એડવાન્સ બુકિંગ કરાવી લઈએ - લાઇફ કા ફન્ડા

Published: Sep 14, 2020, 14:20 IST | Heta Bhushan | Mumbai

રૂમમાં ચા-નાસ્તો આવી ગયા. પછી તેઓ તૈયાર થયાં. નીચે ગાડી તૈયાર હતી તેમાં બેસી મંદિરે ગયા.

એક ગરીબ યુવાન ભણ્યો-ગણ્યો અને
જાત-મહેનતે આગળ આવ્યો. સારા પૈસા કમાવા લાગ્યો એટલે પોતાને ગરીબાઈ વેઠીને પણ ભણાવનાર માતા-પિતાને તેણે યાત્રાએ લઈ જવાનું નક્કી કર્યું અને તૈયારી કરવા લાગ્યો. તેની ઇચ્છા હતી કે માતા-પિતાને કોઈ પણ તકલીફ ન પડે તે રીતે યાત્રા કરાવે. પોતાના ગામની બહાર પણ ક્યારેય ન નીકળનાર
માતા-પિતા દીકરો કમાઈને ચારધામની યાત્રાએ લઈ જવાનો છે તે જાણીને ખુશ ખુશ થઈ ગયાં અને આખા ગામમાં આ વાત કહી. તેઓ પણ તૈયારી કરવા લાગ્યા અને આતુરતાથી યાત્રાએ જવાની રાહ જોવા લાગ્યા.
યાત્રા પર નીકળવાના દિવસે નક્કી કરેલા સમયે ગામમાં કાર આવી ગઈ અને તેમને રેલવે સ્ટેશન લઇ ગઈ. તેઓ પહેલીવાર કારમાં બેઠાં અને પછી ટ્રેનમાં. પહેલા તીર્થયાત્રાના સ્થળે પહોંચ્યાં. માતાએ કહ્યું, ‘દીકરા ક્યાંક નાહવા ધોવાની તપાસ કર, મંદિરે દર્શન કરવા જવા પહેલાં નાહીને શુદ્ધ થવું પડશે. દીકરો હસ્યો અને બોલ્યો, ‘મા, તું ચિંતા ન કર હમણાં કાર આપણને સ્ટેશન પાસે લેવા આવશે અને હોટેલ પર લઈ જશે ત્યાં રૂમમાં આરામ કરી, ચા-નાસ્તો કરી આપણે તૈયાર થઈને મંદિરે જશું.’ થોડી જ વારમાં દીકરાએ કહ્યું હતું તેમ કાર આવી અને નક્કી કરેલ હોટેલ પર લઇ ગઈ. ત્યાં સરસ બે રૂમ રિઝર્વ હતા. રૂમમાં ચા-નાસ્તો આવી ગયા. પછી તેઓ તૈયાર થયાં. નીચે ગાડી તૈયાર હતી તેમાં બેસી  મંદિરે ગયા.
યુવાનનાં માતા-પિતાને આ બધું એકદમ વિસ્મયકારક લાગતું હતું. યુવાનના પિતાએ જોયું કે બધી સગવડો મળતી જાય છે પણ દીકરો ક્યાંય કોઈ પૈસા તો ખર્ચતો જ નથી. તેઓ મંદિરેથી હોટેલમાં આવ્યાં. રૂમમાં દીકરાએ કહ્યું તે મુજબ ગરમ જમવાનું આવી ગયું. જમતા જમતા પિતાએ પૂછ્યું, ‘દીકરા, આટલી બધી સારી સગવડો છે અને તું ક્યાંય એક પણ પૈસા ચૂકવતો નથી. આવું કઈ રીતે શક્ય બને.’
યુવાન બોલ્યો, ‘પિતાજી તમે કોઈ ચિંતા ન કરો. આપણી યાત્રાના પૂરા કાર્યક્રમના આપણા ત્રણ જણના ખર્ચના બધા જ પૈસા મેં ટ્રાવેલ એજન્સીમાં એડવાન્સમાં ભરી દીધા છે. એટલે આપણને બધી નક્કી કરેલી સગવડ મળતી જશે. તમે કોઈ ચિંતા કરો નહીં.’ માતા-પિતા એક પછી એક સ્થળે યાત્રા કરી ખુશ થતાં જતાં હતાં અને દીકરાને આશીર્વાદ આપતાં હતાં.
આ સાવ સરળ પ્રસંગ પાછળનો મર્મ સમજીએ. આ જીવન એક યાત્રા અને જીવન લખ ચોરાશીની સફર એમ આપણે કહીએ છીએ. તો ચાલો ઉપરવાળાની ટ્રાવેલ એજન્સીમાં આ યાત્રા પછીની અંતિમ યાત્રાનું એડવાન્સ બુકિંગ કરાવી લઈએ જેથી તેમાં સગવડ મળે અને કોઈ અગવડનો સામનો ન કરવો પડે. અંતિમ યાત્રામાં અને તેના પછીની સફરમાં કોઈ તકલીફ ન પડે તે માટે એડવાન્સ બુકિંગ કરાવી લેવા અત્યારે સારાં કર્મો, પુણ્ય કાર્યો કરીએ. હરિનામ લઈએ...એક હાથ લંબાવીને અન્યને મદદ અને બે હાથ જોડી ઈશ્વરને પ્રાર્થના કરીએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK