મોદીની ઘાટકોપરની સભા માટે જંગી મેદની એકઠી કરવા પ્રયાસ

Published: Oct 07, 2014, 05:21 IST

મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે ગયા શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભામાં લોકોની ઓછી હાજરીની નોંધ લઈને BJPના રાજ્ય એકમે મુંબઈ એકમને ઠપકો આપ્યા પછી હવે શહેર એકમના કાર્યકરો આવતા ગુરુવારે ઘાટકોપર (ઈસ્ટ)ના સોમૈયા ગ્રાઉન્ડમાં યોજાનારી જાહેર સભામાં જંગી મેદની એકઠી કરવાના કામે લાગી ગયા છે.વરુણ સિંહ  

પક્ષના મુંબઈ એકમના એક નેતાએ જણાવ્યું હતું કે ‘મહાલક્ષ્મી રેસકોર્સમાં રૅલી પૂરી થયા પછી અમારા મહારાષ્ટ્ર એકમના નેતાઓને અમારો ઊધડો લેવાની તક મળી ગઈ હતી. થોડી ખુરશીઓ ખાલી રહી એમાં અમારા બધા પ્રયાસો ધૂળમાં મળી ગયા, પરંતુ આ વખતે અમે ઘણી અગમચેતી વાપરી છે. ગુરુવારની જાહેર સભામાં સોમૈયા મેદાનમાં હકડેઠઠ ભીડ થશે.’

BJPના શહેર એકમના બધા નેતાઓને ગુરુવારની રૅલીમાં હાજર રહેવાનો આદેશ બહાર પડાઈ ચૂક્યો છે. સોમૈયા ગ્રાઉન્ડ પક્ષના ઈશાન મુંબઈ ક્ષેત્ર હેઠળ હોવાથી એ વિસ્તારના કાર્યકરો ઘણા કાર્યબોજ હેઠળ છે. દરેક કાર્યકરને અમુક સંખ્યામાં માણસો લઈ આવવા જણાવાયું છે. તેમને માથે ચૂંટણીના પ્રચાર માટે લોકો એકઠા કરવાની જવાબદારી ઉપરાંત આ રૅલી માટે માણસો એકઠા કરવાની જવાબદારી પણ આવી પડતાં પ્રેશરને કારણે તેઓ રોજ રાતે થાકીને લોથ વળી જતા હોવાનું એ વિસ્તારના કાર્યકરો કહે છે.

પક્ષનો રાજ્ય એકમ પણ આ કામગીરીમાં વ્યસ્ત હોવાનું એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું. જોકે BJP સત્તાવાર રીતે કંઈક જુદી વાત કહે છે. પક્ષના મુંબઈ એકમના પ્રવક્તા નિરંજન શેટ્ટીએ દાવો કર્યો હતો કે ‘નરેન્દ્ર મોદીની રૅલી હોય ત્યાં લોકોને બોલાવવાની જરૂર નહીં પડે. કાર્યકરો તો ઠીક સામાન્ય નાગરિકો પણ મોટી સંખ્યામાં આવશે. મહાલક્ષમી રેસકોર્સની રૅલીમાં ઓછી હાજરીની વાત ઊપજાવી કાઢેલી છે. અમારી દરેક રૅલીમાં લોકોની ભરચક હાજરી હોય છે.’ 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK