૨,૦૦,૦૦૦ લોકોએ શરૂ થાય એ પહેલાં જ પૂર્ણ કરી લીલી પરિક્રમા

Published: 7th November, 2011 18:42 IST

ગિરનાર પર્વતની ફરતે કરવામાં આવતી લીલી પરિક્રમામાં જે રીતે આ વર્ષે ધસારો જોવા મળ્યો છે એ જોઈને જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર એ. એમ. પરમારે ગઈ કાલે ઑફિશ્યલી પરિક્રમા શરૂ થાય એ પહેલાં જ સ્ટેટ રિઝવ્ર્ડ પોલીસ (એસઆરપી)ને પરિક્રમાના પથ પર તહેનાત કરી દીધી હતી.

 

(રશ્મિન શાહ)


રાજકોટ, તા.૭


કલેક્ટર એ. એમ. પરમારે કહ્યું હતું કે ‘આ વર્ષે અમારી ધારણા કરતાં લગભગ બમણો ધસારો રહ્યો છે. લોકોની સિક્યૉરિટી માટે ડિસ્ટ્રિક્ટ પોલીસ તો ઑલરેડી ડ્યુટી પર છે જ, પરંતુ એ પછી પણ જરૂર લાગતાં એસઆરપીના ૨૦૦ જવાનોને ડ્યુટી પર લગાવવામાં આવ્યા છે.’


કાયદેસર ગઈ કાલે રાતે બાર વાગ્યાથી એટલે કે તુલસીવિવાહ પૂરા થયા પછી આ પરિક્રમા શરૂ થાય છે, પણ ભક્તોનો ધસારો બુધવારથી જ શરૂ થઈ ગયો હોવાથી વ્યવસ્થાના ભાગરૂપે અગાઉ ક્યારેય બન્યું નહોતું એ રીતે પરિક્રમાની પરમિશન ૪૮ કલાક પહેલાં શુક્રવારથી આપી દેવામાં આવી હતી એને કારણે ધાર્મિક દૃષ્ટિએ સાચી કહેવાય એવી પરિક્રમા શરૂ થાય એ પહેલાં જ ૨,૦૦,૦૦૦ લોકોએ પરિક્રમા પૂરી પણ કરી લીધી હતી. ગઈ કાલે સવારથી રાતે ઑફિશ્યલી પરિક્રમા શરૂ થઈ ત્યાં સુધીમાં વધુ ત્રણ લાખ લોકોએ પરિક્રમા શરૂ કરી હતી.

પૌરાણિક માન્યતા

એવી માન્યતા છે કે ગિરનાર પર ૩૨ કરોડ દેવી-દેવતાઓનો વાસ છે. આ દેવી-દેવતા તુલસીવિવાહના દિવસે નીચે ઊતરે છે અને વિવાહ પૂર્ણ થયા પછી જંગલમાં ફરે છે અને પછી પર્વત પર પોતાનું સ્થાન ગ્રહણ કરે છે. આ માન્યતાને ધ્યાનમાં રાખીને ભાવિકો પર્વત ફરતે પરિક્રમા કરે છે. ચોમાસા પછી જંગલ લીલુંછમ થઈ ગયું હોવાથી અને પરિક્રમાનો પથ જંગલમાં હોવાથી એને લીલી પરિક્રમા કહેવામાં આવે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK