૪૬ વર્ષના આશિષ બંસલને અજાણ્યા માણસોએ ગોળી મારીને પુરાવો નષ્ટ કરવાના ઇરાદે ડેડ બોડી નિર્જન વિસ્તારમાં ફેંકી દીધી
(રોહિત પરીખ)
ઘાટકોપર, તા. ૧૫
ઘાટકોપર (વેસ્ટ)ના જગડુશાનગરના દિવ્યદર્શન બિલ્ડિંગના પહેલા માળે રહેતા મારવાડી વેપારી ૪૨ વર્ષના આશિષ વેદપ્રકાશ બંસલની રાયગડ જિલ્લાના ખોપોલી પાસેના ખારપુર ગામ પાસેથી ગઈ કાલે મૃતદેહ મળ્યાના સમાચાર મળતાં અહીંના રહેવાસીઓમાં ચકચાર જાગી હતી.
આશિષ બંસલની રાયગડના ખારપુર પાસેના ધમાની ગામમાં રિદ્ધિ આયર્ન ઍન્ડ સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ નામની સ્ટીલના ઇગ્નોટ બનાવવાની ફૅક્ટરી છે. તેઓ રોજ સવારે ૧૦ વાગ્યા પછી તેમની કારમાં ફૅક્ટરી જવા નીકળે છે, પણ પાછા આવવાનો સમય ક્યારેય નક્કી નથી હોતો. ખારપુર પોલીસ-સ્ટેશનના પોલીસ-અધિકારી આઇ. એસ. પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આશિષ બંસલનું કોઈ અજાણ્યા માણસોએ પનવેલની ભાતાન ટનલથી ચાર કિલોમીટર દૂર આવેલા વિસ્તારમાં ગોળી મારીને ખૂન કર્યા પછી એના પુરાવા નાશ કરવા તેની ડૅડબોડીને ખારપુર પાસેના નિર્જન વિસ્તારમાં ફેંકી દીધી હતી. પનવેલ પોલીસ-સ્ટેશનની હદમાં આશિષનું ખૂન થયું હોવાથી આ બનાવની વધુ તપાસ પનવેલ પોલીસ કરશે.’
પોલીસ-અધિકારી આઇ. એસ. પાટીલે આખી ઘટનાની વિસ્તૃત માહિતી આપતાં કહ્યું હતું કે ‘ગઈ કાલે વહેલી સવારે ખારપુર પાસેના ઉમરેગામના નિર્જન વિસ્તારમાંથી એક માણસની લાશ મળી હતી. અમે આ લાશ કોની છે એની તપાસ કરી રહ્યા હતા ત્યારે જ આશિષ બંસલના ૨૬ વર્ષના ડ્રાઇવર નીલેશ રિકામે પોલીસ-સ્ટેશનમાં આવીને ફરિયાદ કરી હતી કે મંગળવારે સાંજે તે અને આશિષ બંસલ પુણે-મુંબઈ હાઇવે પરથી હુન્ડેઇ કારમાં ઘાટકોપર ઘરે જઈ રહ્યા હતા ત્યારે ભાતાન ટનલ પછી ચાર કિલોમીટરના અંતરે પનવેલ પાસે એક શેવરોલે કારે આવીને તેમની ગાડીને ટક્કર મારી હતી, જેને લીધે ચેમની ગાડીના કાચ તૂટી ગયા હતા. બન્ને જણ કારને શું નુકસાન થયું છે એ જોવા નીચે ઊતર્યા ત્યારે બીજી બે કાર ત્યાં આવી હતી, જેમાંના કેટલાક માણસો તેને ઉપાડી માર મારીને નવી મુંબઈના તળોજા ગામમાં છોડી દીધો હતો.’
ઘાટકોપરના જગડુશાનગરમાં દિવ્યદર્શન બિલ્ડિંગમાં આશિષ બંસલ ૧૯૭૫થી રહેતા હતા. ત્યાંના રહેવાસીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આશિષ બંસલ ગઈ કાલે સવારે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ તેમની કારનો ડ્રાઇવર નીલેશ આશિષ બંસલના ઘરે આવ્યો હતો અને તેણે તેમના કુટુંબીજનોને હતું કે કેટલાક માણસો કારને અથડાવ્યા પછી તેની શેઠની આંખે પાટા બાંધીને ઉપાડી ગયા હતા, તેને ખૂબ માર માયોર્ હતો અને પછી પરોઢિયે પાંચ વાગ્યે પહેલાં તેને ૫૦૦ રૂપિયા આપીને ઘરે જવા કહ્યું હતું; પણ થોડી વારમાં તેની પાસેથી ૫૦૦ રૂપિયા પાછા લઈને તેને છોડી મૂક્યો હતો. નીલેશે આ પ્રમાણે કહ્યું, પણ તેના શરીર પર ક્યાંય ઉઝરડા જોવા નહોતા મળ્યા. તેનાં કપડાં પણ અપ-ટુ-ડેટ હતાં. ત્યાર પછી વધુ ચર્ચા કર્યા વગર આશિષના પિતા વેદપ્રકાશ બંસલ અને બીજા લોકો ડ્રાઇવરને લઈને ખારપુર ગયા હતા, જ્યાં તેમણે આશિષ અને નીલેશ સાથે બનેલી ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.’
પનવેલ પોલીસ-સ્ટેશનના એક ઉચ્ચ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હજી થોડી વાર પહેલાં જ અમને ખારપુર પોલીસ-સ્ટેશનથી ફાઇલ મળી છે અને અમે તપાસ કરી રહ્યા છીએ.’
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK