ઘાટકોપરના સિનિયર સિટિઝનોની સુરક્ષા માટે રહેવાસીઓનું દિવાળી બાદ આંદોલન

Published: 11th November, 2012 05:18 IST

કમળાબહેન ઠાકર પર અટૅક કરનારને પકડવામાં સફળતા મળી હોવાનો દાવો કરનાર પોલીસને હવે કહેવું મુશ્કેલ લાગે છેઘાટકોપરમાં ચેતના અજમેરા અને દક્ષા દફ્તરીની હત્યા અને ત્યાર બાદ ગુરુવારે કમળાબહેન ઠાકર પર જીવલેણ હુમલો થવાના બનાવો પછી પોલીસ એક પણ બનાવમાં આરોપીને પકડવામાં સફળ ન થવાથી ઘાટકોપરના સિનિયર સિટિઝનોમાં ફફડાટ જાગ્યો છે એમ જણાવતાં ઘાટકોપર સિટિઝન્સ ફોરમના અધ્યક્ષ ભૂપેન્દ્ર દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે દિવાળી પછી ઘાટકોપરમાં જેટલાં સિનિયર સિટિઝન્સ ગ્રુપ્સ ચાલે છે એમની સાથે મળીને ઘાટકોપરના સિનિયર સિટિઝન્સની સુરક્ષા માટે પીસ માર્ચ, કૅન્ડલ માર્ચ જેવાં શાંતિપ્રિય આંદોલનો કરીને અમે પોલીસ પર દબાણ લાવીશું.

ઘાટકોપર (વેસ્ટ)નાં સિનિયર સિટિઝન મહિલા કમળાબહેન ઠાકર પર ગુરુવારે બપોરે અઢી વાગ્યે મિસ્ત્રીનું કામ કરવા આવેલો રાજુ મિસ્ત્રી નામનો યુવાન લૂંટના ઇરાદે જીવલેણ હુમલો કરીને ઉત્તર પ્રદેશ ભાગી છૂટuો હતો. ઘાટકોપર પોલીસે કમળાબહેનની કામવાળી બાઈ સુનિતા શિંદેની મદદ લઈને રાજુ મિસ્ત્રીનો સ્કેચ જાહેર કર્યા પછી ઘાટકોપર પોલીસને આ યુવાન ઉત્તર પ્રદેશના વારાણસી ગામે ભાગી ગયો હોવાની જાણકારી મળી હતી. એના આધારે પોલીસની એક ટીમ શુક્રવારે રાતે વારાણસી તેને પકડવા ગઈ હતી. જોકે આરોપીને પકડીને મુંબઈ લાવવામાં પોલીસને કેટલી સફળતા મળશે એ કહેવું અત્યારના તબક્કે મુશ્કેલ છે એવો નિર્દેશ પોલીસના જ એક ઉચ્ચ અધિકારીએ આપ્યો હતો.

ઘાટકોપરના બિલ્ડર જયંત અજમેરાનાં ૫૧ વર્ષનાં પત્ની ચેતના અજમેરાની હત્યાના પાંચ મહિના પછી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ચેતના અજમેરાના હત્યારા ૩૧ વર્ષના બન્સીલાલ ઉર્ફે અશોક ઉર્ફે મહારાજ શામલાલ પુરોહિત અને ૨૨ વર્ષના હેમંત અંબાલાલ મનારિયા ફોટો બહાર પાડી તેમને શોધવામાં લોકોની મદદ માગી હતી અને તેમની માહિતી આપનારને યોગ્ય ઇનામ આપવાની પણ જાહેરાત કરી હતી. આમ છતાં હજી સુધી બેમાંથી એક પણ આરોપીને શોધવામાં પોલીસને સફળતા મળી નથી. મુંબઈના વરલીના ફ્લૅટમાંથી રસોઇયા તરીકે કામ કરી રહેલા મહેન્દ્ર રાઠોડ નામના અશોક મહારાજના એક સાથીદારની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કર્યા બાદ અન્ય આરોપી સુધી પહોંચવાનો માર્ગ સરળ બનશે એવી એની આશા પર પાણી ફરી વળ્યું હતું. તેમની નિષ્ફળતા માટે એક સમયે પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ મિડિયાને જવાબદાર ગણાવ્યું હતું.

ઘાટકોપર પોલીસની જેમ મુંબઈની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ ચેતના અજમેરાનો હત્યારો હાથવેંતમાં છે એવો દાવો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ અનેક વાર મુંબઈની પોલીસ આ આરોપીઓને પકડવા જયપુર અને કોટા જઈ આવી, પણ તેને મુખ્ય આરોપી અશોક મહારાજ કે તેના અન્ય સાથીદાર મળ્યાં નથી.

ગઈ કાલે ઘાટકોપર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રામ માન્કુર્ડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે જે સ્કેચ જારી કર્યો છે એ જ વ્યક્તિએ ૭૨ વર્ષનાં કમળાબહેન ઠાકર પર ગુરુવારે હુમલો કર્યો હતો, પરંતુ આરોપી ઉત્તર પ્રદેશ ભાગી ગયો હોવાથી ઘાટકોપર પોલીસની એક ટીમ વારાણસી જવા શુક્રવારે રવાના થઈ છે. એને ટ્રેનમાં પહોંચતાં ૨૫ કલાકથી વધુ લાગશે. વારાણસીની પોલીસટીમ પણ અમને સહાય કરવા તૈયાર છે. આમ છતાં આરોપી અમારા હાથમાં આવી ગયો છે એ કહેવું અત્યારે મુશ્કેલ છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK