માતાજીના ગરબાનું વિસર્જન દશેરાએ નહીં પણ નોમે કરવું

Published: 28th September, 2011 18:20 IST

નવરાત્રિમાં લોકો ઘરમાં અને સોસાયટીમાં માતાજીનો ગરબો નવ દિવસ બિરાજમાન કરતા હોય છે અને એની પૂજા-આરતી કરવામાં આવતી હોય છે. મોટા ભાગે મુંબઈગરાઓ ગરબાનું વિસર્જન દશેરાના દિવસે કરતા હોય છે, પરંતુ જ્યોતિષીઓનું કહેવું માનીએ તો માતાજીના ગરબાનું વિસર્જન નોમના દિવસે કરવું જોઈએ.

 

અંકિતા શાહ


મુંબઈ, તા. ૨૮

 

જ્યોતિષીઓનું કહેવું છે કે આઠમના દિવસે હવન થઈ ગયા પછી બીજા દિવસે વિસર્જન કરવું જોઈએ : આ વખતે એક તિથિનો ક્ષય હોવાથી એક નોરતું ઓછું


ગરબાના વિસર્જન વિશે જાણીતા ઍસ્ટ્રોલૉજર કેતન પોપટે કહ્યું હતું કે ‘મધ્ય ભારતમાં નવરાત્રિ આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી ઊજવવામાં આવે છે. જે મહિલાઓ ઘરે ગરબા લાવતી હોય તેમણે ગરબાનું વિસર્જન નોમના દિવસે જ કરી દેવું જોઈએ. જોકે આજકાલ ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે મહિલાઓ ગરબાનું વિસર્જન ઠેઠ દશેરાને દિવસે કરે છે, જે ખોટું છે.


આઠમને દિવસે હવન થઈ ગયા પછી નોમના દિવસે માતાજીના ગરબાનું વિસર્જન કરી દેવું જોઈએ.’


ગરબાનું વિસર્જન નોમના દિવસે કરવા વિશે કેતન પોપટે વધુમાં કહ્યું હતું કે ‘દશેરા નવરાત્રિનો ભાગ નથી. દશેરાને નવરાત્રિ સાથે જોડવામાં આવી છે. પંચાંગમાં જણાવવામાં આવ્યા પ્રમાણે નોમ એ નવરાત્રિ પૂરી થવાનો દિવસ છે, જ્યારે નવરાત્રિ એકમથી પ્રારંભ થાય છે. આને કારણે માતાજીના ગરબાનું નોમના દિવસે જ વિસર્જન કરવું જોઈએ. નવરાત્રિના નવ જ દિવસ હોય છે.’

આ વખતે એક નોરતું ઓછું કેમ?

આ વખતે એક તિથિનો ક્ષય હોવાથી એક નોરતું ઓછું છે. બીજ અને ત્રીજ બન્ને એક દિવસે છે અને આ બન્ને નોરતાં સાથે સંકળાયેલાં હોવાથી માતાજીની પૂજા એક દિવસે કરવામાં આવશે. બે વર્ષ પહેલાં નવરાત્રિના દસ દિવસ હતા અને આ વર્ષે નવરાત્રિ ફક્ત આઠ જ દિવસની જ રહેશે. એને કારણે ખેલૈયાઓને નવરાત્રિના ગરબા રમવા માટે એક દિવસ ઓછો મળશે. બીજ અને ત્રીજ સાથે આવતી હોવાથી એક નોરતું ઓછું છે. નવરાત્રિનું એક નોરતું ઓછું છે એ વિશે ઘાટકોપરનાં જ્યોતિષી સોનલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વખતે ત્રીજનો ક્ષય હોવાથી એક નોરતું ઓછું છે. ગુજરાતીઓની નવરાત્રિ નક્ષત્ર આધારિત નહીં, પણ તિથિને આધારે છે. છેલ્લે ૨૦૦૨ની સાલમાં આવી રીતે ત્રીજનો ક્ષય હતો. ૨૦૦૩માં અને ૨૦૦૪માં એકમનો ક્ષય હતો. આમ તે વખતે સળંગ ત્રણ વર્ષ નવરાત્રિ આઠ દિવસની હતી. ત્યાર પછી સાત વર્ષે ફરી નવરાત્રિમાં તિથિનો ક્ષય આવ્યો છે. ૨૯ તારીખે સવારે નવ વાગ્યા સુધી બીજ છે અને પછી ત્રીજ શરૂ થઈ જાય છે. આ પહેલાં ૨૦૦૦ની સાલમાં એક નોરતું વધારે હતું.’

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK