લૅપટૉપ શોધવા માટેની જદ્દોજહદ મુંબઈથી તેલંગણા સુધી

રોહિત પરીખ | મુંબઈ | Apr 08, 2019, 07:36 IST

પાંચ વર્ષનો અતિમહત્વનો ડેટા પાછો મેળવવા પૂનમ શેઠે મુંબઈની પોલીસને દોડતી કરી : આખરે ચાર અઠવાડિયાં પછી રિક્ષાના ડ્રાઇવરને પકડી લાવીને તેલંગણાથી લૅપટૉપ પાછું મેળવવામાં સફળતા મળી

લૅપટૉપ શોધવા માટેની જદ્દોજહદ મુંબઈથી તેલંગણા સુધી
લેપટોપ શોધી આપનાર પોલીસ-અધિકારીઓ સાથે પૂનમ શેઠ.

ઘાટકોપર (વેસ્ટ)ના જગડુશાનગરની રહેવાસી અને માર્કેટિંગનો વ્યવસાયમાં કરતી ૩૬ વર્ષની ગુજરાતી મહિલા તેના લૅપટૉપને આઠ માર્ચે એક રિક્ષામાં ભૂલી ગઈ હતી. આ લૅપટોપમાં તેનો પાંચ વર્ષના જમા કરેલો અતિમહત્વનો ડેટા હતો, જેને પાછો મેળવવા આ મહિલાએ મુંબઈની પોલીસને દોડતી કરી દીધી હતી. આખરે મુંબઈ પોલીસે રિક્ષા-ડ્રાઇવરને તેલંગણાથી પકડીને મહિલાને તેનું લૅપટૉપ પાછું મેળવી આપવામાં સફળતા મેળવી હતી.

ઘાટકોપર (વેસ્ટ)ના શ્રેયસ સિનેમા પાસે એક સ્કૂલમાં માર્કેટિંગનો વ્યવસાય કરતી પૂનમ શેઠ આઠ માર્ચે રિક્ષા પકડીને ચાંદિવલી જવા નીકળી હતી. ઉતાવળમાં તે રિક્ષામાંથી તેની સાથેનો અન્ય સામાન લઈને ઊતરી ગઈ, પણ તેના માટે અતિમહત્વનું લૅપટૉપ રિક્ષામાં ભૂલી ગઈ હતી જેમાં તેના વ્યવસાયને સંબંધિત પાંચ વર્ષનો ડેટા હતો. તેને જેવી ખબર પડી કે તે રિક્ષામાં લૅપટૉપ ભૂલી ગઈ છે કે તરત જ સફેદ ટોપી પહેરેલા રિક્ષા-ડ્રાઇવરને શોધવા તેણે દોડાદોડી શરૂ કરી દીધી હતી.

 

driver

રિક્ષા-ડ્રાઇવર

આ બાબતની માહિતી આપતાં બે સંતોનોની માતા પૂનમ શેઠે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી પાસે રિક્ષા નંબર નહોતો. ફક્ત રિક્ષા-ડ્રાઇવર મોટી ઉંમરનો હતો અને તેણે સફેદ ટોપી પહેરી હતી એટલી જ નિશાની હતી. આમ છતાં હું તેને શોધવા નીકળી પડી હતી. જોકે મને પહેલા દિવસે એમાં નિષ્ફળતા મળી હતી. મેં બીજા દિવસે ફરીથી મહેનત શરૂ કરી હતી. આખરે ચોથા દિવસે હું પાછળનો કાચ તૂટેલી રિક્ષાને પકડવામાં સફળ થઈ હતી. જોકે એનો ડ્રાઈવર બદલાઈ ગયો હતો. આમ છતાં એ ડ્રાઇવરનો સાથ લઈને જગડુશાનગર નજદીક રહેતા રિક્ષાના માલિક સુધી હું પહોંચી હતી. તેને અનેક રીતે સમજાવવા છતાં તેણે તેના જૂના ડ્રાઇવરની માહિતી આપી નહોતી. આખરે મેં મારા લૅપટૉપ બાબતમાં વિક્રોલી પાર્કસાઇટમાં ફરિયાદ કરી હતી. પોલીસને મેં સ્પષ્ટ કહ્યું હતું કે મારા માટે લૅપટૉપ કરતાં એમાં રહેલો મારો ડેટા મહત્વનો છે. મારા અનેક પ્રયાસો પછી વિક્રોલી પાર્કસાઇટે મારી ફરિયાદ વિક્રોલી ટ્રાફિક-વિભાગમાં ટ્રાન્સફર કરી હતી. ટ્રાફિક-વિભાગને પણ રિક્ષાના માલિક પાસેથી રિક્ષા-ડ્રાઇવર બાબતની કોઈ જ માહિતી ન મળતાં તેમણે કેસ બંધ કરી દીધો હતો.’

મારા માટે લૅપટૉપમાં રહેલો ડેટા અતિમહત્વનો હતો. આથી હું હાથ જોડીને બેસવા તૈયાર નહોતી એમ જણાવતાં પૂનમ શેઠે કહ્યું હતું કે ‘મેં ગૂગલ પરથી મુંબઈના ૨૦૦ પોલીસ-અધિકારીઓનાં ઈ-મેઇલ ઍડ્રેસ શોધીને બધાને મારી લૅપટૉપની ફરિયાદ બાબતની જાણકારી આપીને મને લૅપટૉપ અને રિક્ષા-ડ્રાઇવરને શોધવા મદદ કરવાની અપીલ કરી હતી જેની સામે મને નબળો પ્રતિસાદ મળ્યો હતો. મેં ફરીથી એ ૨૦૦ પોલીસ-અધિકારીઓના ફોનનંબર પર વૉટ્સઍપ મોકલીને મદદ માટે અપીલ કરી હતી.’

auto

વૉટ્સઍપ મોકલેલા મેસેજની સામે મને અંધેરીના ક્રાઇમ અધિકારી અકબર પઠાણે રિસ્પૉન્સ આપ્યો હતો. પઠાણ ડેપ્યુટી પોલીસ કમિશનર-ડિટેક્શન (૧) છે. આ સંદર્ભમાં પૂનમ શેઠે કહ્યું હતું કે ‘અકબર પઠાણે મને ફોન કરીને પહેલાં તો મારી પાસેથી આખા બનાવની જાણકારી લીધી હતી. ત્યાર બાદ થોડી વારમાં મને મારા લૅપટૉપનો ફોટો મોકલીને મુંબઈ પોલીસ જલદીથી મને લૅપટૉપ શોધી આપશે એવું આશ્વાસન આપ્યું હતું. તેમણે મારી ફરિયાદને ઝોન-૭માં ટ્રાન્સફર કરી દીધી હતી જેના ૨૪ કલાકમાં તેમણે તેલંગણાથી ૬૫ વર્ષના ઇર્લા ભૂમિયા લિગયાની મારા લૅપટૉપ સાથે ધરપકડ કરી હતી.’

ઝોન-૭ના પોલીસ પ્રભારી સતીશ તાવરેએ આખા બનાવ બાબતમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પૂનમ શેઠે કરેલા વૉટ્સઍપ મેસેજને કારણે અકબર પઠાણના ઉપરી અધિકારીએ પૂનમ શેઠના લૅપટૉપ શોધવા મદદ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યાર પછી અમે રિક્ષા-ડ્રાઇવર ઈર્લા ભૂમિયાને પકડવા માટે ચક્રો ગતિમાન કયાર઼્ હતાં. તેની તેલંગણાથી ધરપકડ કરીને પૂનમનું લૅપટૉપ અમે પાછું મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી.’

આ પણ વાંચો : કૉંગ્રેસ ડૂબી રહેલા ટાઇટૅનિક જહાજ જેવી છે : નરેન્દ્ર મોદી

આપણી નાની ચીજ પણ ચોરાઈ જાય તો એને શોધવા પોલીસની મદદ લેવી જોઈએ એમ જણાવતાં પૂનમ શેઠે કહ્યું હતું કે ‘હું પહેલા જ દિવસે થાકીને કે પોલીસના ડરથી ઘરમાં બેસી ગઈ હોત તો હું મારું લૅપટૉપ પાછું મેળવવામાં સફળ ન થઈ હોત. મારા લૅપટૉપની કિંમત એક હજાર રૂપિયા પણ નહોતી, પણ એમાં રહેલો મારો પાંચ વર્ષની મહેનતથી જમા કરેલો ડેટા મારા માટે મારા જાન સમાન હતો.’

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK