારો અને તેના સ્ટાફનાં બૅન્ક-અકાઉન્ટમાં જમા થવો જોઈએ. વેપારીઓની અત્યારે ભાડાં, ઇલેક્ટ્રિકસિટી બિલો અને અન્ય વિવિધ કરવેરાથી કમર ભાંગી ગઈ છે. આથી સરકારે બધાં જ બિલોમાંથી જીએસટી નાબૂદ કરીને વેપારીઓને રાહત આપવાની જરૂર છે.’
વીરેન શાહ, પ્રેસિડન્ટ : ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશન

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK