Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ફ્રી આપો એટલે કસ્ટમર તમારો

ફ્રી આપો એટલે કસ્ટમર તમારો

09 May, 2020 08:42 PM IST | Mumbai Desk
Sanjay Raval

ફ્રી આપો એટલે કસ્ટમર તમારો

ફ્રી

ફ્રી


અત્યારનો આ જે સમય છે એ આગળ વધવાનો છે અને આગળ વધનારા આ સમયમાં દિમાગ લગાડીને આઇડિયા જનરેટ કરવાનો આ સમય છે. લૉકડાઉનના આ સમયકાળમાં બહુ શાંતિથી જીવી લીધું, બહુ બધી મજાકમસ્તી કરી લીધી અને ખૂબ આનંદ પણ કરી લીધો, પણ એ પછી હવે આગળ વધવાની દિશામાં અને વિકાસ કરવા માટે કંઈક નવું વિચારવાનો સમય આવી ગયો છે.

એક વાત હકીકત છે કે દુનિયા બહુ નાની થઈ ગઈ છે અને એને નાની કરવામાં ટેક્નૉલૉજીએ બહુ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે તો સાથોસાથ એ પણ હકીકત છે કે ટેક્નૉલૉજીનો આપણને પણ સાથ મળ્યો છે. આવા સમયે સતત નવું કરતા રહેવાથી જ સક્સેસ મળશે અને એ સક્સેસની સાથે નામ અને દામ બન્ને પણ મળશે. આજનો આ સમય સ્ટાર્ટઅપ અને ઑન્ટ્રપ્રનર બનવાનો સમય છે. આપણી આસપાસ એટલાં સ્ટાર્ટઅપ છે કે તમે એની અગાઉ કલ્પના પણ ન કરી હોય. એક પણ ગાડી વિના સેંકડો ગાડીની માલિકી હોય એવી ઉબર કંપની પણ છે અને એક રૂપિયાનું ગોડાઉન લીધા વિના હજારો રૂપિયાના માલની ડિલિવરી કરતી શૉપિંગ ઍપ્સ પણ છે. દરેક નવું સ્ટાર્ટઅપ એક સક્સેસ સ્ટોરી છે એ યાદ રાખજો. અગાઉ કહ્યું છે અને આજે પણ કહું છું કે ઈશ્વર બધાને સમાન તક આપે છે અને દરેકને પ્લૅટફૉર્મ મળે છે. આ જે તક છે એને ઓળખવાની ક્ષમતા ડેવલપ કરવાની છે. અત્યારના લૉકડાઉનના સમયમાં આખો દિવસ ફિલ્મો જોઈને કે પછી ગેમ રમીને સમય બરબાદ કરવાને બદલે બહેતર છે કે એ તકને ઓળખવાની ક્ષમતા ડેવલપ કરો અને આવનારા સમયમાં કેવી રીતે આગળ વધવું એના પર વિચાર કરો. સ્ટ્રૅટેજી બહુ મહત્ત્વની છે. અત્યારનો આ નવરાશનો જે સમય છે એમાં સ્ટ્રૅટેજી ડેવલપ કરવાની છે અને એનો અમલ લૉકડાઉન ખૂલ્યા પછી કરવાનો છે, પણ જો આજે સ્ટ્રૅટેજી નહીં બનાવી હોય તો તમે કોઈ કાળે લૉકડાઉન ખૂલ્યા પછી દોડી કે ભાગી નથી શકવાના. જો એ સમયે ભાગવું હોય તો આજના સમયે મન અને મગજને ભગાવવાનું કામ કરો.
લૉકડાઉન પહેલાં મારા જ એક પ્રોગ્રામ દરમ્યાન એક યુવાન સાથે વાત કરતો હતો ત્યારે તેનો સૂર સાંભળ્યો. તેનું કહેવાનું હતું કે આજે દરેક સ્ટાર્ટઅપ ખૂબ જ સારું કામ કરે છે. દરેક ક્ષેત્રમાં સારું આઉટપુટ મળે છે અને દરેક ક્ષેત્રમાં ટેક્નૉલૉજીને લીધે યુવાનો આગળ આવીને પોતાના આઇડિયાને અમલમાં મૂકે છે. દરેક પાસે પૂરતી તક છે અને દરેક પાસે પૂરતો અવકાશ છે વિકાસ કરવાનો. એ ભાઈએ પોતાની વાતને આગળ વધારતાં કહ્યું કે જ્યારે તે સ્ટાર્ટઅપ વિશે આટલી સારી વાતો સાંભળતો હતો ત્યારે તેને પણ શરૂઆતમાં બહુ સારું લાગ્યું હતું અને એ પછી તેણે પણ એ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું. કામ શરૂ થયું એટલે તેને રિયલિટી સમજાઈ અને જ્યારે રિયલિટી આંખ સામે આવી ત્યારે આખું અને સાચું પિક્ચર ક્લિયર થયું. આ જ પિક્ચર હતું એ રિયલિટીથી સાવ જુદું હતું. જે સ્ટાર્ટઅપ બેચાર વર્ષથી શરૂ થયાં છે અને કરોડોનું ટર્નઓવર કરે છે, લાખો કસ્ટમર ધરાવે છે એ રેગ્યુલર બિઝનેસ લાઇનઅપ્સ જેની પાસે છે છતાં બહુ મોટા પ્રમાણમાં ખોટ કરે છે. તેમની પાસે એટલું મોટું ફન્ડિંગ આવે છે કે પૈસો ક્યાં નાખવો એ પ્રશ્ન ઊભો થાય અને એમ છતાં આટલી બધી ખોટ, કઈ રીતે અને શું કામ?
તેના મનમાં જે પ્રશ્ન જન્મ્યો હતો એ પ્રશ્ન મારો સબ્જેક્ટ હતો અને મને સબ્જેક્ટ મળી ગયો એટલે મેં એ દિશામાં કામ શરૂ કર્યું.
વાત જ્યારે સ્ટાર્ટઅપની હોય ત્યારે એક વાત તો નક્કી છે કે દરેક સ્ટાર્ટઅપ એક નવો આઇડિયા લઈને આવ્યું હશે અને એટલે જ એ માર્કેટમાં પોતાની જગ્યા બનાવે છે. જો એક જ પ્રકારનો આઇડિયા હશે તો એણે સીધી કૉમ્પિટિશનમાં જવું પડશે અને એવું થશે તો બીજા પ્લયેર્સ કરતાં સસ્તું અને સારું આપવું એ જ મેઇન ગોલ બની જશે. બીજી એક વાત પણ યાદ રાખજો કે આજના સમયમાં ઑનલાઇન પ્લૅટફૉર્મ પર પણ પૂરતી અવેલેબિલિટી હોવી જોઈશે અને જો એ હશે તો જ સર્વાંગી સક્સેસની શક્યતા રહેશે. તમે બધી જગ્યાએ ફેલાશો નહીં તો આઇડિયા ગમે એટલો સારો હશે તો પણ એ મોટી માત્રામાં લોકો સુધી પહોંચશે નહીં એ વાત યાદ રાખવાની જરૂર છે.
દરેક સ્ટાર્ટઅપ એક નાનકડા આઇડિયાથી શરૂ થયું છે અને પછી એ જેમ-જેમ આગળ વધવા માંડ્યું એમ-એમ એને ફૉરેન ઇન્વેસ્ટરર મળવા લાગ્યા અને પછી જ્યારે ફન્ડ આવ્યું ત્યારે એનો વ્યાપ એટલો વધી ગયો કે બધી દિશામાં એની બોલબાલા ચાલુ થઈ ગઈ. સરસ છે આ વાત, પણ આ બધી કંપનીઓ શા માટે આટલો ખર્ચ કર્યા પછી, આટલું મોટું ટર્નઓવર કર્યા પછી આટલી તોતિંગ ખોટ કરે છે અને એનાથી પણ આગળની વાત એ કે શું કામ થપ્પડ મારીને આ ખોટના ધંધામાં ગાલ લાલ રાખે છે?
હવે ફૂડ ઑનલાઇન ઑર્ડર કરે, કપડાંથી માંડીને ટૅક્સી સર્વિસ, ટિકિટ્સ ઑનલાઇન બુક થાય છે, ગિફ્ટ ઑનલાઇન મગાવવામાં આવે છે અને ટૂથપેસ્ટ અને અન્ડરવેર પણ ઑનલાઇન આવે છે. કોરોનાને કારણે તો એવું બનવાનું છે કે આ ઑનલાઇન કલ્ચર હજી વધી શકે છે અને લોકો જાહેર સ્થળે જવાને બદલે ઑનલાઇન ચીજવસ્તુ મગાવીને પોતાનું જીવન પસાર કરવાનું કામ કરશે.
આપણે ત્યાં એક ઉક્તિ છે...
બોલે તેના બોર વેચાય.
આ બધાં સ્ટાર્ટઅપની આ જ ખાસિયત છે. પબ્લિસિટી એટલી મોટી કરે છે જેથી દરેકને એ દેખાય. દરેક એની ઍપ કે વેબસાઇટ સુધી પહોંચી જાય. બીજી વાત, લોકોના ઘર સુધી પહોંચવા માટે તોતિંગ ડિસ્કાઉન્ટ ઑફર કરે છે. બહુ મોટી સ્કીમ આપવામાં આવે છે. અરે, અમુક જગ્યાએ તો ૮૦ ટકા સુધીનાં ડિસ્કાઉન્ટ ઑફર થાય છે અને એ ટકાવારી જોઈને કન્ઝ્યુમર ખેંચાય છે. એક ટૅક્સી સર્વિસની વાત કહું તમને. સાઉથની એ ટૅક્સી સર્વિસની ઑફર હતી કે શરૂઆતનનાં ૨૦ કિલોમીટર સુધી એ નવા કસ્ટમરને ચાર્જ નહીં કરે. એટલે કે તમારે ૨૧મા કિલોમીટરથી ચાર્જ આપવાનો. હવે વિચારો કે તમારું ડેસ્ટિનેશન ૧૯ કિલોમીટરનું હોય તો તમારી આ રાઇડ ફ્રી. સીધો અર્થ એવો થાય કે કન્ઝ્યુમરને એ રાઇડ ફ્રી મળી, પણ જેની ટૅક્સી છે એનું ભાડું, કારના મેઇન્ટેનન્સથી લઈને ફ્યુઅલ સુધ્ધાંનો ખર્ચ કંપનીએ ચૂકવવાનો છે. આ સ્કીમનો એવો લાભ લેવાનું મનમાં હતું કે ભવિષ્યમાં કસ્ટમર પાછો આવશે, પણ દુનિયા મૂર્ખ નથી સાહેબ. ૧૦માંથી ૮ કસ્ટમર એવા છે જેઓ ત્યાર પછી બીજી વાર એ કંપનીની ટૅક્સી કરતા જ નથી. એ કાં તો બીજી સ્કીમ આપતી બીજી કંપનીની ટૅક્સીમાં કન્વર્ટ થશે અને એવું નહીં કરે તો બસ કે ટ્રેનનો રૂટ પકડી લેશે. મુંબઈમાં પણ આવી સ્કીમ દોઢેક વર્ષ પહેલાં આવી હતી. એ સમયે મુંબઈગરા પોતાના મહેમાન પાસે આ કંપનીની ઍપ ડાઉનલોડ કરાવીને આ ફ્રી સ્કીમનો લાભ લઈ લેતા. હવે મહેમાન તો મુંબઈનો હતો જ નહીં. આ કસ્ટમર તો કંપનીને ક્યારેય મળ્યો જ નહીં એટલે કંપનીએ એ ખર્ચ નુકસાનીના ખાતામાં જ ઍડ કરવાનો આવ્યો. મતલબ કે ફ્રી મળ્યું ત્યાં સુધી લીધું, પણ પછી એ સુવિધા જોઈતી નથી. હવે તમે વિચાર કરો કે દોઢ અબજની વસ્તીવાળા દેશમાં એક જ વસ્તુ કે સુવિધાના કેટલા ઑપ્શન્સ છે. ફ્રી ઑફર બધા આપવાનું શરૂ કરે અને બધા એ રસ્તો વાપરે તો આ ફ્રી કેટલો વખત સુધી ચાલ્યા કરે, પણ આ વાતને કોઈએ સમજવી નથી, કારણ કે બધાના મનમાં ફ્રીમિયમ નામનું નવું માર્કેટિંગ તૂત આવ્યું છે. શરૂઆત ફ્રીથી કરો અને પછી લોકો અપનાવી લે, આદિ બની જાય એટલે સર્વિસને ચાર્જેબલ કરી નાખો.
ચાલો, કબૂલ કે તમે કસ્ટમરને તમારી આદત આપવા માગો છે અને એવું થયું પણ ખરું. કસ્ટમર તમારી સર્વિસ યુઝ કરે છે, તો પણ તમે મસમોટી કહેવાય એવી ખોટ તો સહન કરો જ છો. તમારી પાસે કસ્ટમર બેઝ છે, તમારી પાસે સર્વિસ છે જે લેનારો એક વર્ગ છે અને એ પછી પણ તમે ખોટ કરો છો એનું કારણ શું?  આટલી હાઇપ ઊભી કર્યા પછી પણ તમે ખોટ કરો છો, પણ બિઝનેસ અકબંધ રાખો છો અને ધંધો કર્યા જ કરો છો, શું કામ? આ અને આવા બીજા અનેક સવાલના જવાબ સાથે મળીશું આવતા શનિવારે.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2020 08:42 PM IST | Mumbai Desk | Sanjay Raval

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK