છોકરીઓની લગ્ન માટેની ઉંમર ૧૮માંથી ૨૧ વર્ષ થવી જોઈએ?

Published: 15th October, 2014 02:24 IST

તાજેતરમાં ચેન્નઈ હાઈ કોર્ટે બાળવિવાહ અટકાવવાના સંદર્ભમાં આવું સૂચન કર્યું છે. આપણા બંધારણમાં લગ્ન માટે છોકરાની મિનિમમ ઉંમર ૨૧ વર્ષ છે અને છોકરીઓની ૧૮. આવું કેમ? અત્યારના સમયમાં ૧૮ વર્ષની ઉંમરે છોકરીઓ લગ્ન કરવા જેટલી મૅચ્યોર હોય છે કે નહીં એ એક્સપર્ટ્સ પાસેથી જાણીએ


girl Marriageસ્પેશ્યલ સ્ટોરી - રુચિતા શાહ

ચેન્નઈ હાઈ કોર્ટે તાજેતરમાં છોકરીઓની લગ્નની ઉંમર વધારીને ૨૧ વર્ષ કરવી જોઈએ એવું સૂચન કર્યું હતું. આજકાલ નાની ઉંમરની છોકરીઓનાં લગ્નના કિસ્સાઓ વધુ પ્રકાશમાં આવી રહ્યા હોવાથી હાઈ કોર્ટ દ્વારા આ નિવેદન કરવામાં આવ્યું હતું. હિન્દુ મૅરેજ ઍક્ટ અનુસાર લગ્ન કરવા માટે છોકરાની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષની હોવી જોઈએ અને છોકરીની ઉંમર ૧૮ વર્ષ. છોકરીઓની લગ્નની ઉંમર ૧૮ વર્ષ શા માટે? ક્યારેય વિચાર આવ્યો છે? શું છોકરીઓ ૧૮ વર્ષની ઉંમરે જ લગ્ન કરવા જેટલી પરિપક્વ થઈ જાય છે? તો પછી આ પ્રકારનો કાયદો કેમ બન્યો હશે?

આ વિશે જવાબ આપતાં ફૅમિલી કોર્ટના વકીલ સાજન ઉમન કહે છે, ‘કાયદો ઘડનારા લોકોએ આ પાછળનું લીગલ કારણ આપ્યું નથી, પરંતુ એ પાછળનું સંભવિત કારણ મને એ લાગે છે કે આપણો સમાજ વષોર્થી પુરુષપ્રધાન રહ્યો છે અને ઘરમાં મુખ્ય નિર્ણયો મોટે ભાગે પુરુષો લેતા આવ્યા હતા. એટલે લગ્ન માટેની પુરુષની ઉંમર ૨૧ વર્ષ રાખવામાં  આવી, જેને કારણે ઉંમરના એ તબક્કામાં પોતે પોતાની આવક કરી શકે એ સ્તર પર પણ પુરુષ પહોંચી ગયો હોય. અને આમેય સ્ત્રીઓ પુરુષ કરતાં વધુ જલદી મૅચ્યોર થાય છે જેને કારણે કદાચ બંધારણે લગ્ન માટેની સ્ત્રીઓની ઉંમર પુરુષ કરતાં ઓછી એટલે કે ૧૮ વર્ષ રાખી હશે. જોકે પર્સનલી હું એવું માનું છું કે ૧૮ વર્ષની ઉંમરે છોકરીઓ બહુ નાદાન હોય છે. ઇમોશનલી અને સોશ્યલી જરૂરી મૅચ્યોરિટી તેનામાં આવી નથી હોતી. એટલે તેની પણ લગ્નની લઘુતમ ઉંમર વધારવાની જરૂર છે એમાં હું બેમત નથી.’

અનુભવ સારો નથી

મીરા રોડમાં રહેતી અનીતા પટેલનાં લગ્ન ૧૮ વર્ષની ઉંમરે થઈ ગયાં હતાં. તેને એમ લાગે છે કે હજી તો તેણે શ્વાસ લેતાં શીખ્યું હતું અને જાણે તેને બાંધી દેવાઈ એવી લાગણી થાય છે. તે કહે છે, ‘એવું નથી કે લગ્ન પછી હું દુ:ખી છું કે મને કોઈ ત્રાસ અપાયો છે. પરંતુ એટલું નક્કી છે કે આ ઉંમરને થોડો સમય માટે હજી ખેંચીને થોડુંક જીવવું હતું. લગ્ન એ મોટી જવાબદારી છે અને મને નથી લાગતું કે આટલી નાની ઉંમરમાં લગ્ન કરવા માટે છોકરીઓ માનસિક રીતે તૈયાર હોય છે. હું મારો જ અનુભવ કહું તો મેં કેટલાક સામાજિક સંજોગોને કારણે લગ્ન કરવાની હા પાડી હતી. મારી મમ્મી અતિશય બીમાર હતી. તેની હાજરીમાં મારાં લગ્ન થઈ જાય અને સુખી ઘરમાં મારો સંસાર છે એવી તેને ખાતરી થાય એવી તેની અંતિમ ઇચ્છા હતી જેને વશ થઈને મેં લગ્ન માટે હા પાડેલી. એમાં શંકાને સ્થાન નથી કે મારા પતિ અને સાસરિયાંએ મને ખૂબ સપોર્ટ આપ્યો છે, પરંતુ પર્સનલી મને એવું લાગે છે કે ઉંમર થોડીક વધુ હોય અને પોતાની રીતે છોકરીને જીવવાની તક મળે એ પછી જ તેનાં લગ્ન થવાં જોઈએ.’

પેરન્ટ્સ ને યંગસ્ટર્સ   

૨૩ વર્ષનો મલાડમાં રહેતો દીપક અંબાણી માને છે કે ઉંમર અને મૅચ્યોરિટીને આમ તો ખાસ કોઈ લેવાદેવા નથી હોતી, કારણ કે આ બાબત વ્યક્તિએ-વ્યક્તિએ બદલાય છે. તે કહે છે, ‘જો લગ્ન કરવાનાં હોય તો હું ૧૮ વર્ષની છોકરી સાથે ન કરું. હું મારાથી બે વર્ષ નાની હોય એવી જ છોકરી સાથે લગ્ન કરું, કારણ કે તમારી વચ્ચેનું અન્ડરસ્ટૅન્ડિંગ અને મૅચ્યોરિટી લેવલ તો જ આવે.’

આજકાલની યંગ છોકરીઓ પોતાની લગ્નની ઉંમર ૨૫ વર્ષ પછીની ગણે છે. કાંદિવલીમાં ડિગ્રીના ફસ્ર્ટ યરમાં ભણતી ખ્યાતિ દેસાઈ પણ આ ઉંમરે લગ્નની વાતને ચોખ્ખી ના પાડી દે છે. તેનું માનવું છે કે લગ્ન તો ભઈ ત્યારે જ થાય જ્યારે તમે પૂરેપૂરા તમારા પગ પર ઊભા થઈ ગયા હો. તે કહે છે, ‘હમણાં તો હું શાદી માટે બિલકુલ ન વિચારું. અત્યારે તો મારો ભણવાનો સમય છે. ભણીને હું બરાબર મારી કરીઅર બનાવું એ પછી જ શાદી કે એનો વિચાર કરું.’

તેની મમ્મીને પણ આમાં કશું ખોટું નથી લાગતું. ખ્યાતિની વાતને પોતાની વ્યવહારિકતા સાથે જોડતાં તેનાં મમ્મી ડિમ્પલ શાહ કહે છે, ‘અત્યારના જમાનામાં ૧૮ વર્ષની ઉંમરે દીકરી પરણાવવાનો વિચાર કરનારાં મા-બાપે અટકવું જ જોઈએ. દીકરીને ભણાવો, ગણાવો. તેને પોતાની રીતે જીવી શકે એ સ્તર પર લઈ જાઓ. એ પછી તેને ઘરનું અને વ્યવહારિકતાનુ જ્ઞાન આપો. પછી લગ્નની વાત આવે. અત્યારે તેને ઘરના કામકાજમાં કંઈ ગતાગમ નથી પડતી, કારણ કે તેના માથે હજી કંઈ આવ્યું નથી. જેમ ઉંમર થશે અને તે પોતાની જવાબદારીઓ સમજતી થશે એ પછી તેના માથે આવી કોઈ જવાબદારી નાખો.’

મા બનવા માટે ૨૧થી વધુની ઉંમર હોવી જ જોઈએ

શારીરિક મૅચ્યોરિટી અને સામાજિક તથા માનસિક મૅચ્યોરિટીમાં ફરક હોય છે. શારીરિક દૃષ્ટિએ છોકરીનો માસિક ધર્મ શરૂ થાય એ પછી શારીરિક રીતે તે લગ્ન કરવા માટે યોગ્ય ગણાય છે. જોકે આજકાલ તો ૧૨-૧૩ વર્ષની દીકરીઓ જ આ રીતની મૅચ્યોરિટી કેળવી લે છે તો શું ૧૨-૧૪ વર્ષની દીકરીઓનાં લગ્ન કરાવી શકાય? નહીં જ. કારણ કે માનસિક અને સામાજિક મૅચ્યોરિટીને આવતાં થોડો સમય લાગે છે. જેમ-જેમ દુનિયા અને દુનિયાદારી સાથે પરિચિત થાય એમ લગ્ન અને એની સાથે જોડાયેલી જવાબદારીઓને સમજવા માટે છોકરી લાયક બને છે. એ દૃષ્ટિએ ૧૮ વર્ષ નાની ઉંમર છે. મા બનવા માટે, મા તરીકેની જવાબદારી સંભાળવા માટે છોકરીની ઉંમર ૨૧ વર્ષથી વધુની તો હોવી જ જોઈએ.

-ડૉ. રાજન ભોસલે, સેક્સોલૉજિસ્ટ

ઉંમર વધારવામાં નફા કરતાં નુકસાન વધુ

આપણે ત્યાં કોઈ પણ જાતના બૅકગ્રાઉન્ડ વિના તરત કાનૂન બનાવી દેવામાં આવે છે, કારણ કે મૂળ કામ કરવા કરતાં કાયદાઓ ઘડવાનું વધુ સરળ છે. જો બાળવિવાહ અટકાવવાના સંદર્ભમાં છોકરીઓની મિનિમમ લગ્નની ઉંમર વધારવાની ચર્ચા ચાલતી હોય તો એ દિશા તદ્દન ખોટી છે, કારણ કે લગ્નની ઉંમર વધારવાને બદલે લગ્ન વિશે કેટલીક જાગૃતિ લાવવાની જરૂર છે. કેટલાંક ગામડાંઓમાં અને અમુક પરિવારોમાં દીકરીઓનાં લગ્ન તરત કરી દેવામાં આવે છે, કારણ કે તેમને તેમની દીકરીની સિક્યૉરિટી નથી મળતી. દીકરીઓને શિક્ષણ અપાવવા વિશે હજી પણ જાગૃતિ નથી. મા-બાપની ઇનસિક્યૉરિટી ઝડપથી છોકરીઓનાં લગ્ન કરાવી નાખવા માટે જવાબદાર છે. છોકરીઓની સેફ્ટી અને છોકરીઓના શિક્ષણનો મુદ્દો આના મૂળમાં છે. એના પર કામ કરવાને બદલે માત્ર કાયદો બનાવવાથી કંઈ થવાનું નથી. ઊલટાનું કોઈ પણ જાતની મૂળ સમસ્યામાં ફેરફાર લાવ્યા વિના કાયદો બદલાશે તો ગરીબ અને અશિક્ષિત લોકોની તકલીફોમાં ઉમેરો જ થવાનો છે.

સૌમ્યા ઉમા, વિમેન ઍક્ટિવિસ્ટ ઍન્ડ ઍડ્વોકેટ

નાની ઉંમરનાં લગ્ન ડિવૉર્સમાં વધુ પરિણમે

અત્યારની છોકરીઓ ભણે છે, પોતાની કારકિર્દી માટે ગંભીર બની છે એ સમયગાળામાં ૧૮ વર્ષ એ ખૂબ નાની ઉંમર છે તેમનાં લગ્ન કરાવી નાખવા માટે. કેટલાક પરિવારોમાં એવું પણ બને છે કે દીકરી ૧૮ વર્ષની થઈ અને હવે લીગલી તેનાં લગ્ન થઈ શકે એમ હોય તો તેનું ભણાવવાનું છોડાવીને તેનાં લગ્ન કરાવી દેવામાં આવે છે. આ કાયદો જો બદલાય તો બની શકે કે પેરન્ટ્સ જ કન્યા શિક્ષણ પર ધ્યાન આપવા માંડે. અને એક વાત યાદ રાખવી જોઈએ કે ૧૮ વર્ષની ઉંમરે કોઈ છોકરી લગ્નની જવાબદારી ઉપાડવા માટે મેન્ટલી તૈયાર થઈ હોતી નથી. ઘરમાં બધું જોતી આવી હોય એટલે એ જવાબદારીઓ વિશે તેને ખબર હોય, પરંતુ એને સ્વીકારવાનું તેના માટે અઘરું હોય છે. સમજવું અને સ્વીકારવું એ જુદી બાબત છે. અપરિપક્વતામાં કરેલાં લગ્ન લાંબાં ટકતાં નથી. અન્ડરસ્ટૅન્ડિંગના અભાવે આવા કેસોમાં ઘણી વખત ડિવૉર્સ સુધી વાત પહોંચે એ સામાન્ય હોય છે.

- શીતલ મહેતા, સાઇકોઍનલિસ્ટ ઍન્ડ ફૅમિલી થેરપિસ્ટ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK