અગાઉ ક્યારેય નહોતી એવી સાવચેતી વિસર્જનમાં

Published: 29th September, 2012 05:57 IST

પહેલી જ વાર મોટાં મંડળો દ્વારા તેમના આખા રૂટનું થશે સીસીટીવી કૅમેરાથી રેકૉર્ડિંગ : સરકારના પણ ૧૨૯ સ્થળે લાગશે કૅમેરાવિનોદકુમાર મેનન

મુંબઈ, તા. ૨૯

ગણપતિ વિસર્જનના ઇતિહાસમાં પહેલી વખતે કેટલાંક સાર્વજનિક ગણેશ મંડળો તેમના વિસર્જનના આખા રૂટનું સીસીટીવી કૅમેરામાં શૂટિંગ કરવા માટે તૈયાર થયાં છે. સુરક્ષાનાં કારણોસર આ કૅમેરા બાપ્પાની મૂર્તિ લઈ જતાં વાહનોમાં લગાડવામાં આવશે.

આ મુદ્દે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં સ્ટેટ હોમ મિનિસ્ટર સતેજ પાટીલે કહ્યું હતું કે ‘કેટલાંક મોટાં મંડળો તેમના વાહન પર સીસીટીવી કૅમેરા લગાડવા તૈયાર થઈ ગયાં છે. આ સિવાય વિસર્જનના રૂટ પર પસંદ કરેલી જગ્યાએ બીજા વધારાના ૧૨૯ સીસીટીવી કૅમેરા બેસાડવામાં આવશે.’

શહેરમાં સિટી પોલીસ સિવાય ૧૦૦ વ્યક્તિઓની બનેલી એક એવી રેપિડ ઍક્શન ર્ફોસની બે કંપનીઓ, બૉર્ડર સિક્યૉરિટી ર્ફોસની એક કંપની અને સ્ટેટ રિઝર્વ પોલીસ ર્ફોસની એક કંપની સુરક્ષાનું ધ્યાન રાખશે. પરેલ વિસ્તારમાં ગણેશ ગલી અને લાલબાગચા રાજા જેવાં મોટાં ગણપતિમંડળો હોવાને કારણે અહીં ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ (સેન્ટ્રલ રીજન)ના સીધા સુપરવિઝન હેઠળ ૧૧૦૦ પોલીસ-કર્મચારીઓ અને સિક્યૉરિટી પર્સનલ તેમ જ ત્રણ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ આ વિસ્તારની સુરક્ષાનું ધ્યાન રાખશે. સતેજ પાટીલે આપેલી માહિતી પ્રમાણે વિસર્જનના રૂટમાં તેમ જ વિસર્જનના સ્થળે સિક્યૉરિટીની જાળવણી કરવા માટે ૮૪ વૉચ-ટાવર ઊભા કરવામાં આવ્યા છે તેમ જ નેવી અને કોસ્ટગાર્ડને સ્પીડબોટ આપવામાં આવી છે, જેથી તેઓ દરિયામાં સતત નજર રાખી શકે. જો કોઈ દુર્ઘટના બને તો લોકોને મદદ કરવા માટે ૨૪ સ્પીડબોટ, ૨૪૩ લાઇફ-જૅકેટ અને ૪૦૦ લાઇફગાર્ડની વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે.

વિસર્જન વખતની કોઈ ખાસ ગુપ્તચર માહિતી મળી છે કે કેમ એવા સવાલનો જવાબ આપવાનો ઇનકાર કરતાં સતેજ પાટીલે કહ્યું હતું કે ‘શહેરની પોલીસ સાબદી છે અને કોઈ પણ સમસ્યાને પહોંચી વળવા સક્ષમ છે. મહેરબાની કરીને લોકો કોઈ ખોટી અફવાથી ન ભરમાય અને જો કંઈ પણ શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ પોલીસ કન્ટ્રોલ-રૂમને જાણ કરે.’

ટ્રાફિક-પોલીસે વિસર્જન દરમ્યાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય એ માટે ૬૦ રોડ પાર્કિંગ માટે બંધ કર્યા છે. આ સિવાય ૩૭ રોડ વિહિકલ માટે બંધ કરવામાં આવ્યા છે, ૫૦ વન-વે જાહેર કરવામાં આવ્યા છે, ૧૩ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને ૬૧ રોડ પર પાર્કિંગ માટે મંજૂરી નથી આપવામાં આવી. આ સિવાય શહેરમાં ૩૦૦૦ ટ્રાફિક પોલીસમેન સતત વ્યવસ્થાનું ધ્યાન રાખશે.

આ વિશે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં જૉઇન્ટ કમિશન ઑફ પોલીસ (ટ્રાફિક) વિવેક  ફનસલકરે જણાવ્યું હતું કે વિસર્જન માટેના મુખ્ય પાંચ પૉઇન્ટને જોડતા મેઇન રોડ અને સાઇડના રસ્તા બંધ કરવામાં આવ્યા છે અને ટ્રાફિક-પોલીસ તથા લોકલ પોલીસ મળીને આજે સવારના આઠ વાગ્યાથી અહીંથી વાહનો હટાવવાનું શરૂ કરી દેશે. આ કારણે લોકોને પણ રસ્તા પર વાહનો પાર્ક ન કરવા વિનંતી કરવામાં આવી છે.

બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિના પ્રેસિડન્ટ નરેશ દહીબાવકરે બધાં મંડળોને અપીલ કરીને જણાવ્યું છે કે મહત્તમ વિસર્જન સાંજના પોણાછ વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી લો ટાઇડના સમયમાં થઈ જાય એ ઇચ્છનીય છે, કારણ કે આ સમયગાળામાં લોકો અંદર સુધી જઈને વિસર્જન કરી શકે છે અને પરિણામે પર્યાવરણને ઓછું નુકસાન થાય છે.

કેટલા ગણપતિનું થશે વિસર્જન?

શહેરમાં લગભગ ૧૦,૩૦૦ સાર્વજનિક ગણેશમૂર્તિઓ અને લગભગ ૧,૬૫,૦૦૦ ઘરેલુ ગણેશમૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં બે હજાર સાર્વજનિક ગણેશમૂર્તિઓ અને લગભગ ૯૦,૦૦૦ ઘરેલુ ગણેશમૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. બાકીની મૂર્તિઓનું વિસર્જન આજે શહેરમાં ૯૯ જગ્યાએ કરવામાં આવશે. શહેરમાં મહાનગરપાલિકા દ્વારા આ વિસર્જન માટે ૨૭ કૃત્રિમ તળાવો ઊભાં કરવામાં આવ્યાં છે, જેમાં ૩૫,૦૦૦ ઇકો-ફ્રેન્ડ્લી ગણપતિઓનું વિસર્જન કરવામાં આવે એવી ધારણા છે.

કેટલી જમા થશે ભીડ?

શહેરમાં વિસર્જન વખતે ૫૦ લાખ જેટલા લોકોની ભીડ જમા થવાની ધારણા છે. આ ભીડમાંથી દસ લાખ કરતાં વધારે લોકો ગિરગામ ચોપાટીમાં, પાંચ લાખ લોકો જુહુમાં, અંદાજે ચાર લાખ લોકો દાદરમાં અને દોઢેક લાખ લોકો નાનકડાં તળાવોમાં વિસર્જન કરશે એવી શક્યતા છે.

સીસીટીવી = ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK