ઘાટકોપર જૉલી જિમખાનાની ક્રિકેટટીમ કાંગા લીગ ટુર્નામેન્ટના ‘એફ’ ડિવિઝનમાં વિજેતા

Published: 31st October, 2012 07:42 IST

ઘાટકોપર જૉલી જિમખાનાએ છેલ્લાં ત્રણથી ચાર વર્ષમાં ક્રિકેટક્ષેત્રે ખૂબ જ પ્રશંસનીય આગેકૂચ કરી છે.

વર્ષ દરમ્યાન આંતરશાળા ક્રિકેટ-ટુર્નામેન્ટ, મુંબઈનાં પ્રખ્યાત જિમખાના/ક્લબો વચ્ચે ટી૨૦ ક્રિકેટ-ટુર્નામેન્ટ, સભ્યો તેમ જ તેમનાં બાળકો માટે જૉલી પ્રીમિયર લીગનું આઇપીએલના ધારાધોરણ મુજબનું ભવ્ય આયોજન વગેરે આકર્ષણના કેન્દ્રસ્થાને રહ્યાં છે જેનું મુખ્ય શ્રેય ક્રિકેટ સબકમિટી તેમ જ મૅનેજિંગ કમિટીના સભ્યો તથા ટ્રસ્ટીઓના શિરે જાય છે. પ્રતિવર્ષની પ્રણાલિકા મુજબ આ વર્ષે પણ દશેરાના શુભ દિને સ્ર્પોટ્સ કો-ઑર્ડિનેટર પરાગ ગાંધીના વરદ હસ્તે અંદાજે ૧૦૦ જેટલા સભ્યોની હાજરીમાં ગ્રાઉન્ડને ક્રિકેટની નવી સીઝન માટે ખુલ્લું મૂકતી વેળાએ ક્રિકેટ સબકમિટીના ઇન્ચાર્જ નિશીથભાઈ ગોળવાળાએ પ્રાસંગિક પ્રવચનમાં ડિસેમ્બર ૨૦૧૨માં ઇન્ટરસ્કૂલ ક્રિકેટ- ટુર્નામેન્ટ તેમ જ આશાસ્પદ ક્રિકેટપ્રેમી અન્ડર-૧૬ યુવાનો માટે દરરોજ સાંજે ૪થી ૬ વાગ્યા સુધી તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે એમ જણાવ્યું હતું.

મુંબઈ ક્રિકેટ અસોસિએશનના નિષ્ણાત કોચના માર્ગદર્શન હેઠળ તાલીમ શિબિરો તેમ જ વિવિધ ટુર્નામેન્ટોના આયોજનમાં મુંબઈનાં ઉપનગરોમાં મોખરાનું સ્થાન મેળવનાર ઘાટકોપર જૉલી જિમખાનાની સિનિયર ક્રિકેટટીમે સુકાની પ્રશાંત કારિયાના નેજા હેઠળ ઘણાં વરસોથી મુંબઈ ક્રિકેટ અસોસિએશનની પ્રીમિયર ટુર્નામેન્ટ કાંગા લીગમાં બાદબાકી થયા બાદ ખૂબ જ પરિશ્રમથી પાંચ વર્ષ અગાઉ નૉક આઉટ સ્પર્ધામાં વિજયી બની ‘જી’ ડિવિઝનમાં પ્રવેશ મેળવ્યો હતો. સફળતાનાં શિખરો આંબવા કટિબદ્ધ સિનિયર ક્રિકેટટીમે સૌપ્રથમ ‘જી’ ડિવિઝનના રનર્સ અપ બની ‘એફ’ ડિવિઝનમાં પ્રવેશ મેળવ્યો હતો અને આ વર્ષો ટીમના દરેક ખેલાડીની સુંદર કામગીરીના બળે વર્ષ ૨૦૧૨માં ‘એફ’ ડિવિઝનનું વિજેતાપદ મેળવી આગામી વર્ષ માટે ‘ઈ’ ડિવિઝનમાં પ્રવેશ મેળવ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK