ઘાટકોપરના ૧૬ રોડનો હિસાબ કિતાબ આપો

Published: 5th October, 2011 20:36 IST

ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન (ઘાટકોપર)ના કાર્યકરોએ વેસ્ટના સાત અને ઈસ્ટના નવ રોડની રાઇટ ટુ ઇન્ફર્મેશન હેઠળ વિગતો માગી: હવે ગાર્ડન્સ અને હિન્દુ સ્મશાનભૂમિની વિગતો માગવા માટે અરજી કરવામાં આવશે. આ સાથે તેમણે સુધરાઈના ‘ઍન’ વૉર્ડમાં જઈ ઉચ્ચ અધિકારીઓ પાસે ઈમાનદારી - ઘોષણાપત્ર પર સહી કરાવવાનો પ્રયત્ન કર્યો હતો.

 

 

- રોહિત પરીખ

ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન (ઘાટકોપર)ના કાર્યકરોએ ગુરુવારે ઘાટકોપરના ૧૬ રોડ સામે રાઇટ ટુ ઇન્ફર્મેશનની અરજી કરી હતી. આ સાથે તેમણે સુધરાઈના ‘ઍન’ વૉર્ડમાં જઈ ઉચ્ચ અધિકારીઓ પાસે ઈમાનદારી - ઘોષણાપત્ર પર સહી કરાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં ફક્ત પ્રભાગ સમિતિનાં અધ્યક્ષ અને શિવસેનાનાં નગરસેવિકા શુભાંગી શિર્કેએ જ પહેલાં આનાકાની કર્યા બાદ સહી કરી આપી હતી, બાકીના અધિકારીઓએ ઈમાનદારી ઘોષણાપત્ર પર સહી કરવાનો ઇનકાર કર્યો હતો.

આ બાબતે વિગતવાર માહિતી આપતાં ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન (ઘાટકોપર)ની કાર્યકર તેજસ્વિની વ્યાસે મિડ-ડે Localને કહ્યું હતું કે ‘છેલ્લાં વષોર્માં લાખો રૂપિયા મહાનગરપાલિકાએ રોડના બાંધકામ અને રિપેરિંગ માટે ખચ્ર્યા હોવા છતાં ઘાટકોપરના રસ્તાઓની બદતર હાલતને લીધે આ રસ્તાઓ પર વાહનો ચલાવવાં તો મુશ્કેલ છે જ, સાથે અમુક રસ્તાઓ પર ચાલવું પણ કપરું બની ગયું છે. આ માટે વારતહેવારે સુધરાઈના સંબંધિત વિભાગોમાં લોકો ફરિયાદ કરતા હોવા છતાં આ સમસ્યાનો કોઈ જ ઉકેલ આવતો નથી. મુંબઈના જનજીવનમાં રોજબરોજ કોઈ પણ બાબતની ફરિયાદ કરવા માટે ધક્કા ખાવા સામાન્ય જનતા માટે શક્ય નથી. આ માટે હવે લડાઈ લડવા સિવાય છૂટકો નથી. કૉન્ટ્રૅક્ટરો, સુધરાઈના અધિકારીઓ, કર્મચારીઓ અને જેને આપણે આપણી સેવા કરશે એવા (અંધ)વિશ્વાસ સાથે નગરસેવક (લોકસેવક) તરીકે ચૂંટીને મોકલ્યા છે તેમાંથી એકપણ વ્યક્તિ સામાન્ય જનતાની સમસ્યાને હળવી કરવા કે સૉલ્વ કરવાની તસ્દી લેતી નથી. તેમની સામે હવે લડાઈ લડવા સિવાય છૂટકો નથી. ઘાટકોપરના ૧૬ રોડની બધી જ વિગતો મગાવવા માટે અમારા કાર્યકરોએ ગુરુવારે રાઇટ ટુ ઇન્ફર્મેશન ઍક્ટ હેઠળ અરજી કરી હતી.’

‘ઍન’ વૉર્ડના રાઇટ ટુ ઇન્ફર્મેશન ડિપાર્ટમેન્ટમાં જે રોડની વિગતો માગવામાં આવી છે એમાં હસમુખ કેનિયાએ ઘાટકોપર-વેસ્ટની કામા લેનમાં આવેલા જુગલદાસ મોદી રોડ માટે, તેજસ્વિની વ્યાસે ઘાટકોપર-ઈસ્ટના પંતનગરમાં આવેલા એ. એસ. ગાવડે માર્ગ માટે, શશિકાન્ત કાંબળેએ ઘાટકોપર-વેસ્ટના ધþુવ તારા સિંહ રોડ માટે, નીલેશ રાજગોરે પંતનગરના શ્રી ગુરુદત્ત મંદિર રોડ માટે, હેમચન્દ્ર ગોવડાએ ઘાટકોપર-ઈસ્ટના રામનારાયણ નારકર માર્ગ માટે, તેજસ્વિની વ્યાસે શિવકૃપા અને નીલયોગ રેસિડન્સીવાળા રોડ માટે, જયેશ ઝગડેએ ઘાટકોપર-વેસ્ટના નિત્યાનંદ નગર રોડ માટે, હસમુખ કેનિયાએ ઈસ્ટ અને વેસ્ટના મહાત્મા ગાંધી રોડ માટે, તેજસ્વિની વ્યાસે ઘાટકોપર-ઈસ્ટના સંત જ્ઞાનેશ્વર માર્ગ માટે, ઉદય શેટ્ટીએ પંતનગરના નીલયોગ અપાર્ટમેન્ટની સામેના રોડ માટે, શાહિદ અહમદે ઘાટકોપર-વેસ્ટની પારસીવાડીના શંભાજી રોડ (ચોક) માટે, સાગર તાલુડકરે ઘાટકોપર-ઈસ્ટના પટેલ ચોકવાળા યશવંતશેઠ જાધવ માર્ગ માટે, ભાવિન શાહે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે માટે, નીલેશ ગાવડેએ ઘાટકોપર-વેસ્ટના વાસુદેવ બળવંત ફડકે માર્ગ માટે, ગિરીશ કામદારે ઘાટકોપર-ઈસ્ટના ચિતરંજન કૉલોની રોડ માટે અને પંકજ મહેતાએ ઘાટકોપર-વેસ્ટમાં આવેલા પરમાનંદ લેન માટે રાઇટ ટુ ઇન્ફર્મેશન હેઠળ અરજીઓ ફાઇલ કરી છે.

તેજસ્વિની વ્યાસે કહ્યું હતું કે ‘આ બધા રોડની વિગતોના અમને જવાબ મળે પછી અમે ઘાટકોપરના ગાર્ડન્સ, હિન્દુ સ્મશાનભૂમિ જેવાં અનેક સાર્વજનિક બાંધકામોની વિગતો મગાવવા માટે રાઇટ ટુ ઇન્ફર્મેશનની અરજી કરીશું. અણ્ણા હઝારેએ શરૂ કરેલી ભ્રષ્ટાચારવિરોધી ચળવળને અમે ઘાટકોપરમાં શાંતિપૂર્વક આગળ ધપાવવાનો નર્ણિય લીધો છે, પણ આ શાંતિ એવી નહીં કે ઘાટકોપરના રાજકારણીઓ કે સરકારી અધિકારીઓ અમારા કાર્યકરો સાથે ગમેતેવું વર્તન કરે તો અમે ચલાવી લઈશું. અમારા કાર્યકરોની આ ચળવળને ઉગ્ર બનાવવા ઘાટકોપરની જનતાએ પણ જાગૃત રહેવાની અમારી વિનંતી છે. આપણે ચૂંટીને મોકલેલા સેવકોના કાર્ય પર નજર રાખી લોકો તેમને ખિસ્સાં ભરતાં રોકે અને આપણી રોજબરોજની સમસ્યાઓ ઉકેલવા આપણને સાથ-સહકાર આપે એટલું જ નહીં, સરકારી અધિકારીઓ આપણાં જ કાર્ય કરવા માટે આપણી પાસે પૈસા માગે ત્યારે તેમને પ્રોત્સાહિત કરવાને બદલે રોકે તો દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર કરી શકીશું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK