મુંબઈ : હત્યા કર્યા પછી દીકરાએ દરગાહમાં જઈને અલ્લાહની માફી માગી

Published: Jan 10, 2020, 15:47 IST | Anurag Kamble | Mumbai

ઘાટકોપર હત્યાકેસ સીસીટીવી કૅમેરાના ફુટેજના આધારે ઉકેલાયો : ઘરમાં માતાનો મૃતદેહ પડ્યો હતો અને દીકરો એસી ચાલુ કરીને ઘસઘસાટ ઊંઘી ગયો : પોલીસે આરોપી દીકરાની ધરપકડ કરી

હત્યારો: આરોપી સોહેલ શેખ
હત્યારો: આરોપી સોહેલ શેખ

કુર્લા-વેસ્ટના હનુમાનનગરમાં રહેતી માતા બદરુન્નિસ્સાની હત્યા કરીને તેના શરીરના ટુકડા કરી અલગ-અલગ ઠેકાણે ફેંકી દેનારા દીકરા મોહમ્મદ શફી સોહેલ શેખની ઘાટકોપર પોલીસે આખરે ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે માતાની હત્યા કર્યા બાદ સોહેલ દરગાહમાં દોડી ગયો હતો અને અલ્લાહની માફી માગી લીધી હતી. ત્યાર પછી તે પાછો ઘરે ગયો હતો. ઘરમાં માતાનો મૃતદેહ પડ્યો હોવા છતાં તે ઍરકન્ડિશનર ચાલુ કરીને ઊંઘી ગયો હતો. સોહેલ માતાનું ઝવેરાત વેચીને સ્કૂટી લાવ્યો હતો અને ગર્લફ્રેન્ડ સાથે ન્યુ યર સેલલિબ્રેશન માટે ખર્ચ પણ કર્યો હતો. જોકે તેને મૃતદેહના નિકાલનો આઇડિયા ક્યાંથી મળ્યો એ સ્પષ્ટ નથી.

૩૦ ડિસેમ્બરે સવારે ઘાટકોપર (વેસ્ટ)માં એસટી વર્કશૉપ પાસે મહિલાનો કોહવાયેલો મૃતદેહ મળ્યો ત્યારે આ ઘટના પોલીસના ધ્યાનમાં આવી હતી. નેવી રેસિડેન્શિયલ કૉલોની નજીકથી ૩૫થી ૪૦ વર્ષની મહિલાના માથા અને પગ વગરનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાર બાદ ઘાટકોપરમાંથી મહિલાના પગ મળ્યા હતા અને એ પછી કુર્લા રેલવેલાઇન પાસેથી મહિલાનું માથું મળી આવ્યું હતું. જોકે ઘણા દિવસ પસાર થઈ ગયા હોવાથી મહિલાનો ચહેરો કોહવાઈ ગયો હતો એથી મહિલાની ઓળખ મુશ્કેલ બની હતી. તેના ચહેરાની ઓળખ મેળવવા માટે આધુનિક ટેક્નૉલૉજીનો સહારો લેવાનું પણ નક્કી થયું હતું.

એ ઉંમરની કોઈ મિસિંગ મહિલાની ફરિયાદ નોંધાઈ છે ખરી એ બાબતે મુંબઈ, નવી મુંબઈ, થાણે અને આસપાસનાં પોલીસ-સ્ટેશનોમાંથી વિગતો મગાવાઈ રહી હતી. ઘાટકોપર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર કુસુમ વાઘમારેએ કેસની માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘જે ઠેકાણેથી અમને મૃતક બદરુન્નિસ્સાના અવયવ મળ્યા હતા એ સ્થળોની આાસપાસ અમે તપાસ શરૂ કરી હતી. એ ત્રણેય જગ્યાએ સીસીટીવી કૅમેરાના ફુટેજમાં ભારે વસ્તુઓ લઈને ફરતું એક ચોક્કસ ટૂ-વ્હીલર સ્કૂટી જોવા મળતું હતું. એ સ્કૂટી કુર્લાના મહાજનવાડી વિસ્તાર તરફથી આવતું હોવાનું ફુટેજમાં નોંધાયું હતું. એટલે પોલીસે કોઈ મહિલા ગુમ થઈ છે કે નહીં એની તપાસ માટે એ વિસ્તારના દરેક ઘરમાં પૂછપરછ અને શોધખોળ આરંભી હતી. સ્થાનિક લોકોની પૂછપરછમાં ૫૩ વર્ષની બદરુન્નિસ્સા શેખ ઘણા દિવસથી જોવા ન મળી હોવાનું એ વિસ્તારના લોકોએ જણાવ્યું હતું. ટૂ-વ્હીલરની તપાસ કરતાં એ વાહન કુર્લામાં રહેતા સોહેલ શેખની માલિકીનું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે તેને સીધેસીધો પકડવો મુશ્કેલ હતો એથી તેની આડોશપાડોશમાં તપાસ કરતાં એવુ જાણવા મળ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી તેની માતા ઘરે નથી દેખાતી. ત્યાર બાદ બુધવારે નક્કર માહિતી મેળવ્યા પછી જ અમે સોહેલની ધરપકડ કરી હતી.’

આ પણ વાંચો : 10 વર્ષ પહેલાં હરિયાણામાં વેચી દેવાયેલી યુવતીને ઉગારી લેવાઈ

બ્યુટિશ્યન બદરુન્નિસ્સા બ્યુટી પાર્લર ચલાવતી હતી. છૂટક કામ કરનારો સોહેલ ઘણા દિવસથી બેકાર હોવાથી મા-દીકરા વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. વળી સોહેલના દારૂ પીવાના વ્યસનને કારણે તેની પત્ની તેને છોડીને જતી રહી હતી એને કારણે સોહેલ માનસિક તાણમાં રહેતો હતો. ઘટનાની રાતે માતા-પુત્ર વચ્ચે ઝઘડો થતાં સોહેલે માતાનું ગળું દબાવીને તેની હત્યા કરી હતી. એ પછી બીજા દિવસે સવારે મૃતદેહનો નિકાલ કરવા તેણે માતાના શરીરના ટુકડા કર્યા હતા અને અલગ-અલગ જગ્યાએ ફેંકી આવ્યો હતો. એ મૃતદેહના ટુકડા ફેંકવા જતી વખતે પોતાની બાઇકનો જ ઉપયોગ કર્યો હોવાથી તે ઝડપાઈ ગયો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK