સમાજસેવા કરવાની ભાવના સાથે ચૂંટણીજંગમાં ઝુકાવનારા પરાગ શાહને મળી રહ્યું છે ભારે પ્રમાણમાં સમર્થન

Published: Oct 14, 2019, 13:10 IST | મુંબઈ

વિધાનસભામાં સૌથી અધિક ધનવાન તરીકે સોગંદનામું ભરનારા પરાગ શાહે ઘાટકોપરમાં નગરસેવક તરીકે અનેક કામ કર્યાં છે અને એટલે જ ઘાટકોપરની જનતાને તેમના પર વધુ પ્રમાણમાં વિશ્વાસ બેઠો છે.

પરાગ શાહ
પરાગ શાહ

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને જે રીતે દેશની જનતાનો ટેકો સાંપડી રહ્યો છે એવી જ રીતે ઘાટકોપર-ઈસ્ટના વિધાનસભા મતદારક્ષેત્રમાંથી સૌપ્રથમ વાર વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવનાર બીજેપીના ઉમેદવાર પરાગ શાહને ઘાટકોપરવાસીઓનો બહોળા પ્રમાણમાં પ્રતિસાદ સાંપડી રહ્યો છે. અઢી વર્ષ પહેલાં પાલિકાની ચૂંટણીમાં જે રીતે ઘાટકોપરની જનતાએ વિશ્વાસ રાખીને તેમને જિતાડ્યા હતા એવો જ વિશ્વાસ હાલમાં તેમને મળી રહ્યો છે.
એક ગુજરાતી ઉમેદવારના નાતે માત્ર ગુજરાતીઓનો જ નહીં, તમામ સમાજના લોકો દ્વારા તેમને સારા પ્રમાણમાં સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે. પાલિકાના સૌથી ધનવાન નગરસેવક અને હાલમાં પણ વિધાનસભામાં સૌથી અધિક ધનવાન તરીકે સોગંદનામું ભરનારા પરાગ શાહે ઘાટકોપરમાં નગરસેવક તરીકે અનેક કામ કર્યાં છે અને એટલે જ ઘાટકોપરની જનતાને તેમના પર વધુ પ્રમાણમાં વિશ્વાસ બેઠો છે.
ઘાટકોપરમાં અંદાજે ૯૫ સમાજ છે અને એ તમામ સમાજ તરફથી પરાગ શાહને સમર્થન સાંપડી રહ્યું છે. ઘાટકોપરની ગુજરાતી કોમ જ નહીં; મરાઠી, દલિત, ઉત્તર ભારતીય, રાજસ્થાની, આદિવાસી, ધનગર અને વણજારા કોમની પ્રજાનો પણ પરાગ શાહને સારા પ્રમાણમાં ટેકો સાંપડી રહ્યો છે. બીજેપીએ ૪ ઑક્ટોબરે જ્યારે પરાગ શાહની ઉમેદવારી જાહેર કરી એ પાર્શ્વભૂમિ પર પરાગ શાહ ઘાટકોપરમાં ખૂણે-ખૂણે ફરી વળ્યા હતા અને તેઓએ લોકચાહના મેળવી હતી. છેલ્લા ૧૦ દિવસ દરમ્યાન તેમની લોકપ્રિયતાનો ગ્રાફ ટોચ પર પહોંચી ગયો છે.
ઘાટકોપરમાં અનેક સમાજનો ટેકો પરાગ શાહને સાંપડી રહ્યો છે ત્યારે ઘાટકોપર બ્રાહ્મણ સમાજના મૅનેજિંગ ટ્રસ્ટી અને ઍડ્વોકેટ મનોજ ભટ્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે પરાગ શાહ એકદમ અનોખું વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ છે. સારા અને નિઃસ્વાર્થ ભાવે તેઓ કાર્ય કરવા માગે છે. ઉદ્યોગપતિમાંથી રાજકારણના માર્ગ પર રહીને સમાજ માટે સેવા કરીને પોતાનું જીવન સમર્પિત કરવા માગે છે, જેને અમે સૌકોઈ આવકારીએ છીએ.
ધનગર સમાજના રાજુ બર્ગેએ કહ્યું હતું કે માત્ર પૈસાથી જ નહીં, દિલથી પણ ધનવાન એવા પરાગ શાહની રુચિ હંમેશાં આધ્યાત્મિક રહી છે. આધ્યાત્મિક જીવન વિતાવનારા પરાગ શાહ ચૂંટણીપ્રચાર કરવા માટે ઘાટકોપરમાં જ્યાં-જ્યાં ફર્યા ત્યાં લોકોને તેમની આધ્યાત્મિક પ્રત્યેની રુચિની અનુભૂતિ થઈ હતી. પરાગ શાહની લોકપ્રિયતા થોડા દિવસમાં એટલીબધી વધી ગઈ છે કે ઘાટકોપરની જનતા અત્યારથી જ તેમને પોતાના નેતા માની બેઠી છે.
જૈન સમાજના અગ્રણી જયેન્દ્ર દડિયાએ જણાવ્યું હતું કે પરાગ શાહ સ્પષ્ટવક્તા છે. જે તેમના દિલમાં હોય છે એ જ તેમના હોઠે હોય છે. ઉમેદવારી મળી ત્યાર પછી તેમણે ઘાટકોપરની જનતા સાથેનો સંપર્ક વધારી દીધો છે અને તેમની સમસ્યા સાંભળી રહ્યા છે. મારું ચોક્કસપણે માનવું છે કે પરાગ શાહ ચૂંટાઈને આવશે તો ઘાટકોપરનો ચહેરો બદલી નાખશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK