Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > લડત હથિયાર સાથે હોય અને કોરોના સામે કોઈ હથિયાર નથી

લડત હથિયાર સાથે હોય અને કોરોના સામે કોઈ હથિયાર નથી

10 October, 2020 06:21 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

લડત હથિયાર સાથે હોય અને કોરોના સામે કોઈ હથિયાર નથી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગુમાવેલા લોકોમાં આપણી વ્યક્તિનું નામ ન હોય એનાથી રૂડું બીજું શું હોઈ શકે?

ગઈ કાલે અહીં આપણે વાત અટકાવી હતી અને આજે વાતની શરૂઆત અહીંથી જ કરવાની છે. ગુમાવેલી વ્યક્તિમાં આપણું કોઈ વહાલું, સ્નેહીનું નામ નથી એનાથી મોટી વાત બીજી કોઈ હોઈ જ ન શકે. જો બધા અત્યારે સલામત હોય તો ખરેખર ભગવાનનો પાડ માનજો કે તમારા સુધી કોરોના પહોંચ્યો નથી. પાડ માનજો અને સાથોસાથ કોરોના આવતા સમયમાં પણ તમારા સુધી ન પહોંચે એની ચીવટ રાખજો. આ ચીવટ જ તમને આગળ લઈ જશે અને મુશ્કેલીમાંથી બચાવશે. તમારી આ ચીવટ જ તમને સંકટ સમય જોવામાંથી બાકાત રાખશે. જો તમે ઇચ્છતા હો કે આવતા સમયમાં પણ તમારા ઘરમાં તકલીફ ન આવે તો પણ તમારે ચીવટ રાખવાની છે અને જો તમે ઇચ્છતા હો કે આવતા સમયમાં તમારા પરિવારે હેરાનગતિ ભોગવવી ન પડે તો પણ તમારે કાળજી રાખવાની છે.



સિંગર એસ. પી. બાલાસુબ્રમણ્યમનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ફરે છે. શોધશો તો તમને પણ એ જોવા મળશે. એસ. પી. હૉસ્પિટલમાં હતા ત્યારે તેમણે એ વિડિયો રેકૉર્ડ કરી સોશ્યલ મીડિયા પર મૂક્યો હતો. એ વિડિયોમાં એસ. પી. એવું કહે છે કે હવે મને સારું છે અને કોરોનાની અસરમાંથી ઑલમોસ્ટ બહાર આવી ગયો છું. દિવસ દરમ્યાન સહેજ ટેમ્પરેચર રહે છે અને આછાસરખા કફની અસર છે. એસપી એમાં સ્પષ્ટ કહે છે કે મૅક્સિમમ બેથી ત્રણ દિવસમાં મને હૉસ્પિટલમાંથી રજા મળી જશે અને હું બહાર આવી જઈશ, પરંતુ એસપીએ કહ્યું હતું એવું બન્યું નહીં અને એસપીએ આપણી વચ્ચેથી વિદાય લઈ લીધી. ના, કોરોનાએ એસપીને આપણી વચ્ચેથી છીનવી લીધા.


એસ. પી. બાલાસુબ્રમણ્યમ સાઉથની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનું બહુ મોટું નામ. તેમની ઓળખાણ, તેમના ફૅન્સ, તેમની પહોંચની વાત પણ ન કરી શકાય અને એ પછી પણ જો કોરોનાની ઝપટમાં આવ્યા પછી તેઓ બહાર ન નીકળી શક્યા હોય તો આપણે સમજવું જોઈએ કે કોરોનાની બીમારી કેટલી ગંભીર છે. ગભરાવાની કે પછી ડરાવવાની કોઈ ભાવના નથી. ના, જરાંય નહીં; પણ હા, સાથોસાથ એ પણ કહેવાનું નથી થતું કે કોરોનાને હસી કાઢજો. ના, ભૂલ ન કરતા એવી. વૅક્સિન અને મેડિસિન માટે શોધખોળ ચાલે છે અને સાહેબ, લડવાનું એની સામે હોય જેને માટેનાં હથિયાર તમારા ભાથામાં પડ્યાં હોય. કોરોના એવો દુશ્મન છે જેનાં કોઈ હથિયાર આપણા ભાથામાં નથી. સાઇક્લોન આવે ત્યારે એને ભેટવા ન જવાનું હોય. સુનામી આવે ત્યારે દરિયાથી દૂર રહેવામાં જ સાર હોય અને ધરતીકંપની આગાહી સમયે ખુલ્લામાં રહેવામાં જ હિત છે. કોરોના પણ આવી જ એક કુદરતી આફત છે અને આ આફત વહેલામાં વહેલી તકે જવાની પણ છે એટલે એનાથી ડરવાને બદલે એનાથી સાવચેત રહેવાનું છે અને જો સાવચેતી ભણેલાગણેલા નહીં રાખે, ભદ્ર સમાજ નહીં રાખે તો નહીં ચાલે. કબૂલ, મંજૂર કે ડર મનમાં નથી રાખવાનો, પણ ડર નહીં રાખવાના નામે જો ભટકવાનું ચાલુ રાખ્યું તો ગઈ કાલે કહ્યું એમ, કોરોનાકાકા કોઈની પણ શરમ રાખ્યા વિના સીધા જ આક્રમક બનીને હુમલો કરશે અને એ હુમલાનો શિકાર તમારી સાથે તમારો પરિવાર પણ બનશે. બહેતર છે કે સાવચેતી રાખો અને સાવધાની સાથે આગળ વધો.


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2020 06:21 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK