પીએમસીના બે ખાતેદારોનું હાર્ટ-અટૅકથી મોત

Published: Oct 16, 2019, 07:54 IST | ગૌરવ સરકાર | મુંબઈ

૫૧ વર્ષના સંજય ગુલાટી પિતા સાથે સોમવારે દેખાવો અને સૂત્રોચ્ચારમાં જોડાયા હતા, ઘરે પાછા આવ્યા બાદ હૃદયરોગનો હુમલો થયો

ફત્તોમલ પંજાબી, સંજય ગુલાટી
ફત્તોમલ પંજાબી, સંજય ગુલાટી

પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ (પીએમસી) બૅન્કના ખાતેદારો હજી સુધી સંપૂર્ણપણે રાહતનો શ્વાસ લઈ શક્યા નથી. બે દિવસમાં પીએમસી બૅન્કના બે ખાતેદારો હાર્ટ-અટૅકથી મૃત્યુ પામ્યા છે. વારંવાર વિરોધ-પ્રદર્શનો અને મુખ્ય પ્રધાનથી લઈને કેન્દ્રના નાણાપ્રધાન સુધીના સત્તાવાળાઓની હૈયાધારણ તેમ જ રિઝર્વ બૅન્કે ખાતેદારો માટે ઉપાડની રકમની મર્યાદા વધાર્યા છતાં ગ્રાહકોની વ્યથાનો અંત આવતો નથી. સત્તાતંત્રોના પ્રયાસથી ખાતેદારોને ખરેખર હાશકારાનો અનુભવ થયો નથી.

pmc-bank

વિરોધ-પ્રદર્શન કરતા પીએમસી ખાતેદારો

પીએમસી બૅન્કમાં ૯૦ લાખ રૂપિયાની ડિપોઝિટ ધરાવતા જેટ ઍરવેઝના ભૂતપૂર્વ કર્મચારી સંજય ગુલાટી સોમવારે અને ત્રણ લાખ રૂપિયાની ડિપોઝિટ ધરાવતા નિવૃત્ત સિનિયર સિટિઝન ફત્તોમલ પંજાબી ગઈ કાલે હૃદયરોગનો હુમલો આવતાં અવસાન પામ્યા હતા.

૫૧ વર્ષના સંજય ગુલાટી ઓશિવરાના તારાપોર ગાર્ડન્સમાં રહે છે. પીએમસી બૅન્ક વિરુદ્ધ અનેક વિરોધ-પ્રદર્શનોમાં સહભાગી થતા સંજય ગુલાટી તેમના ૮૦ વર્ષના પિતા સાથે સોમવારે એક કોર્ટ પાસે દેખાવો અને સૂત્રોચ્ચારમાં જોડાયા હતા. એ વિરોધ-પ્રદર્શનમાંથી ઘરે પાછા ગયા ત્યારે જમતી વખતે કાર્ડિઍક અરેસ્ટ આવતાં પત્ની મેઘા તથા અન્ય બે મિત્રો તેમને કોકિલાબેન અંબાણી હૉસ્પિટલ લઈ ગયાં હતાં, પણ ત્યાં પહોંચતાં જ ડૉક્ટરોએ તેમને તપાસીને મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું હતું. ગઈ કાલે સવારે ૧૧.૩૦ વાગ્યે ઓશિવરાની સ્મશાનભૂમિમાં સંજય ગુલાટીના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.

બીજા બનાવમાં મુલુંડ કૉલોનીમાં ખુશમિજાજ વ્યક્તિ તરીકે જાણીતા ૬૧ વર્ષના ફત્તોમલ પંજાબીની ઇલેક્ટ્રિકલ પાર્ટ્સની દુકાન છે. તેઓ ગઈ કાલે બપોરે ૧૨.૩૦ વાગ્યે પીએમસી બૅન્કમાં જવા માટે નીકળ્યા ત્યારે તેઓ કાર્ડિઍક અરેસ્ટ આવતાં ઢળી પડ્યા હતા. તેમને ગોકુલ હૉસ્પિટલમાં લઈ જવાયા ત્યારે ડૉક્ટરોએ તેમને મૃત્યુ પામેલા જાહે કર્યા હતા. ફત્તોમલના મિત્ર વિનોદ રામચંદાનીએ જણાવ્યું હતું કે ‘ફત્તોમલના મૃત્યુ વિશે સૌએ ખોટો ઊહાપોહ કર્યો હતો. ઉનકો ટેન્શન થા. ટેન્શન સબ કો હોતા હૈ. ઉનકો પીએમસી બૅન્ક કે પ્રૉબ્લેમ કી વજહ સે બડા ટેન્શન નહીં થા. યે નૅચરલ ડેથ હૈ.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK